તા. ૧ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ શ્રાવણ વદ-૧૪, રવિવાર
News of Monday, 16th November 2026
જામ ખંભાળિયામાં ગુંજ્યો જય જલિયાણનો નાદ : પૂ. જલારામ બાપાની ૨૨૭મી જન્મજયંતિએ ભક્તિનો મહાસાગર છલકાયો
વહેલી સવારથી મંદિરે દર્શનાર્થીઓની લાંબી કતારો, ધ્વજારોહણ-મહાઆરતી અને ભવ્ય અન્નકૂટ દર્શન, મહિલાઓની જલારામ ધૂનથી ભક્તિમય બન્યું વાતાવરણ, બપોરે મહાપ્રસાદી અને સાંજે શોભાયાત્રા તથા રઘુવંશી સમાજનું નાત ભોજન

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળિયા તા.૧૬ : દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામ ખંભાળિયામાં સંત શિરોમણી શ્રી જલારામ બાપાની ૨૨૭મી જન્મ જયંતિની ભવ્ય ઉજવણી થઈ રહી છે. વહેલી સવારથી જ જલારામ મંદિર ખાતે દર્શનાર્થીઓની લાંબી કતારો જોવા મળી રહી છે. નાના બાળકથી લઈને વડીલો સુધી સૌના મુખે એક જ નાદ છે - જય જલિયાણ.
મંદિરમાં સવારે ધ્વજારોહણ, મહાઆરતી અને ભવ્ય અન્નકૂટ દર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. અન્નકૂટના દર્શન માટે ભાવિકો સવારથી જ ઉમટી પડ્યા છે. મંદિર પરિસરમાં મોટી સંખ્યામાં મહિલાઓએ એકત્ર થઈને જલારામ ધૂન બોલાવી સમગ્ર વાતાવરણને ભક્તિમય બનાવ્યું છે. ધૂન, ભજન અને કીર્તનના સૂરોથી આખું મંદિર પરિસર ગુંજી ઉઠ્યું છે.
બપોરના સમયે જલારામ મંદિર ખાતે હજારોની સંખ્યામાં ભક્તો બાપાની મહાપ્રસાદીનો લાભ લીધો હતો મહાપ્રસાદી માટે મંદિરના સ્વયંસેવકો દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. બપોર બાદ શહેરના મુખ્ય રાજમાર્ગો પર ઢોલ-નગારા અને જય જલારામના નાદ સાથે ભવ્ય શોભાયાત્રા યોજાશે. શોભાયાત્રામાં બાપાના જીવનચરિત્રને દર્શાવતી ઝાંખીઓ અને મોટી સંખ્યામાં ભાવિકો જોડાશે.
સાંજના સમયે નવી લોહાણા મહાજન વાડી ખાતે સમસ્ત રઘુવંશી સમાજ દ્વારા નાત ભોજન અને મહાપ્રસાદીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. સમાજના સૌ ભાઈઓ-બહેનો એકસાથે બેસીને બાપાની પ્રસાદી લેશે. સમગ્ર દિવસ દરમિયાન ખંભાળિયામાં ભક્તિ, સેવા અને અન્નદાનનો ત્રિવેણી સંગમ જોવા મળી રહ્યો છે.
(4:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
