<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 17th September 2026

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસે પોરબંદરના શ્રીહરિ મંદિર ખાતે વિશેષ વૈદિક અનુષ્ઠાન : તેમના દીર્ઘાયુષ્ય અને સુસ્વાસ્થ્ય માટે કરાઈ પ્રાર્થના

ભાઈશ્રી રમેશભાઈ ઓઝા પ્રેરિત સાંદીપનિ વિદ્યાનિકેતનના ઋષિકુમારો અને ગુરુજનો દ્વારા રુદ્રાભિષેક, મહાપૂજા તેમજ ગણપતિ અથર્વશીર્ષના ૧૦૦૮ પાઠ સંપન્ન કરાયા

પોરબંદર: ભારત દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે ભાઈશ્રી રમેશભાઈ ઓઝા દ્વારા સંચાલિત સાંદીપનિ વિદ્યાનિકેતન, પોરબંદર ખાતે આવેલા સુપ્રસિદ્ધ શ્રીહરિ મંદિર ખાતે વિશેષ વૈદિક અનુષ્ઠાનોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. સાંદીપનિના ઋષિકુમારો તથા ગુરુજનો દ્વારા માનનીય વડાપ્રધાનના દીર્ઘાયુષ્ય, ઉત્તમ સ્વાસ્થ્ય અને રાષ્ટ્રસેવાના મંગલ સંકલ્પ સાથે તમામ વૈદિક વિધિઓ શ્રદ્ધા અને ભક્તિભાવપૂર્વક સંપન્ન કરવામાં આવી હતી.

વૈદિક અનુષ્ઠાનો અને જાપની વિગત:
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસના પાવન પ્રસંગે શ્રીહરિ મંદિરમાં બિરાજમાન ભગવાન શ્રી ચંદ્રમૌલીશ્વર મહાદેવનો ગુરુજનો અને ઋષિકુમારો દ્વારા વિશેષ રુદ્રાભિષેક કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત, ભગવાન શ્રી ગણપતિની મહાપૂજા, શ્રી વિષ્ણુ સહસ્રનામ સ્તોત્રના ૭૫૧ પાઠ, શ્રી ગણપતિ અથર્વશીર્ષના ૧૦૦૮ પાઠ તેમજ માર્કંડેય મંત્રના ૧૧,૦૦૦ જાપ વિધિવત્ રીતે કરવામાં આવ્યા હતા.

દેશના વિકાસ અને જનકલ્યાણ માટે પ્રાર્થના:
આ વિશેષ પ્રસંગે સમગ્ર સાંદીપનિ પરિવાર દ્વારા દેશના નિરંતર વિકાસ અને જનકલ્યાણની ભાવના સાથે સતત કાર્યરત એવા વડાપ્રધાનના ઉત્તમ સ્વાસ્થ્ય અને દીર્ઘાયુષ્ય માટે ભગવાન શ્રીહરિના ચરણોમાં વિશેષ પ્રાર્થના કરવામાં આવી હતી. (અહેવાલ - મુકેશ પંડિત)

(6:46 PM IST)