તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 9th October 2026
ઉનાના ગરાળ ગામમાં SOG નો સપાટો: ડિગ્રી વગરના 2 બોગસ ડોક્ટર પકડાયા
મેડિકલ ઓફિસરની ટીમ સાથે સંયુક્ત દરોડા દરમિયાન એલોપેથીક દવાઓ અને તબીબી સાધનો મળી કુલ રૂ.3,764નો મુદ્દામાલ જપ્ત

ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના ગરાળ ગામમાં માન્ય મેડિકલ ડિગ્રી કે પ્રમાણપત્ર વગર દર્દીઓની સારવાર કરતા હોવાના આરોપમાં બે શખ્સો સામે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. મેડિકલ ઓફિસરની ટીમ સાથે સંયુક્ત દરોડા દરમિયાન એલોપેથીક દવાઓ અને તબીબી સાધનો મળી કુલ રૂ.3,764નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. બંને શખ્સો વિરુદ્ધ ઉના પોલીસ સ્ટેશનમાં અલગ-અલગ બે ગુના નોંધાયા છે.
મળતી માહિતી મુજબ, SOGના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એમ.કે. વણારકા અને PSI એસ.જે. સોલંકી સહિતનો સ્ટાફ ઉના પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો. આ દરમિયાન મળેલી ખાનગી બાતમીના આધારે પોલીસ દ્વારા મેડિકલ ઓફિસર અને તેમની ટીમનો સંપર્ક કરવામાં આવ્યો હતો. ત્યારબાદ સંયુક્ત ટીમે ગરાળ ગામમાં તપાસ હાથ ધરી હતી.
દરોડા દરમિયાન બે વ્યક્તિઓ માન્ય મેડિકલ ડિગ્રી કે જરૂરી પ્રમાણપત્ર વિના દવાખાના ચલાવી લોકોને એલોપેથીક દવાઓ આપતા હોવાની વિગતો સામે આવી હતી. પોલીસના જણાવ્યા પ્રમાણે બંને શખ્સો તબીબી સાધનોનો ઉપયોગ કરીને સારવાર કરતા હતા. તપાસમાં તેમની પાસે જરૂરી તબીબી લાયકાતના દસ્તાવેજો ઉપલબ્ધ ન હોવાનું સામે આવ્યું હતું.
પોલીસે તપાસ દરમિયાન અલગ-અલગ પ્રકારની એલોપેથીક દવાઓ અને મેડિકલ સાધનો સહિત કુલ 17 આર્ટિકલ કબજે કર્યા હતા. જપ્ત કરાયેલા મુદ્દામાલની અંદાજિત કિંમત રૂ.3,764 હોવાનું જાણવા મળ્યું છે. આ મામલે ગરાળ ગામના રાજેશભાઈ લીલાધરભાઈ બગથરીયા અને ખેંગારસિંહ પ્રભાતસંગ ચાવડા સામે કાર્યવાહી કરવામાં આવી છે.
બંને શખ્સો સામે ઉના પોલીસ સ્ટેશનમાં અલગ-અલગ ગુના દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.આ કામગીરીમાં SOGના PI એમ.કે. વણારકા, PSI એસ.જે. સોલંકી, ASI દેવદાનભાઈ માણંદભાઈ સહિત પોલીસ સ્ટાફ તથા ઉનાના મેડિકલ ઓફિસરની ટીમ જોડાઈ હતી.ગ્રામ્ય વિસ્તારોમાં યોગ્ય લાયકાત વિના સારવાર આપવાના મામલાઓ સામે આવી રહ્યા હોવાથી દર્દીઓની સુરક્ષાનો મુદ્દો મહત્વનો બન્યો છે. માન્ય તબીબી લાયકાત વગર આપવામાં આવતી સારવાર દર્દીઓના આરોગ્ય માટે જોખમી બની શકે છે.આ કેસમાં પોલીસે ગુના નોંધ્યા છે, જ્યારે આરોપો અંગેની આગળની કાયદેસરની પ્રક્રિયા બાકી છે.
(12:14 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
