<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 1st August 2026

જૂનાગઢમાં અજીબ ઘટના : લોખંડના ગેઈટમાં ફસાયેલા સિંહનું સફળ રેસ્ક્યૂ : સક્કરબાગમાં સારવાર : જુઓ વિડીયો

ગ્રોફેડ વિસ્તારમાંથી પસાર થતી વખતે 1-2 વર્ષના સિંહનો પગ ફસાતા ઈજા : વન વિભાગ અને સક્કરબાગની ટીમની ત્વરિત કામગીરીથી જીવ બચ્યો

(વિનુ જોશી દ્વારા)જૂનાગઢ તા.૧  : આજે વહેલી સવારે જૂનાગઢ શહેરના ગ્રોફેડ વિસ્તાર ખાતે એક અજીબ ઘટના બની હતી. અંદાજે 1 થી 2 વર્ષનો એક નર સિંહ લોખંડના ગેઈટ પરથી કૂદીને પસાર થવાનો પ્રયાસ કરી રહ્યો હતો. આ દરમિયાન તેનો પાછળનો પગ ગેઈટમાં ફસાઈ જતાં તેને ગંભીર ઈજા પહોંચી હતી.

ઘટનાની જાણ થતાં જ જૂનાગઢ વન વિભાગની ટીમ અને સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયની રેસ્ક્યૂ ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. નિષ્ણાતોએ તમામ સાવચેતી અને સુરક્ષિત પદ્ધતિઓ અપનાવીને સિંહને કોઈ નુકસાન વિના રેસ્ક્યૂ કર્યો હતો. 

રેસ્ક્યૂ કર્યા બાદ સિંહને વધુ સારવાર અને સતત પશુચિકિત્સકીય દેખરેખ માટે સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય ખાતે ખસેડવામાં આવ્યો છે. હાલ નિષ્ણાત પશુચિકિત્સકોની ટીમ તેની સારવાર કરી રહી છે. વન વિભાગના જણાવ્યા અનુસાર સિંહની સ્થિતિ હાલ સ્થિર છે.અને તેને સત નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યો છે.

વન વિભાગે જણાવ્યું કે ટીમના ઝડપી અને સંકલિત પ્રતિસાદના કારણે જ સિંહને સમયસર સારવાર મળી શકી અને તેના જીવને બચાવી લેવામાં સફળતા મળી છે.  

જૂનાગઢ વન વિભાગે કહ્યું કે વન્યજીવોના સંરક્ષણ અને તેમની સુરક્ષા માટે વિભાગ સત પ્રતિબદ્ધ છે. આવી કોઈપણ કટોકટીની પરિસ્થિતિમાં ત્વરિત અને અસરકારક કામગીરી કરવા માટે ટીમ હંમેશા સજ્જ છે.

આ ઘટનાથી સ્થાનિકોમાં પણ વન વિભાગની કામગીરીની પ્રશંસા થઈ રહી છે.(તસ્વીર:મુકેશ વાધેલા-જુનાગઢ)

(11:46 AM IST)