તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 10th July 2026
પોરબંદર પોલીસ બેડામાં ભારે ખળભળાટ : આરોપીને ભગાડવા અને સરકારી વોરંટ ગુમ કરવાના ગંભીર આક્ષેપ હેઠળ SP ને જૂનાગઢ કોર્ટની ફટકાર
કુતિયાણા પીઆઈ અને સ્ટાફે સજા પામેલા રણછોડભાઈ વિરમગામાને રાત્રે પકડીને અગમ્ય કારણોસર ખાનગીમાં છોડી મૂક્યાનો પર્દાફાશ : ૫ દિવસમાં તમામ પુરાવા રજૂ કરવા પ્રિન્સિપાલ જજ પી.એચ. સિંહનો આદેશ : ડીજીપી સુધી મામલો પહોંચ્યો

રાજકોટઃ ગુજરાત પોલીસની શિસ્ત અને કાયદાના પાલન પર ગંભીર સવાલો ઊભા કરતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જૂનાગઢની ફેમિલી કોર્ટે પોરબંદર જિલ્લા પોલીસ અધિક્ષક (એસપી) ને અત્યંત આકરા શબ્દોમાં કારણદર્શક નોટિસ પાઠવીને કાયદેસરની કાર્યવાહી કરવાની ખુલ્લી ચીમકી આપી છે. આ સમગ્ર વિવાદ કુતિયાણા પોલીસ સ્ટેશનના પીઆઈ અને સ્ટાફ દ્વારા કોર્ટના આદેશોની ખુલ્લેઆમ ધજ્જિયાં ઉડાવી, સજા પામેલા એક આરોપીને વગ વગાડીને ભગાડી દેવા અને અદાલતને અંધારામાં રાખવા માટે સરકારી દસ્તાવેજોની હેરાફેરી કરવાના ગંભીર આક્ષેપો સાથે જોડાયેલો છે. પ્રિન્સિપાલ જજ પી.એચ. સિહે આ મામલે કડક વલણ અપનાવી આગામી ૫ દિવસમાં સીસીટીવી ફૂટેજ સહિતનો તમામ રેકોર્ડ રજૂ કરવા હુકમ કર્યો છે.
સમગ્ર પ્રકરણની વિગત એવી છે કે, અરજદાર માયાબેન દ્વારા તેમના પતિ રણછોડભાઈ રાયમલભાઈ વિરમગામા (રહે. ખૂનપુર, તા. કુતિયાણા) સામે ભરણપોષણની રકમ મેળવવા ફેમિલી કોર્ટમાં ફોજદારી પરચુરણ અરજી દાખલ કરવામાં આવી હતી. આ કેસમાં અદાલતી આદેશોનું સતત ઉલ્લંઘન કરાતા, કોર્ટે આરોપી વિરૂદ્ધ કાયદેસરનું 'સજા વોરંટ' જારી કરીને તેની બજવણી કરવા માટે પોરબંદર એસપી કચેરી અને કુતિયાણા પોલીસને મોકલી આપ્યું હતું. જો કે, અદાલતના આદેશોને અવગણીને કુતિયાણા પોલીસે આશરે બે વર્ષ સુધી આ વોરંટની બજવણી ન કરી અને આરોપી ખુલ્લેઆમ ફરતો હોવા છતાં તેને પકડવામાં સંપૂર્ણ નિષ્કાળજી દાખવી હતી.
જ્યારે અદાલતે આ મામલે કડક વલણ અખત્યાર કર્યું, ત્યારે તંત્ર પર પર્દાફાશ થવાના ડરે કુતિયાણા પોલીસના આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ ડી.એચ. જાડેજા અને રાઈટર મહેશ મુછાળે કોર્ટ સમક્ષ ખોટો રિપોર્ટ રજૂ કર્યો હતો. એટલું જ નહીં, કુતિયાણાના પીઆઈ એમ.ડી. વાળાએ અદાલતમાં લેખિતમાં એવી રજૂઆત કરી દીધી કે વર્ષ ૨૦૨૪ નું અસલ સજા વોરંટ પોલીસ સ્ટેશનમાંથી ક્યાંક ગુમ થઈ ગયું છે, તેથી નવું વોરંટ આપવામાં આવે! આ ઉપરાંત એવો પણ આક્ષેપ થયો હતો કે પોલીસે મૌખિક રીતે એવું જૂઠાણું પણ ચલાવ્યું કે આરોપી ક્યારેય પોલીસ મથકે આવ્યો જ નથી.
પોલીસની આ ગોઠવણ લાંબો સમય ટકી શકી નહીં. યોગાનુયોગ, આરોપી રણછોડભાઈ અને તેનો ભાઈ મુકેશભાઈ વિરમગામા અન્ય એક કેસના કામે કોર્ટમાં હાજર થયા હતા. અદાલતે તીક્ષ્ણ નજર દોડાવી બંને ભાઈઓનું સોગંદનામા પર નિવેદન લેતા જ પોલીસનો ચહેરો બેનકાબ થઈ ગયો હતો. આરોપીએ સ્વીકાર્યું કે ગત ૩૦ જૂનની રાત્રે કુતિયાણા પોલીસે તેને માણાવદરના લીંબુડા ગામેથી કાયદેસર પકડી લીધો હતો અને રાત્રે સાડા આઠ વાગ્યે પોલીસ સ્ટેશને લાવ્યા હતા. પરંતુ, કોઈ અગમ્ય કારણે પોલીસે તેને જેલ ભેગો કરવાના બદલે રાત્રે સાડા દસ વાગ્યે ચુપચાપ ઘરે જવા દીધો હતો. આમ, સરકારી દસ્તાવેજનો નાશ કરીને ગુનેગારને આશરો આપવાનું પોલીસનું કૃત્ય પકડાઈ ગયું હતું.
જૂનાગઢ ફેમિલી કોર્ટે આ ઘટનાને ન્યાયતંત્રની મજાક અને ગુનાહિત કૃત્ય ગણાવીને પોરબંદર એસપીને ૫ દિવસમાં નીચે મુજબના પુરાવા રજૂ કરવા આદેશ આપ્યો છે.
૩૦ જૂનની સાંજથી ૧ જુલાઈની સવાર સુધી કુતિયાણા પોલીસ સ્ટેશનમાં હાજર તમામ સ્ટાફની યાદી.
જે-તે સમયગાળાના પ્રમાણિત સીસીટીવી ફૂટેજ, લોકઅપ રજીસ્ટર અને સ્ટેશન ડાયરીની અસલ નકલો.
સ્થાનિક પોલીસ કયા કાયદાકીય હુકમ હેઠળ પોરબંદરની હદ છોડી જૂનાગઢ જિલ્લાના લીંબુડા ગામે ગઈ હતી તેની વિગતો અને પેરોલ બુકની નકલ.
અદાલતે એસપીને અલ્ટીમેટમ આપ્યું છે કે જો આ પુરાવા આપવામાં કોઈ પણ આનાકાની કરાશે, તો એવું માની લેવામાં આવશે કે પોરબંદર એસપી પોતે પોતાના કસુરવાર કર્મચારીઓને બચાવી રહ્યા છે, અને ત્યારબાદ ખુદ એસપી સામે પણ ગુનાહિત કાવતરા અંતર્ગત કાર્યવાહી કરાશે. આ ગંભીર ભ્રષ્ટાચારના મામલાની નકલો રાજ્યના ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ (DGP) અને જૂનાગઢ રેન્જ ડીઆઈજીને પણ કડક વહીવટી પગલાં લેવા માટે મોકલી દેવાતા સમગ્ર પોલીસ બેડામાં સન્નાટો વ્યાપી ગયો છે.
(11:38 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
