<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 12th September 2026

બગસરાના હાલરીયા ગામમાં તંત્રની અણઘડ નીતિથી દોઢ મહિનાથી એસ.ટી. બસ ઠપ્પ: માસૂમ વિદ્યાર્થીઓ જંગલના રસ્તે ૬ કિલોમીટર પગપાળા ચાલવા મજબૂર

શેત્રુંજી નદીના પુલ પર અચાનક બેરિકેટ મુકાતા ૫ ગામોનો સંપર્ક કપાયો: સિંહ-દીપડાના ભય વચ્ચે મુસાફરી કરતા બાળકો માટે વૈકલ્પિક વ્યવસ્થા ન થતાં ગ્રામજનોમાં ભારે આક્રોશ

બગસરા (અમરેલી) : અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના હાલરીયા ગામમાં તંત્રની ભારે બેદરકારી અને અણઘડ નીતિ સામે આવી છે. ગામ પાસે આવેલી શેત્રુંજી નદીના પુલને જર્જરિત જાહેર કરીને અચાનક બેરિકેટ મારી દેવામાં આવ્યા છે, જેના કારણે છેલ્લા દોઢ મહિનાથી એસ.ટી. બસ વ્યવહાર સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે. તંત્ર દ્વારા બેરિકેટ તો મારી દેવાયા પરંતુ વાહનવ્યવહાર કે વિદ્યાર્થીઓ માટે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા ન કરાતાં આસપાસના ૫ જેટલા ગામો ભારે મુશ્કેલીમાં મુકાયા છે.

બસ સેવા ઠપ્પ થવાને કારણે સૌથી માઠી અસર શાળાએ જતા નાના માસૂમ બાળકો પર પડી છે. વાહન વગરના પરિવારોના વિદ્યાર્થીઓને દરરોજ ભારે દફતરના બોજ સાથે પ થી ૬ કિલોમીટર સુધી પગપાળા ચાલીને શાળાએ જવું પડે છે. આ વિસ્તાર જંગલને અડીને આવેલો હોવાથી અવારનવાર સિંહ અને દીપડા જેવા હિંસક વન્યજીવોની અવરજવર રહેતી હોય છે. અંધારામાં કે સુમસામ રસ્તે બાળકો સાથે કોઈ ગંભીર દુર્ઘટના ઘટશે તો તેની જવાબદારી કોની રહેશે તેવા તીખા સવાલો વાલીઓ પૂછી રહ્યા છે.

ગ્રામજનોનો આક્ષેપ છે કે ચોમાસા દરમિયાન ખોડિયાર ડેમના ૯ દરવાજા ખોલવામાં આવ્યા ત્યારે પણ આ પુલને કોઈ નુકસાન થયું નહોતું, છતાં તંત્રએ અચાનક બસો બંધ કરી દીધી છે. બસ બંધ થવાથી માત્ર વિદ્યાર્થીઓ જ નહીં પરંતુ રોજિંદા નોકરિયાતો અને હોસ્પિટલે જતા દર્દીઓ પણ રઝળી પડ્યા છે.

સ્થાનિકો દ્વારા આ મામલે તંત્રને અનેકવાર લેખિત તથા મૌખિક રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ કુંભકર્ણની નિંદ્રામાં સોયેલા અધિકારીઓના કાન સુધી વાત પહોંચતી નથી. આખરે આક્રોશે ભરાયેલા ગ્રામજનોએ આખરી ચીમકી આપી છે કે જો સત્વરે એસ.ટી. બસ સેવા પુનઃ શરૂ કરવામાં નહીં આવે તો તેઓ પોતે રસ્તા પરથી બેરિકેટ હટાવીને ઉગ્ર આંદોલનનો માર્ગ અપનાવશે.

(7:41 PM IST)