તા. ૧૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૪ શુક્રવાર
News of Thursday, 27th August 2026
કચ્છમાં રખડતા શ્વાનનો આતંકઃ એકસાથે ૫૦ ઘેટાં-બકરાંના બચ્ચાંને ફાડી ખાધા
પશુપાલક પરિવાર પર મોટું આર્થિક સંકટઃ હૃદયદ્રાવક ઘટના બાદ પીડિત માલધારી પરિવારે અને ગ્રામજનોએ સરકાર તથા સ્થાનિક વહીવટી તંત્ર સમક્ષ તાત્કાલિક ધોરણે આર્થિક સહાય ચૂકવવામાં આવે તેવી ઉગ્ર માંગ કરી

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૨૭: કચ્છ જિલ્લાના નખત્રાણા તાલુકાના ટોડિયા ગામમાંથી એક અત્યંત કરૂણ અને અરેરાટીભરી ઘટના સામે આવી છે. ગામમાં લાંબા સમયથી ચાલી રહેલા રખડતા શ્વાનોના આતંકે એક ગરીબ માલધારી પરિવારને આર્થિક રીતે ભાંગી નાખ્યો છે. અહીં હિંસક બનેલા શ્વાનોના ઝુંડે એક વાડામાં ઘૂસીને ૫૦ જેટલા ઘેટાં-બકરાંના નાના બચ્ચાંનો શિકાર કરી તેમને મોતને ઘાટ ઉતારી દીધા છે. આ ઘટનાને પગલે સમગ્ર પંથકના પશુપાલકોમાં ભારે ફફડાટ અને રોષની લાગણી વ્યાપી ગઈ છે.સીમમાંથી પાછા ફરતા જ લોહીલુહાણ દ્રશ્યો દેખાયા મળતી માહિતી મુજબ, ટોડિયા ગામના પીડિત પશુપાલક મુબારક ઈસા પિંજારા પોતાના મોટા પશુઓને સીમમાં ચરાવવા માટે ગયા હતા. તેમણે ઘેટાં-બકરાંના નાના બચ્ચાંને વાડીમાં આવેલા વાડામાં રાખ્યા હતા.
આ દરમિયાન રખડતા હિંસક શ્વાનોનું એક આખું ઝુંડ વાડામાં ત્રાટકયું હતું અને રક્ષણ વિહોણા માસૂમ જીવો પર હુમલો કરી દીધો હતો. સાંજના સમયે જ્યારે માલધારી મુબારકભાઈ ઘરે પરત ફર્યા, ત્યારે વાડામાં ચારેય તરફ લોહીલુહાણ હાલતમાં પશુઓના મળતદેહોનો અંબાર જોવા મળ્યો હતો.
પ્રાથમિક અહેવાલો મુજબ, અંદાજે ૫૦ જેટલા જીવ સ્થળ પર જ મળત્યુ પામ્યા છે અને અન્ય કેટલાક પશુઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. ગરીબ પશુપાલક પરિવાર પર આર્થિક આભ તૂટયું છે. આ પીડિત પરિવારનો મુખ્ય વ્યવસાય પશુપાલન જ છે અને તેઓ સંપૂર્ણપણે આ મૂંગા પશુઓ પર જ નિર્ભર છે. એકસાથે ૫૦ જેટલા ઘેટાં-બકરાં ગુમાવવાને કારણે પરિવારની આવક અને આજીવિકાનોસ્ત્રોત છીનવાઈ ગયો છે, જેના કારણે તેમના પર મોટું આર્થિક સંકટ આવી પડ્યું છે. લોકોએ તંત્ર પાસે તાત્કાલિક સહાયની ગુહાર લગાવી છે. હૃદયદ્રાવક ઘટના બાદ પીડિત માલધારી પરિવારે અને ગ્રામજનોએ સરકાર તથા સ્થાનિક વહીવટી તંત્ર સમક્ષ તાત્કાલિક ધોરણે આર્થિક સહાય ચૂકવવામાં આવે તેવી ઉગ્ર માંગ કરી છે. આ સાથે જ નખત્રાણા પંથકના ગામડાઓમાં દિન-પ્રતિદિન વધી રહેલા રખડતા શ્વાનોના ત્રાસ અને આતંક સામે તંત્ર દ્વારા વહેલી તકે કોઈ નક્કર પગલાં લેવામાં આવે તેવી લોકવાણી ઉઠી છે.જેથી ભવિષ્યમાં આવા અન્ય કોઈ મૂંગા જીવ કે માનવ પર હુમલાની ઘટનાને અટકાવી શકાય.(૨.૪)
(10:58 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
