તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 6th October 2026
કચ્છના ગાંધીધામમાં ‘સ્પંદન-2026’ વોલીબોલ સ્પર્ધા યોજાઈ: કચ્છ, રાજકોટ, ભાવનગરની ૧૬ ટીમોએ ભાગ લીધો
પ્રથમ ત્રણેય ટાઈટલો કચ્છના ફાળે, શિવ શક્તિ, લીલા શાહ ક્લબ, ગાંધીધામની ટીમ ચેમ્પિયન, હર્ષ ચેલેન્જર, ભુજ રનર-અપ, ડો. મગન પટેલ ક્લબ, ભુજનું ત્રીજું સ્થાન

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૬ : કચ્છના ગાંધીધામમાં રામબાગ ખાતે આવેલી 85મી વાહિની બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) પરિસરમાં આયોજિત બે દિવસીય જિલ્લા કક્ષાની વોલીબોલ સ્પર્ધા ‘સ્પંદન-2026’ નું ઉત્સાહભર્યા વાતાવરણમાં સમાપન થયું. ‘ખેલો ઇન્ડિયા’ યોજના અંતર્ગત તથા ભારતીય રમત પ્રાધિકરણ (SAI)ના સહયોગથી તા. 3 અને 4 ઓક્ટોબર દરમિયાન યોજાયેલી આ સ્પર્ધાનો મુખ્ય ઉદ્દેશ યુવાનોમાં રમતગમત પ્રત્યેની ભાવના, શિસ્ત અને શારીરિક તંદુરસ્તીને પ્રોત્સાહન આપવાનો હતો.
સમાપન સમારોહમાં ગાંધીધામના ધારાસભ્ય શ્રીમતી માલતી કિશોર મહેશ્વરી મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. 85મી વાહિની BSFના કમાન્ડન્ટ શ્રી શિવ કુમારના માર્ગદર્શન હેઠળ યોજાયેલી આ સ્પર્ધાના સમાપન પ્રસંગે BSFના અધિકારીઓ અને જવાનો ઉપરાંત નાગરિક વહીવટીતંત્રના અધિકારીઓ, મીડિયા પ્રતિનિધિઓ તેમજ કોર્પોરેટ પ્રાયોજકો ઉપસ્થિત રહ્યા હતા. સ્પર્ધામાં કચ્છ, રાજકોટ અને ભાવનગર જિલ્લાની કુલ 16 ટીમોએ ભાગ લીધો હતો. લીગ કમ નોકઆઉટ પદ્ધતિથી રમાયેલી મેચોમાં ખેલાડીઓએ શાનદાર રમતનું પ્રદર્શન કરી દર્શકોને રોમાંચિત કર્યા હતા.
સ્પર્ધામાં શિવ શક્તિ લીલા શાહ ક્લબ, ગાંધીધામે પ્રથમ સ્થાન મેળવી ચેમ્પિયનનો ખિતાબ પોતાના નામે કર્યો હતો. જ્યારે હર્ષ ચેલેન્જર, ભુજે ઉપવિજેતા સ્થાન મેળવ્યું હતું. ડૉ. મગન પટેલ ક્લબ, ભુજે ત્રીજું સ્થાન પ્રાપ્ત કર્યું હતું.
મુખ્ય અતિથિના હસ્તે વિજેતા ટીમો તથા ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનારા ખેલાડીઓને ટ્રોફી, મેડલ, પ્રમાણપત્રો તેમજ BSF તરફથી રોકડ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત સ્થાનિક વેપારી સંગઠનોએ પણ ખેલાડીઓનો ઉત્સાહ વધારવા માટે નોંધપાત્ર રોકડ પુરસ્કારો જાહેર કર્યા હતા. ટિમ્બર એસોસિએશન, ગાંધીધામના પ્રમુખ શ્રી નવનીત આર. ગજ્જરે વિજેતા ટીમને રૂ.31,000, ઉપવિજેતા ટીમને રૂ.21,000 અને ત્રીજા ક્રમે આવેલી ટીમને રૂ.11,000નું રોકડ ઇનામ આપ્યું હતું. તેમજ ‘મેન ઓફ ધ મેચ’ માટે રૂ.2,100 અને ‘મેન ઓફ ધ ટુર્નામેન્ટ’ માટે રૂ.5,100નું વ્યક્તિગત રોકડ ઇનામ પણ જાહેર કર્યું હતું.
તે જ રીતે ચેમ્બર ઓફ કોમર્સ, ગાંધીધામના પ્રમુખ શ્રી તેજાભાઈ કાંગડે વિજેતા ટીમને રૂ.15,000, ઉપવિજેતા ટીમને રૂ.11,000 અને ત્રીજા ક્રમે રહેલી ટીમને રૂ.7,500નું રોકડ ઇનામ આપી ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો હતો. સમાપન પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ BSF દ્વારા સ્પર્ધાના સફળ અને સુચારુ આયોજનની પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે ‘સ્પંદન-2026’ જેવી રમતોત્સવની પહેલ યુવાનોને રમતગમત સાથે જોડવા ઉપરાંત તેમનામાં શિસ્ત, ટીમ ભાવના, તંદુરસ્તી અને રચનાત્મક સ્પર્ધાની ભાવનાને પ્રોત્સાહન આપતી મહત્વપૂર્ણ પહેલ છે.
(9:32 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
