<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 21st April 2026

કાલાવડમાં બેફામ ગતિએ કાર ચલાવનાર શખ્સ સામે મૃતક મહિલાના પુત્ર એ પોલીસ ફરિયાદ નોંધાવી

કારચાલક ની ઓળખ થઈ: કારમાં બેઠેલી તેની પત્ની અને પુત્રી પણ ઇજાગ્રસ્ત બની હોવાથી હોસ્પિટલમાં સારવાર મેળવી

જામનગર તા ૨૧, જામનગર જિલ્લાના કાલાવડમાં ગઈકાલે બપોરે ગોઝારી દુર્ઘટના બની હતી, અને પૂરપાટ ઝડપે આવી રહેલી સ્વીફ્ટ ડિઝાયર કાર ના ચાલકે શેરડી નો રસ પી રહેલા ચાર વ્યક્તિને હડફેટમાં લઈ બે વ્યક્તિના મૃત્યુ નિપજયા હતા, જે બનાવ બાદ મૃતક કીર્તિબેન હરિભાઈ ચાનપા ના પુત્ર મયુર હરિભાઈ ચાનપાએ કાલાવડ ટાઉન પોલીસ મથકમાં કાર ચાલક સામે ફરિયાદ નોંધાવી છે.

 પોતાના માતાનું મૃત્યુ નીપજાવવા અંગે તેમજ પિતાને ગંભીર સ્વરૂપે ઘાયલ કરવા અંગે, આ ઉપરાંત અયાન નામના ૧૩ વર્ષના કિશોરનું મૃત્યુ નીપજાવી તેના પિતા અશરફભાઈ ને પણ ઇજાગ્રસ્ત બનાવવા અંગે પોલીસ ફરિયાદમાં જણાવાયું છે.

 પોલીસની પ્રાથમિક તપાસ દરમિયાન કારચાલક કે જે પોતે જામનગર થી કાલાવડ તરફ આવી રહ્યો હતો, અને પોતાની કાર આગળ જઈ રહેલી એક બસ ને સાઈડ કાપવા માટે રોડથી નીચે ઉતારી ફૂલ સ્પીડમાં ઓવરટેક કરવા જતાં શેરડીના ચિચોડા પાસે ઉભેલા ચાર વ્યક્તિઓને હડફેટમાં લઈ કચડી નાખ્યા હતા, ત્યારબાદ પોતે કાર કુદાવીને રોડની નીચે ખાડામાં ઉતરી ગયો હતો.

 પોલીસે કારના નંબરના આધારે તપાસ કરતાં પોતે કાલાવડ ટાઉનમાં રહેતો હોવાનું અને બાવાજી જ્ઞાતિનો યુવાન હોવાનું જાણવા મળ્યું છે. જે કારની અંદર તેની પત્ની અને પુત્રી પણ બેઠા હતા, અને આ અકસ્માત બાદ માતા પુત્રી  બન્ને ને પણ ઇજા થઇ હોવાથી તેઓએ કાલાવડ ની સરકારી હોસ્પિટલમાં સારવાર મેળવી હોવાનું જાણવા મળ્યું છે. હાલ કાર ચાલક ભાગી છૂટ્યો હોવાથી પોલીસ તેને શોધી રહી છે.

(10:19 AM IST)