તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 16th July 2026
વરસાદ ખેંચાતા પીવાના પાણી અને ઘાસચારા માટે રાજયની કેબિનેટ બેઠકમાં આગોતરૂ આયોજનનો નિર્ણય
કેબિનેટ બેઠકની સાથે મુખ્ય સચિવ મનોજ દાસે સચિવોની સમાંતર બેઠક બોલાવી દુષ્કાળની સમીક્ષા કરીઃ આગામી દિવસોમાં અમુક વિસ્તારમા રાહત દરે ધાસચારાનું વિતરણ કરવામા આવશેઃ પીવાનું પાણી અનામત રાખવા વિચારણા

(વિજય વસાણી દ્વારા) ગાંધીનગર, તા.૧૬: ગઈકાલે મળેલ રાજ્ય કેબિનેટ બેઠકમાં રાજ્યમાં વરસાદ ખેંચાતા આગામી દિવસોમાં પીવાના પાણી અને ઘાાસચારા માટે શું શું પગલાં ભરવા તે માટે ગંભીરતાથી ચર્ચા કરવામાં આવી હતી.
આ અંગે સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ગઈકાલે સવારે રાજ્ય કેબિનેટની બેઠક મળી હતી જેમાં રાજ્યમાં અનેક વિસ્તારોમાં નહિવત વરસાદ હોય રાહત દરે ઘાસચારાના વિતરણ માટે પગલા ભરવા વિચારણા કરવામાં આવી હતી.
આ માટે રાજ્ય સરકારે દરેક કલેકટરોને પોતાના વિસ્તારમાં આવતા વન વિભાગ પાસે કેટલો કેટલો ઘાસનો પુરવઠો પડ્યો છે તે અંગે માહિતી તાત્કાલિક પૂરી પાડવા સુચના આપી છે.
આ ઉપરાંત પીવાના પાણી માટે ડેમોમાં કેટલો પુરવઠો કેટલો ઉપલબ્ધ છે તે અંગે પણ માહિતી માંગવામાં આવી છે ખાસ કરીને જે ડેમોમાંથી સિંચાઈનું પાણી આપવામાં આવે છે તેવા ડેમોની માહિતી ખાસ મંગાવવામાં આવી છે.
રાજ્યના ૨૫૮ શહેરો,૧૨ મહાનગરો અને ૧૦૦૦ થી વધુ ગામોને પીવાનું પાણી અને લાખો હેક્ટર જમીનને સિંચાઈનુ પાણી પૂરું પાડતા સરદાર સરોવર ડેમમાં હાલ ૬૫ ટકા જેટલો પાણીનો પુરવઠો ઉપલબ્ધ છે ત્યારે આવનારા દિવસોમાં પીવાના પાણીની તંગી ઊભી ન થાય તે માટે વિશેષ ચર્ચા કરવામાં આવી હતી.
કચ્છના અમુક વિસ્તારમાં નહીંવત વરસાદના લીધે ઘાસચારાની તંગી વર્તાઈ રહી છે ત્યારે કચ્છમાં પશુપાલકોને આગામી દિવસોમાં રાહત દરે ઘાસચારા વિતરણ માટે પણ ચર્ચા કરવામાં આવી હતી અને સંભવત આઞામી દિવસોમાં રાહત દરે ઘાસચારાનુ વિતરણ પણ કરવામાં આવશે
મુખ્ય સચિવ મનોજ દાસે કેબિનેટ બેઠકની સાથે સચિવોની સમાંતર બેઠક બોલાવી
ગાંધીનગર, તા.૧૬: ગઈકાલે મુખ્યમંત્રીના અધ્યક્ષ સ્થાને યોજાયેલ કેબિનેટ બેઠકની સમાંતર મુખ્ય સચિવ મનોજ દાસે રાજ્યના સચિવોની સમાંતર બેઠક બોલાવી દુષ્કાળની પરિસ્થિતિ અંગે ચર્ચા કરી હતી.
આ બેઠકમાં મુખ્ય સચિવ મનોજ દાસે સચિવોને કહ્યું હતું કે આપણે રાજ્યમાં વરસાદ ખેંચાતા આગામી દિવસોમાં દુષ્કાળની પરિસ્થિતિ સામે અત્યારથી જ તૈયાર રહેવું પડશે.
બેઠકમાં પાણી અને ઘાસચારાની સ્થિતિ અંગે ચર્ચા કરવામાં આવી હતી અને આગામી દિવસોમાં શુ શુ પગલાં ભરવા તે માટે અત્યારથી જ આઞોતરા આયોજન માટે અત્યારથી જ કામે લાગી જવા કહ્યું હતું.
છેલ્લા બે ત્રણ વર્ષથી રાજ્યમાં વરસાદની પેટર્ન બદલાય છે જેમાં અમુક વિસ્તારમાં વરસાદ પડતો જ નથી જ્યારે અમુક વિસ્તારમાં પુષ્કળ પાણી પડે છે ચાલુ વર્ષમાં પણ ચોમાસામાં આવી જ સ્થિતિ સર્જાઈ હોય રાજ્યમાં પીવાના પાણી અને ઘાસચારા માટે મુશ્કેલી ન પડે તે માટે આગોતરું આયોજન કરવા ચર્ચા હાથ ધરાઈ હતી
(10:59 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
