તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 7th October 2026
પ્રસિદ્ધ તરણેતર મેળામાં ફરજમાં ગેરહાજર રહેલા હોમગાર્ડ જવાનો સામે કડક કાર્યવાહી:103 જવાનોને સસ્પેન્ડ કરાયા
605 હોમગાર્ડને સોંપાઈ હતી ફરજ : સસ્પેન્ડ કરાયેલા તમામ હોમગાર્ડ જવાનોને ગેરહાજરી અંગે સ્પષ્ટીકરણ આપવા સૂચના

સુરેન્દ્રનગર જિલ્લાના થાન તાલુકામાં યોજાતા વિશ્વપ્રસિદ્ધ તરણેતર મેળા દરમિયાન ફરજમાંથી ગેરહાજર રહેલા 103 હોમગાર્ડ જવાનો સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. સુરેન્દ્રનગર જિલ્લા હોમગાર્ડ કમાન્ડર દ્વારા તમામ 103 જવાનોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને તેમની પાસેથી ગેરહાજરી અંગે લેખિત ખુલાસો પણ માંગવામાં આવ્યો છે.
તરણેતર મેળામાં મોટી સંખ્યામાં લોકો ઉમટતા હોવાથી સુરક્ષા અને વ્યવસ્થા જાળવવા માટે કુલ 605 હોમગાર્ડ જવાનોને ફરજ સોંપવામાં આવી હતી. મેળા દરમિયાન ભીડ નિયંત્રણ, વાહન વ્યવસ્થા અને કાયદો-વ્યવસ્થા જાળવવામાં હોમગાર્ડની મહત્વની ભૂમિકા રહે છે.
જિલ્લા હોમગાર્ડ વિભાગના જણાવ્યા મુજબ 103 જવાનો વિવિધ કારણો અને બહાના દર્શાવી ફરજ પર હાજર રહ્યા નહોતા. વિભાગે આ ગેરહાજરીને ગંભીર બેદરકારી તરીકે લીધી છે. ખાસ કરીને મોટા મેળા દરમિયાન સુરક્ષાની જવાબદારી સોંપાયા બાદ ફરજ પર હાજર ન રહેવું શિસ્તના ભંગ તરીકે જોવામાં આવ્યું છે.
સસ્પેન્ડ કરાયેલા તમામ હોમગાર્ડ જવાનોને ગેરહાજરી અંગે સ્પષ્ટીકરણ આપવા સૂચના આપવામાં આવી છે. હવે જવાનો દ્વારા આપવામાં આવનારા જવાબના આધારે આગળની વિભાગીય કાર્યવાહી નક્કી થઈ શકે છે.
સુરેન્દ્રનગર જિલ્લા હોમગાર્ડ કમાન્ડર યોગેશભાઈ પંડ્યાએ કાર્યવાહી અંગે માહિતી આપી છે. વિભાગ દ્વારા ફરજમાં બેદરકારી દાખવનારા કર્મચારીઓ સામે શિસ્ત જાળવવાના હેતુથી કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું જણાવાયું છે. આ ઘટનાથી મેળા જેવી મહત્વપૂર્ણ જાહેર વ્યવસ્થાની ફરજ દરમિયાન હાજરી અને જવાબદારી અંગે હોમગાર્ડ વિભાગે કડક વલણ અપનાવ્યું હોવાનો સંદેશ ગયો છે
(11:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
