તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 30th May 2026
કચ્છમાં વાવાઝોડાનો ખતરો: તંત્ર દ્વારા 'રેડ એલર્ટ' જાહેર, મીઠાના રણમાં કામ કરતા હજારો અગરિયાઓને તાત્કાલિક સ્થળાંતર કરવા આદેશ
રણમાં કુદરતનો મિજાજ બદલાયો: 50 કિમીની ઝડપે ફૂંકાશે તોફાની પવન, વહીવટી તંત્રની એડવાઈઝરી બાદ અગરિયા પરિવારોમાં દોડધામ

ભુજ : કચ્છના રણપ્રદેશમાં કુદરતે મિજાજ બદલતા વાતાવરણમાં મોટો પલટો આવ્યો છે. મધ્ય પાકિસ્તાન પર સક્રિય થયેલા સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર હેઠળ કચ્છમાં પ્રિ-મોન્સૂન વરસાદી માહોલ જામ્યો છે. ગત સવારથી જ 30 કિલોમીટરની ઝડપે ફૂંકાયેલા તેજ પવનોને કારણે ધૂળની ડમરીઓ ઉડતા રણ વિસ્તારમાં અંધકાર છવાઈ ગયો હતો. હવામાન વિભાગે આગામી 31 મે થી 4 જૂન સુધી કચ્છમાં 50 કિમીની ઝડપે તોફાની પવન અને ગાજવીજ સાથે મધ્યમ વરસાદની આગાહી કરતા વહીવટી તંત્ર હરકતમાં આવી ગયું છે.
અગરિયાઓ માટે 'લાઈફલાઈન' એડવાઈઝરી
વાવાઝોડાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને કચ્છ જિલ્લા વહીવટી તંત્રએ તાકીદના પગલાં લીધા છે. રણમાં મીઠું પકવતા અગરિયાઓની સુરક્ષાને પ્રાથમિકતા આપતા, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા અગરિયા હિતરક્ષક મંચ અને સોલ્ટ મેન્યુફેક્ચરર્સ એસોસિએશનને લેખિત સૂચના આપવામાં આવી છે. તંત્રનો સ્પષ્ટ આદેશ છે કે, મીઠાના અગરોમાં કામ કરતા તમામ શ્રમિકો અને તેમના પરિવારોને તાત્કાલિક અસરથી સલામત સ્થળે ખસેડવામાં આવે.
મીઠા ઉદ્યોગકારોને સાવચેતી રાખવા સૂચના
તંત્રે માત્ર માનવ જીવન જ નહીં, પરંતુ મીઠાના તૈયાર જથ્થા અને અગરોમાં લગાવવામાં આવેલા મોંઘા સોલાર પંપને બચાવવા માટે પણ માર્ગદર્શિકા જાહેર કરી છે. મીઠાના વેપારીઓને તેમનો લાખોનો માલ સુરક્ષિત સ્થાને ખસેડવા અને સોલાર પંપને નુકસાન ન થાય તે રીતે વ્યવસ્થા કરવા તાકીદ કરવામાં આવી છે. આગામી દિવસોમાં હવામાનની સ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી કોઈ પણ અગરિયાએ રણમાં પ્રવેશ ન કરવો, તેવી કડક ચેતવણી પણ આપવામાં આવી છે.
ભેજવાળા વાતાવરણથી ઉકળાટમાં વધારો
ભુજ, અંજાર અને ગાંધીધામ જેવા શહેરોમાં તાપમાન 35 થી 37 ડિગ્રી નોંધાયું હોવા છતાં, હવામાં 80 થી 90 ટકા ભેજને કારણે અસહ્ય બફારો અને ઉકળાટ અનુભવાઈ રહ્યો છે. વાવાઝોડાની પૂર્વ તૈયારીઓ રૂપે વહીવટી તંત્રએ છેવાડાના માનવી સુધી આ સંદેશ પહોંચાડવા માટે કમર કસી છે. કચ્છના આ સરહદી જિલ્લામાં કુદરતી આપત્તિને પહોંચી વળવા માટે તંત્રની આ સક્રિયતા હજારો અગરિયા પરિવારોના જીવ બચાવવા માટે અત્યંત આવશ્યક બની ગઈ છે.
(7:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
