તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 3rd June 2026
જાગૃત રહો, સુરક્ષિત રહો: જામનગર કલેક્ટર કચેરીની નાગરિકોને ‘સચેત’ એપ ડાઉનલોડ કરવા અપીલ : કુદરતી આપત્તિની વહેલી ચેતવણી મળશે
NDMA દ્વારા વિકસાવાયેલી એપમાં પૂર, વાવાઝોડું, ધરતીકંપ સહિતની રિયલ-ટાઈમ સૂચનાઓ : IMDની આગાહી અને ગુજરાતી સહિત 12 ભાષામાં સુવિધા ઉપલબ્ધ

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૩ : જામનગર જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર, કલેક્ટર કચેરી જામનગર દ્વારા જિલ્લાના તમામ અધિકારીઓ, કર્મચારીઓ તેમજ નાગરિકોને ભારત સરકારની સત્તાવાર ‘સચેત’ મોબાઇલ એપ્લિકેશન https://sachet.ndma.gov.in/DownloadMobileApp ડાઉનલોડ કરવા અપીલ કરવામાં આવી છે.
રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ દ્વારા વિકસાવાયેલી આ એપ્લીકેશન નાગરિકોને વિવિધ કુદરતી આપત્તિઓ અંગે સમયસર અને વિશ્વસનીય અગાઉથી ચેતવણી પૂરી પાડે છે. સચેત એપના મુખ્ય ફાયદાઓમાં પૂર, વાવાઝોડું, ધરતીકંપ, ભૂસ્ખલન, વીજળી જેવી કુદરતી આપત્તિઓ અંગે રિયલ-ટાઈમ સૂચનાઓ મળે છે. ભારતીય હવામાન વિભાગ દ્વારા જારી કરાયેલ તાજી હવામાન આગાહીઓ અને ચેતવણીઓ પણ એપમાં ઉપલબ્ધ છે.
આ એપ ગુજરાતી સહિત ભારતની 12થી વધુ ભાષાઓમાં ઉપલબ્ધ છે જેથી દરેક નાગરિક પોતાની ભાષામાં માહિતી મેળવી શકે છે. આપત્તિ સમયે શું કરવું અને શું ન કરવું, હેલ્પલાઈન નંબર, પ્રભાવિત વિસ્તારોના નકશા અને સુરક્ષા માર્ગદર્શિકા જેવી મહત્વપૂર્ણ સુવિધાઓ પણ એપમાં આપવામાં આવે છે.
જિલ્લા ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ, જામનગર 24x7 કાર્યરત છે. તાત્કાલિક સંપર્ક માટે ફોન નંબર 0288-2553404 પર કોલ કરી શકાશે.
જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નાગરિકોને વધુ સુરક્ષા અને સમયસર ચેતવણી માટે સચેત એપ ડાઉનલોડ કરી તેનો લાભ લેવા અને અન્ય લોકોને પણ ડાઉનલોડ કરવા પ્રેરિત કરવા અપીલ કરાઈ છે.
(3:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
