તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 7th October 2026
સુરેન્દ્રનગરના રતનપરમાં એસઓજીના દરોડા :બિલ વગરની અને ડુપ્લિકેટ સિગરેટ-તમાકુના જથ્થા સાથે વેપારી ઝડપાયો
પોલીસે બિલ વગરની સિગરેટ, તમાકુ, જરદો, બીડી ઉપરાંત એક મોબાઇલ ફોન અને અવરજવર માટે વપરાતી એક અલ્ટો કાર સહિત કુલ 4.41 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો

સુરેન્દ્રનગર શહેરમાં બિનઅધિકૃત, બિલ વગરની અને ડુપ્લિકેટ સિગરેટ, બીડી તથા તમાકુના વેચાણનું દૂષણ અટકાવવા માટે સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપ (SOG) એ આક્રમક અભિયાન હાથ ધર્યું છે. SOG ની ટીમે બાતમીના આધારે સુરેન્દ્રનગર ટાઉનમાં દરોડા પાડીને ગેરકાયદેસર પ્રવૃત્તિ આચરતા એક શખ્સને ઝડપી પાડ્યો છે, જેના કારણે સિગરેટ અને તમાકુના વેપારીઓમાં મોટો ફફડાટ વ્યાપી ગયો છે.
મળતી માહિતી મુજબ, સુરેન્દ્રનગરના રતનપર વિસ્તારમાં રહેતા 24 વર્ષીય યુવાન જયપાલભાઈ મનહરભાઈ કણઝરિયાની પોલીસે ધરપકડ કરી છે. આ યુવાન હોલસેલ પાનમાવાનો વેપાર કરતો હતો અને કાયદાની આંખમાં ધૂળ નાખીને ગેરકાયદેસર રીતે બજારમાં માલ પહોંચાડતો હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.
SOG ની ટીમે દરોડા દરમિયાન આરોપી પાસેથી મોટા પ્રમાણમાં ગેરકાયદે સામગ્રી કબજે કરી છે. પોલીસે બિલ વગરની સિગરેટ, તમાકુ, જરદો, બીડી ઉપરાંત એક મોબાઇલ ફોન અને અવરજવર માટે વપરાતી એક અલ્ટો કાર સહિત કુલ 4.41 લાખ રૂપિયાનો જંગી મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ તમામ ચીજવસ્તુઓ ડુપ્લિકેટ અથવા બિનહિસાબી હોવાનું સામે આવ્યું છે.
(9:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
