<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 2nd May 2026

ધારીના પ્રખ્યાત ફર્ન રિસોર્ટમાં તસ્કરોનો તરખાટ : લગ્ન પ્રસંગમાં આવેલા મહેમાનના પર્સમાંથી રૂ. 11.50 લાખના કિંમતી દાગીનાની સનસનીખેજ ચોરી

બુકાનીધારી શખ્સ રિસોર્ટની પાછળની દીવાલ કૂદી અંદર પ્રવેશ્યો અને 8 લાખનું મંગળસૂત્ર સહિતની મત્તા પર હાથ સાફ કર્યો : ચોરીની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થતા પોલીસે તપાસ તેજ કરી

અમરેલી:અમરેલી જિલ્લાના ધારી-તુલસીશ્યામ રોડ પર આવેલા સુપ્રસિદ્ધ 'ધ ફન વિસ્ટેરીયા' (ફર્ન) રિસોર્ટમાં સુરક્ષા વ્યવસ્થાના ધજાગરા ઉડાવતી ચોરીની એક મોટી ઘટના સામે આવી છે. રિસોર્ટમાં આયોજિત એક લગ્ન પ્રસંગમાં હાજરી આપવા આવેલા પરિવારના રૂમમાંથી તસ્કરો અંદાજે 11.50 લાખ રૂપિયાની કિંમતના સોનાના દાગીના અને રોકડની ચોરી કરી ફરાર થઈ ગયા છે. આ હાઈ-પ્રોફાઈલ ચોરીને પગલે રિસોર્ટમાં રોકાયેલા અન્ય પ્રવાસીઓ અને લગ્ન પક્ષના મહેમાનોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.

 

સીસીટીવી ફૂટેજમાં તસ્કરની હિલચાલ કેદ:

પ્રાપ્ત વિગતો અનુસાર, એક અજાણ્યો શખ્સ મોઢે બુકાની બાંધીને રિસોર્ટની પાછળની દીવાલ કૂદીને અંદર પ્રવેશ્યો હતો. આ સમગ્ર ઘટના રિસોર્ટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે, જેમાં શખ્સ ચોરીની ફિરાકમાં ફરતો સ્પષ્ટ જોઈ શકાય છે. આ તસ્કરે રિસોર્ટમાં રોકાયેલા એક પ્રવાસી મહિલાના પર્સને નિશાન બનાવ્યું હતું અને પળવારમાં લાખોની મત્તા ઉઠાવી પલાયન થઈ ગયો હતો.

 

કુલ 11.49 લાખની મત્તાની થઈ ચોરી:

ફરિયાદમાં જણાવ્યા મુજબ, મહિલાના પર્સમાંથી કુલ 11,49,000 રૂપિયાના મુદ્દામાલની ચોરી થઈ છે. જેમાં સૌથી કિંમતી વસ્તુ 8 લાખ રૂપિયાની કિંમતનું સોનાનું મંગળસૂત્ર હતું. આ ઉપરાંત, તસ્કર 3 સોનાની વીંટીઓ અને 9 હજાર રૂપિયાની રોકડ રકમ પણ લઈ ગયો છે. રિસોર્ટ જેવા સુરક્ષિત ગણાતા અને સીસીટીવીથી સજ્જ સ્થળે આટલી મોટી ચોરી થતા રિસોર્ટના મેનેજમેન્ટ અને સુરક્ષા વ્યવસ્થા સામે પણ ગંભીર સવાલો ઉભા થયા છે.

 

પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો:

આ ઘટના અંગે તુરંત જ ધારી પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવતા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. ધારી પોલીસે આ મામલે વિધિવત ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. સીસીટીવી ફૂટેજના આધારે તસ્કરની ઓળખ કરવા માટે અલગ-અલગ ટીમો બનાવવામાં આવી છે. પોલીસ દ્વારા ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદ લેવામાં આવી રહી છે. વેકેશનના માહોલમાં જ્યારે રિસોર્ટ પ્રવાસીઓથી ભરેલો હોય છે, ત્યારે બનેલી આ ઘટનાને પગલે પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે આ ચોરીમાં કોઈ સ્થાનિક ગેંગનો હાથ છે કે પછી બહારથી આવેલો કોઈ રીઢો ગુનેગાર છે.

(11:15 PM IST)