<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 23rd September 2026

ભાવનગરમાં સ્‍પીપા પ્રાદેશિક તાલીમ કેન્‍દ્રનો પ્રારંભ

બોટાદ, અમરેલી અને ગીર સોમનાથ જિલ્લાના યુવાનોને મળશે લાભ

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર, તા.૨૩: ભાવનગર ખાતે સરદાર પટેલ લોકપ્રશાસન સંસ્‍થા (સ્‍પીપા)ના પ્રાદેશિક તાલીમ કેન્‍દ્રનો પ્રારંભ કેન્‍દ્રીય રાજ્‍યમંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયાના હસ્‍તે કરવામાં આવ્‍યો હતો. આ પ્રસંગે જુનિયર ક્‍લાર્ક વર્ગ-૩ સંવર્ગના કર્મચારીઓની પૂર્વ સેવા તાલીમના પ્રથમ વર્ગનો પણ પ્રારંભ થયો હતો.

આ પ્રસંગે કેન્‍દ્રીય રાજ્‍યમંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયાએ જણાવ્‍યું હતું કે, ભાવનગરમાં સ્‍પીપા તાલીમ કેન્‍દ્ર શરૂ થવું સમગ્ર વિસ્‍તાર માટે ગૌરવની બાબત છે. આ કેન્‍દ્ર દ્વારા સરકારી અધિકારીઓ-કર્મચારીઓને તાલીમની સાથે યુવાનોને યુપીએસસી અને જીપીએસસી જેવી સ્‍પર્ધાત્‍મક પરીક્ષાઓની તૈયારી માટે માર્ગદર્શન અને યોગ્‍ય પ્‍લેટફોર્મ મળશે. ભાવનગર ઉપરાંત બોટાદ, અમરેલી અને ગીર સોમનાથ જિલ્લાના યુવાનો પણ તેનો લાભ લઈ શકશે.

તેમણે જણાવ્‍યું હતું કે, સિદસર ખાતે આશરે ૨.૨૬ એકર જમીન પર ભવિષ્‍યમાં આધુનિક સ્‍પીપા કેન્‍દ્રનું નિર્માણ કરવામાં આવશે. તેમાં સ્‍માર્ટ ક્‍લાસરૂમ, લાઇબ્રેરી, હોસ્‍ટેલ સહિતની આધુનિક સુવિધાઓ ઉપલબ્‍ધ કરાવવાનું આયોજન છે. આ કેન્‍દ્ર ભાવનગર સહિત સમગ્ર સૌરાષ્‍ટ્રના યુવાનો માટે સ્‍પર્ધાત્‍મક પરીક્ષાઓની તૈયારી અને સરકારી કર્મચારીઓની તાલીમ માટે મહત્‍વપૂર્ણ કેન્‍દ્ર બની રહેશે.

કમિશનરશ્રી ડો. નરેન્‍દ્રકુમાર મીનાએ જણાવ્‍યું હતું કે, અત્‍યાર સુધી ‘સ્‍પીપા એટલે અમદાવાદ' એવી ઓળખ હતી. ત્‍યારે ભાવનગર ખાતે પ્રાદેશિક તાલીમ કેન્‍દ્રની શરૂઆત સૌરાષ્‍ટ્રના યુવાનો માટે નવી તક સમાન છે. કેન્‍દ્રીય રાજ્‍યમંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયાના પ્રયાસોથી ભાવનગરને આ સુવિધા મળી છે. હવે યુવાનોને અમદાવાદ ગયા વિના સ્‍થાનિક સ્‍તરે ગુણવત્તાસભર તાલીમ અને માર્ગદર્શન મળશે.

ભાવનગર યુનિવર્સિટીના કુલપતિ ડો. ભરતભાઈ રામાનુજે જણાવ્‍યું હતું કે, સૌરાષ્‍ટ્રમાં સ્‍પીપાનું વધુ એક પ્રાદેશિક તાલીમ કેન્‍દ્ર શરૂ થવું સમયની જરૂરિયાત હતી. કેન્‍દ્રીય રાજ્‍યમંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયાના સતત પ્રયત્‍નોથી આ કેન્‍દ્ર સાકાર થયું છે. બદલાતા કાયદા-નિયમો, વહીવટી પ્રક્રિયાઓ અને ટેકનોલોજી સાથે કર્મચારીઓની કાર્યક્ષમતા વધારી નાગરિકોને વધુ સરળ અને ગુણવત્તાસભર સેવાઓ મળે તે દિશામાં આ કેન્‍દ્ર મહત્‍વપૂર્ણ ભૂમિકા ભજવશે.

આ પ્રસંગે સ્‍પીપાના સંયુક્‍ત નિયામક  એ.એસ. માંડોદ, અમદાવાદ સ્‍પીપાના ડેપ્‍યુટી ડાયરેક્‍ટર  હાર્દિકભાઈ પ્રજાપતિ,  એચ.કે. રાઠોડ, કોર્પોરેટર  પરેશભાઈ ચૌહાણ, એમ.જે. કોલેજના પ્રિન્‍સિપાલ  દિલીપભાઈ જોશી, મોડેલ શાળાના આચાર્ય  ડો.પ્રકાશભાઈ રાઠોડ સહિતના મહાનુભાવો, અધિકારીઓ, પ્રાધ્‍યાપકો, કોલેજના વિદ્યાર્થીઓ તથા તાલીમાર્થીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

(10:49 AM IST)