<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 7th May 2026

જામનગરના નાયબ માહિતી નિયામક તરીકે સોનલબેન જોષીપુરાએ પદભાર સંભાળ્‍યો

યુ.બી. બાવીસી, ડી.આર.ગજજર, પી.આર.સોનારીયાની પણ પ્રમોશન સાથે બદલી

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર  -રાજકોટઃતા.૦૭,  જામનગર જિલ્લાના નાયબ માહિતી નિયામક તરીકે શ્રીમતી સોનલબેન જોષીપુરાએ આજે વિધિવત રીતે પોતાનો કાર્યભાર સંભાળી લીધો છે. રાજ્‍ય સરકારના માહિતી વિભાગમાં લાંબા સમયનો અનુભવ ધરાવતા સોનલબેન જોષીપુરાની આ નિમણૂકથી જામનગર જિલ્લાની માહિતી કચેરીની કામગીરીને નવો વેગ મળશે.

 સોનલબેન જોષીપુરા અગાઉ રાજકોટ સહિત રાજ્‍યના વિવિધ જિલ્લાઓમાં સહાયક માહિતી નિયામક તરીકે ફરજ બજાવી ચૂકયા છે.  જામનગર માહિતી કચેરીના સ્‍ટાફ દ્વારા નાયબ માહિતી નિયામકશ્રીનું ઉષ્‍માભર્યું સ્‍વાગત કરવામાં આવ્‍યું હતું અને આગામી સમયમાં તેમના માર્ગદર્શન હેઠળ જિલ્લાની પ્રચાર-પ્રસારની કામગીરી વધુ સુદ્રઢ બનશે તેવો વિશ્વાસ વ્‍યક્‍ત કર્યો હતો.

માહિતી અને પ્રસારણ વિભાગ દ્વારા તાજેતરમાં બઢતીના આદેશો થયા છે. જેમાં પ્રાદેશિક માહિતી કચેરી, રાજકોટ ખાતે સહાયક માહિતી નિયામક (વર્ગ - ૨)તરીકે કાર્યરત  સોનલબેન જોશીપુરાને જામનગરમાં નાયબ માહિતી નિયામક (વર્ગ - ૧) તરીકે બઢતી મળતા તેઓને  ઠેર ઠેરથી શુભેચ્‍છાઓ મળી રહી છે.

તેઓની ૨૬ વર્ષની કારકીર્દીમાં તેઓએ ત્રણ પ્રમોશન મેળવ્‍યા છે. તેઓએ માહિતી મદદનીશ તરીકે જામનગર ખાતેથી કારકિર્દીની શરૂઆત કરી હતી. ત્‍યારબાદ સિનિયર સબ એડીટર, સહાયક માહિતી નિયામક તથા નાયબ માહિતી નિયામક તરીકે ત્રણ પ્રમોશન મેળવ્‍યા છે. તેઓ અગાઉ માહિતી મદદનીશ તરીકે જામનગર, વીરપુર અને રાજકોટ ખાતે પણ ફરજ બજાવી ચુકયા છે. જ્‍યારે સહાયક માહિતી નિયામક તરીકે રાજકોટ ખાતે પણ ફરજ બજાવી છે. આ ઉપરાંત તેઓએ ઇન્‍ચાર્જ નાયબ માહિતી નિયામક તરીકે અમરેલી, રાજકોટ અને જામનગર ખાતે પણ ફરજ બજાવી હતી.

તેમની અઢી દાયકાથી વધુ કારકિર્દીમાં તેઓએ અનેક વખત અન્‍ય દેશના વડાપ્રધાન સહિત ભારતના રાષ્‍ટ્રપતિ, વડાપ્રધાનશ્રી, રાજ્‍યપાલશ્રી, મુખ્‍યમંત્રીશ્રી તથા મંત્રીશ્રીઓના અતિ મહત્‍વના કાર્યક્રમો ઉપરાંત તમામ ચૂંટણીઓના કવરેજ અને મીડિયા મેનેજમેન્‍ટના કામો સફળતાપૂર્વક કર્યા છે.

મૂળ રાજકોટના જ વતની સોનલબેન જોષીપુરાના પત્રકારો અને અધિકારીઓ સાથેના સઘન લાયેઝનિંગ તથા બહોળા અનુભવનો માહિતી વિભાગને સતત લાભ મળ્‍યો છે.

આ ઉપરાંત સુરત પ્રદેશિક માહિતિ કચેરીમાં ફરજ બજાવતા યુ.બી. બાવીસીની વલસાડ જીલ્લા માહિતી કચેરી, ગાંધીનગર માહિતી કમિશ્‍નર કચેરીમાં ફરજ બતાવતા ડી.આર. ગજજરની ગાંધીનગર જીલ્લા માહિતી કચેરીમાં તથા ચૂંટણી વિભાગ સામાન્‍ય વિભાગ (પ્રતિનિયુકતની જગ્‍યા)માં ફરજ બજાવતા પી.આર. સોનારીયાની ચૂંટણી વિભાગ સ્‍વમાન્‍ય વહીવટ વિભાગ (પ્રતિનિયુકતની જગ્‍યા) માં નિમણુંક કરાઇ છે તેમ માહિતી અને પ્રસારણ વિભાગના ઉપસચિવ એ.એમ. વર્સાતનીયાદીમાં જણાવ્‍યું છે. 

(1:07 PM IST)