<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 3rd July 2026

ભુજના સેડાતા ગામની સીમમાં જુગાર ક્‍લબ ઉપર SMCનો દરોડોઃ માનકુવા પીઆઈ સહિત ૩ પોલીસકર્મી સસ્‍પેન્‍ડ

૯ લાખની રોકડ સાથે ૪૫.૨૭ લાખનો મુદ્દામાલ જપ્તઃ ૭ જુગારી ઝડપાયા, ૨ મુખ્‍ય સૂત્રધારો સહિત ૧૦ વાહનચાલકો વોન્‍ટેડ

(વિનોદ ગાલા દ્વારા) ભુજ, તા.૩: સ્‍ટેટ મોનિટરિંગ સેલ દ્વારા પશ્‍ચિમ કચ્‍છના ભુજ નજીક આવેલા સેડાતા ગામની સીમમાં મોટા પાયે ચાલી રહેલી એક હાઈપ્રોફાઈલ જુગાર ક્‍લબ પાડેલા દરોડા એ ચકચાર સર્જી છે. સ્‍થાનિક પોલીસને અંધારામᅠાં રાખી SMC એ કરેલ આ કાર્યવાહીમાં જુગાર રમતા ૭ શખ્‍સોને રંગેહાથ ઝડપી પાડ્‍યા હતા જ્‍યારે ૧૦ અન્‍ય શખ્‍સો નાસી છુટયા હતા. બે મુખ્‍ય સૂત્રધારો અને ત્‍યાં જપ્ત કરાયેલ વાહનોના આધારે પોલીસે ૧૦ જણને વોન્‍ટેડ જાહેર કર્યા છે.

ભુજ નજીક સેડાતા ગામની સીમમાં હાર-જીતનો મોટો જુગાર રમાતો હોવાની બાતમી ગાંધીનગર સ્‍થિત પોલીસની સ્‍ટેટ મોનિટરિંગ ટીમ ને મળી હતી. આ બાતમીના આધારે SMCની ટીમે મોડી રાત્રે દરોડો પાડ્‍યો હતો. પોલીસને જોઈને  નાસભાગ મચી ગઈ હતી, પરંતુ પોલીસે સ્‍થળ કોર્ડન કરીને ઘટનાસ્‍થળેથી ૭ આરોપીઓની ધરપકડ કરી લીધી હતી. આ દરોડામાં પકડાયેલા શખ્‍સોમાં અગાઉ પણ મારામારી અને જુગારના ગુનાઓમાં સંડોવાયેલા લિસ્‍ટેડ માથાભારે તત્‍વોનો સમાવેશ થાય છે. પકડાયેલા આરોપીઓમાં ભીમજી વાલજીભાઈ વાણિયા (રહે. આદિપુર), મુરાદ અલ્લારખા મીર (લાકડીયા ભચાઉ) જુસબશા જામનશા શેખ (અંજાર) સહિત ૭ અઠંગ જુગારીઓનો સમાવેશ થાય છે.

જ્‍યારે મુખ્‍ય સૂત્રધારો અબ્‍બાસ ઇબ્રાહિમ શેખ (અંજાર), મનીષ હરીલાલ રાજગોર (ભુજ) ઉપરાંત અન્‍ય ૮ વાહન ચાલકો સહિત ૧૦ જણ નાસી છૂટવામાં સફળ રહ્યા હોઈ એમને વોન્‍ટેડ જાહેર કરાયા છે. એસ.એમ.સી.ની ટીમે જુગારના પડમાથી તેમજ આરોપીઓની અંગઝડતીમાંથી ૯.૩૬ લાખ ની રોકડ રકમ જપ્ત કરી છે. આ ઉપરાંત સ્‍થળ પરથી વાહનો, મોબાઈલ ફોન એમ કુલ મળીને કુલ રૂપિયા ૪૫,૨૭,૦૦૦/- નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્‍યો છે.

ગાંધીનગરની SMC ટીમની આ સીધી કાર્યવાહીથી સ્‍થાનિક પોલીસ તંત્ર એક્‍શનમાં આવ્‍યું છે. કચ્‍છ બોર્ડર રેન્‍જ આઇજી ચિરાગ કોરડિયાએ માનકુવા પીઆઇ કે.એમ. ગઢવી ઉપરાંત કેરા આઉટપોસ્‍ટના એએસઆઈ જે.ટી. મહેશ્વરી, સર્વેલન્‍સ ટીમના ઉપેન્‍દ્રસિંહ રાણાને સસ્‍પેન્‍ડ કર્યા છે.

(10:55 AM IST)