તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 18th September 2026
ઘેલા સોમનાથ મંદિર પરિસર ૨૫ હજાર દીવડાઓથી ઝગમગી ઉઠયું
કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાની ઉપસ્થિતિમાં ‘સેવા સંકલ્પ અભિયાન' હેઠળ ‘એક દીવો આશીર્વાદનો' કાર્યક્રમ યોજાયો

આટકોટ તા.૧૮: રાજકોટ જિલ્લાના પ્રસિદ્ધ તીર્થધામ શ્રી ઘેલા સોમનાથ મહાદેવ મંદિર ખાતે કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાની ઉપસ્થિતિમાં ‘‘એક દીવો આશીર્વાદનો'' કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે કેબિનેટ મંત્રી બાવળીયાએ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે શુભકામના પાઠવતા જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના કાર્યકાળના સળંગ ૨૫ વર્ષ લોકસેવા અને સુશાસનના રહ્યા છે. ૧૭ સપ્ટેમ્બરથી ૧૭ ઓક્ટોબર સુધી ચાલનારા એક માસના ‘‘સેવા સંકલ્પ અભિયાન'' દરમિયાન કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોંચાડવા તેમજ જનજાગળતિ લાવવા માટે વિવિધ કાર્યો હાથ ધરવામાં આવ્યા છે. આ કાર્યક્રમના પ્રારંભે મંત્રીશ્રીએ શ્રી ઘેલા સોમનાથ મહાદેવજીનું પૂજન-અર્ચન કર્યું હતું.
આ અવસરે મંત્રીશ્રીએ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતળત્વમાં સમગ્ર રાષ્ટ્ર પ્રગતિના નવા શિખરો સર કરે તેમજ જન-જનનું કલ્યાણ થાય, તે માટે પ્રાર્થના કરી હતી. કાર્યક્રમ દરમિયાન સમગ્ર મંદિર પરિસર આશરે ૨૫ હજાર દીવડાઓના પ્રકાશથી ઝગમગી ઉઠ્યું હતું. આ વેળાએ સમગ્ર વાતાવરણ ‘‘હર હર મહાદેવ'' અને ‘‘ભારત માતા કી જય''ના નાદથી ગુંજી ઉઠ્યું હતું, તેમજ દીપમાળા અને મંત્રોચ્ચારના લીધે સમગ્ર માહોલ ભક્તિમય બન્યો હતો. ઉલ્લેખનીય છે કે, મંત્રીશ્રીએ મીનળદેવી મંદિર ખાતે પણ દીપ પ્રાગટય કર્યું હતું. આ અવસરે શ્રદ્ધાળુઓ પણ દીવા પ્રગટાવીને આ કાર્યક્રમમાં સહભાગી થયા હતા.
આ તકે પ્રાંત અધિકારી આર. આર. ખાંભરા, વિંછીયા મામલતદાર મહેશભાઈ બલિયા, વહીવટદાર હિરેનભાઈ મકાણી, ચંકિતભાઈ રામાણી, ભાવેશભાઈ વેકરીયા સહિત સ્થાનિક અગ્રણીઓ, અધિકારીઓ તથા ભક્તો ઉપસ્થિત રહ્યાં હતાં.(તસવીરોઃ કરશન બામટા આટકોટ)
(11:26 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
