<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 4th July 2026

જામનગરમાં રથયાત્રા, અષાઢી બીજ અને ગુરુ પૂર્ણિમાના તહેવારોને લઈ કાયદો-વ્યવસ્થાની કડક અમલવારી : સમગ્ર જિલ્લામાં ૨ ઓગસ્ટ સુધી હથિયારબંધી લાગુ

અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ વિમલ ચૌધરી દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ, નિયમોનો ભંગ કરનારને ઓછામાં ઓછી ૪ મહિના અને વધુમાં વધુ ૧ વર્ષની કેદ સાથે દંડની સજા થશે

 મુકુંદ બદીયાણી દ્વારા, જામનગર:  આગામી દિવસોમાં આવી રહેલા પવિત્ર તહેવારો જેવા કે જગન્નાથ રથયાત્રા, અષાઢી બીજ તથા ગુરુ પૂર્ણિમાને અનુલક્ષીને જામનગર જિલ્લામાં શાંતિ, સુમેળ અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે વહીવટી તંત્ર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. કોઈ પણ અનિચ્છનિય બનાવ કે હિંસા અટકાવવાના હેતુથી સમગ્ર જામનગર જિલ્લામાં આગામી તારીખ ૦૨/૦૮/૨૦૨૬ સુધી કડક હથિયારબંધી જાહેર કરવામાં આવી છે. અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ વિમલ ચૌધરી દ્વારા આ અંગેનું સત્તાવાર જાહેરનામું બહાર પાડીને પ્રતિબંધાત્મક આદેશો જારી કરવામાં આવ્યા છે.

 

 આ પ્રવૃત્તિઓ અને વસ્તુઓ પર રહેશે સંપૂર્ણ પ્રતિબંધ:

જાહેરનામાની વિગતો અનુસાર, પ્રતિબંધિત સમયગાળા દરમિયાન કોઈ પણ વ્યક્તિ શસ્ત્ર, દંડા, તલવાર, ભાલા, ધોકા, છરી, લાકડી, લાઠી તેમજ શારીરિક ઇજા પહોંચાડી શકે તેવા કોઇપણ પ્રકારના સાધનો સાથે જાહેરમાં ફરી શકશે નહીં. આ ઉપરાંત કોઇપણ પ્રકારના ક્ષયકારી અને સ્ફોટક દારૂગોળો જેવા પદાર્થો, પથ્થરો અથવા ફેંકી શકાય તેવી વસ્તુઓ અને ધકેલવાના યંત્રો સાથે રાખવા પર રોક લગાવવામાં આવી છે. જાહેરમાં મનુષ્ય અથવા તેના શબ, આકૃતિઓ કે પૂતળાં દેખાડવા કે બાળવા, અપમાન કરવાના ઇરાદાથી બીભત્સ સૂત્રો પોકારવા, ગીતો ગાવા અને ટોળામાં ફરવા પર સંપૂર્ણ મનાઈ છે. એટલું જ નહીં, પરવાનેદાર હથિયાર ધારકો પણ પોતાના હથિયાર સાથે શોપિંગ મોલ, સિનેમા હોલ અને એમ.પી. શાહ મ્યુનિસિપલ ટાઉનહોલમાં પ્રવેશ કરી શકશે નહીં.

 

 નિયમ તોડનારને ૧ વર્ષ સુધીની જેલની સજા:

આ જાહેરનામું સમગ્ર જિલ્લાની સુરક્ષા માટે અત્યંત મહત્વનું હોવાથી તંત્ર દ્વારા તેની કડક અમલવારી કરવાના આદેશો અપાયા છે. જો કોઈ પણ નાગરિક કે વ્યક્તિ આ સરકારી જાહેરનામાના નિયમોનો ભંગ કરતા ઝડપાશે, તો તેની સામે ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ ની કલમ-૧૩૫ (૧) મુજબ કાયદેસરનો ગુનો નોંધીને દંડનીય સજા કરવામાં આવશે. આ ગુના હેઠળ ગુનેગારને ઓછામાં ઓછાં ૪ મહિનાની અને વધુમાં વધુ ૧ વર્ષની સખત કેદની સજા ફટકારવામાં આવી શકે છે.

 

 આ ચોક્કસ લોકોને જાહેરનામામાંથી મુક્તિ અપાશે:

જોકે, વહીવટી તંત્ર દ્વારા વ્યવહારિક અને અનિવાર્ય સ્થિતિને ધ્યાને રાખીને કેટલાક ચોક્કસ લોકોને આ હથિયારબંધીમાંથી મુક્તિ આપવામાં આવી છે:

   ફરજ પરના હાજર અધિકારીઓ, કર્મચારીઓ, હોમ ગાર્ડઝ અને ગ્રામ રક્ષક દળના સભ્યો જેમને ફરજ માટે હથિયાર રાખવું જરૂરી હોય.

   સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ જેઓ સત્તાવાર હથિયાર ધરાવતા હોય.

   જે વ્યક્તિઓને શારીરિક અશકિતને કારણે લાઠી કે લાકડી રાખવાની વહીવટી પરવાનગી આપવામાં આવી હોય.

   પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI) થી ઉચ્ચ દરજ્જાના તમામ પોલીસ અધિકારીઓ.

   પોતાના લગ્ન પ્રસંગે પરંપરાગત તલવાર રાખનાર વરરાજા તેમજ યજ્ઞોપવિત (જનોઈ) પ્રસંગે દંડ ધારણ કરનાર બડવાઓ.

   જિલ્લા પોલીસ અધિક્ષક અથવા તેમણે નિયુક્ત કરેલા સક્ષમ અધિકારી પાસેથી કાયદેસરની પરવાનગી મેળવેલી હોય તેવા લોકો.

   ધાર્મિક માન્યતાના ભાગરૂપે પરંપરાગત કિરપાણ રાખતા શીખ સમુદાયના નાગરિકો.

(4:36 PM IST)