News of Friday, 4th September 2026
જૂનાગઢ જિલ્લાના ચોરવાડમાં ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલનો મોટો દરોડો: જુગારધામ પરથી ૩૫ થી વધુ જુગારીઓ રંગેહાથ ઝડપાયા
ઓચિંતી રેઇડથી જુગારીઓમાં ફફડાટ : સ્થળ પરથી રોકડ, વાહનો અને મોબાઈલ ફોન સહિત લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરાઈ

વીનું જોશી દ્વારા, જૂનાગઢ: જૂનાગઢ જિલ્લાના ચોરવાડમાં ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) ની ટીમ દ્વારા ધામધૂમથી ચાલતા જુગારધામ પર મોટી અને કડક કાર્યવાહી કરવામાં આવી છે. ચોરવાડ વિસ્તારમાં મોટા પાયે જુગારધામ ચાલતું હોવાની ચોક્કસ બાતમીના આધારે SMC ની ટીમે ઓચિંતો દરોડો પાડીને જુગાર રમતા ૩૫ થી પણ વધુ શખ્સોને રંગેહાથ ઝડપી લીધા છે.
દરોડા દરમિયાન સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે સ્થળ પરથી મોટા પ્રમાણમાં રોકડ રકમ, જુગારના અડ્ડા પર પહોંચવા માટે ઉપયોગમાં લેવાયેલા વાહનો તથા અલગ-અલગ કંપનીના મોબાઈલ ફોન સહિત લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પ્રાથમિક માહિતી અનુસાર, આ ગેરકાયદેસર જુગારધામ છેલ્લા લાંબા સમયથી સક્રિય રીતે ચાલતું હતું.
ગાંધીનગર SMC ની આ સફળ અને ઓચિંતી કાર્યવાહીને પગલે સમગ્ર ચોરવાડ પંથકના અસામાજિક તત્વો અને જુગારીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. દરોડાની કામગીરી પૂર્ણ થયા બાદ ઝડપાયેલા તમામ આરોપીઓ તથા જપ્ત કરાયેલા મુદ્દામાલને આગળની કાયદેસરની કાર્યવાહી અર્થે સ્થાનિક પોલીસ સ્ટેશનને સોંપવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. પોલીસે આ મામલે જુગારધારા હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. (તસ્વીર - મુકેશ વાઘેલા, જૂનાગઢ)
(10:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
