<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th November 2026

કચ્છમાં લીલા ઘાસચારાની આડમાં વિદેશી દારૂની હેરાફેરીનો પર્દાફાશ: ૫,૩૮૮ બોટલ-ટીન સાથે બોલેરો પીકઅપ ઝડપાઈ

આડેસર ચેકપોસ્ટ પર પોલીસની કાર્યવાહી, વાહન સહિત રૂ. ૧૪.૬૯ લાખનો મુદ્દામાલ કબજે

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૧૬ : પૂર્વ કચ્છ જિલ્લાના પ્રવેશદ્વાર સમાન આડેસર ચેકપોસ્ટ ખાતે સ્થાનિક પોલીસે વાહન ચેકિંગ દરમિયાન વિદેશી દારૂની મોટી હેરાફેરીનો પર્દાફાશ કરી નોંધપાત્ર સફળતા મેળવી છે. મહિન્દ્રા કંપનીની બોલેરો પીકઅપ ગાડીમાં લીલા ઘાસચારાની આડમાં છુપાવીને લઈ જવાતો ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપાયો હતો. પોલીસે દારૂનો જથ્થો અને વાહન સહિત કુલ રૂ. ૧૪,૬૯,૨૭૨નો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા, પોલીસ અધિક્ષક સાગર બાગમાર, નાયબ પોલીસ અધિક્ષક એ.વી. રાજગોર તેમજ નાયબ પોલીસ અધિક્ષક સાગર સાંબડાના માર્ગદર્શન હેઠળ આડેસર પોલીસ દ્વારા વાહન ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી. દરમિયાન શંકાસ્પદ જણાયેલી મહિન્દ્રા બોલેરો પીકઅપ ગાડીને રોકી તલાશી લેતાં તેના પાછળના ડાલામાં લીલા ઘાસચારાની આડમાં છુપાવેલો દારૂનો જથ્થો મળી આવ્યો હતો.

પોલીસે વાહનની તપાસ દરમિયાન વિવિધ બ્રાન્ડની વ્હિસ્કી, બિયર અને વોડકાની કુલ ૫,૩૮૮ બોટલ તથા ટીન કબજે કર્યાં હતાં. દારૂના જથ્થા સાથે પીકઅપ વાહન મળી કુલ રૂ. ૧૪,૬૯,૨૭૨નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. આ મામલે આડેસર પોલીસે બોલેરો પીકઅપના ચાલક તેમજ તપાસ દરમિયાન જેનાં નામ સામે આવે તે તમામ સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ સફળ કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર બી.વી. બોરીસાગર, પોલીસ સબ-ઇન્સ્પેક્ટર બી.વી. ગાગીયા તથા પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.

(તસવીર : મુકેશ રાજગોર, રાપર)

(9:35 AM IST)