તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 9th October 2026
મોરબીમાં રહેણાંક મિલકત માટે ફાયર સેવાનો ચાર્જ નાબૂદ કરવાની સ્ટેન્ડિંગમાં દરખાસ્ત
મિલકતોની ડબલ નોંધણી તપાસ કર્યા બાદ રદ કરાશે, કોર્પોરેશનના બિલ્ડિંગ નિર્માણના વધારાના ખર્ચનો મુદ્દો ગ્રાન્ટના અભાવે પેન્ડિંગ

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની મળેલી બેઠકમાં ફાયર સેવાના નવા ચાર્જ અમલમાં મુકવાની દરખાસ્ત કરવામાં આવી હતી. જેમાં શહેરી વિસ્તારમાં રહેણાંક મિલકતમાં ફ્રી સેવાની પણ જોગવાઈ કરાઈ છે. આ ઉપરાંત મિલકતવેરામાં પડતી મુશ્કેલીઓ નિવારવા માટે ડબલ એન્ટ્રી દૂર કરવા અને કોર્પોરેશનના નવા બિલ્ડિંગના નિર્માણમાં થયેલા વધારાના ખર્ચને હાલ પૂરતો પેન્ડિંગ રાખવાનો ઠરાવ કરવામાં આવ્યો હતો.
સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયંતીભાઈ પડસુંબીયાએ જણાવ્યું કે મહાનગરપાલિકાની હદમાં આવેલા ઔદ્યોગિક અને કોમર્શિયલ એકમો માટે 8 કલાક સુધીનો ફિક્સ ચાર્જ 50 ટકા લેખે ₹2500 વસૂલવામાં આવશે. જ્યારે હદ બહારના વિસ્તારો માટે મિનિમમ ફિક્સ ચાર્જ 5000 રહેશે. 8 કલાકથી વધુ સમય માટે પ્રતિ કલાક 500 અને પ્રતિ કિલોમીટર 50 લેખે ચાર્જ વસૂલવાની દરખાસ્ત સ્ટેન્ડિંગ કમિટીમાં કરવામાં આવી છે. જ્યારે મહાપાલિકા હદમાં રહેણાંક મિલકતમાં ફાયર સેવાનો કોઈ ચાર્જ નહિ લેવાની દરખાસ્ત કરાઈ છે.
બીજી તરફ, મિલકતધારકોની સમસ્યાઓ હલ કરવા માટે રેકોર્ડ પર ડબલ નોંધણી થયેલી મિલકતોની સઘન ચકાસણી હાથ ધરવામાં આવશે. યોગ્ય તપાસ બાદ ડબલ એન્ટ્રી રદ કરીને સિંગલ નોંધણી જ માન્ય રાખવામાં આવશે, જેથી ભવિષ્યમાં મિલકત અંગેના વિવાદો ટાળી શકાય અને નાગરિકોને મોટી રાહત મળે.
સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયંતીભાઈ પડસુંબીયાએ બેઠકમાં કોર્પોરેશન બિલ્ડિંગના નિર્માણ કાર્ય અંગે પણ સ્પષ્ટતા કરી હતી.
તેઓના જણાવ્યા અનુસાર સમય જતાં જૂના ભાવોમાં થયેલા ફેરફાર અને એજન્સી બદલાવાને કારણે વિવિધ માળના કામકાજમાં અનુક્રમે 1.20 કરોડ, 85 લાખ અને ₹35 લાખ જેટલો વધારાનો (એક્સેસ) ખર્ચ દર્શાવવામાં આવ્યો હતો. જોકે, હાલમાં આ રકમ ચૂકવવા માટે સરકારમાંથી કોઈ ગ્રાન્ટની ફાળવણી થઈ નથી અને સ્વભંડોળમાંથી પણ આટલી મોટી રકમ ચૂકવવા માટે જરૂરી જોગવાઈ ન હોવાથી, આ વધારાના ખર્ચના મુદ્દાને હાલ પૂરતો પેન્ડિંગ રાખવાનો નિર્ણય લેવાયો છે
(12:33 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
