News of Tuesday, 30th June 2026
વિસાવદરમાં મુસ્લિમ એજ્યુકેશન ફાઉન્ડેશન દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો
ધો.૧૦ના ૧૫ તથા ધો.૧૨ના ૨૧, એમ કુલ ૩૬ તેજસ્વી વિદ્યાર્થીઓનું પ્રમાણપત્ર અને સન્માનચિહ્ન અર્પણ કરીને સન્માન કરાયું :MBBS પૂર્ણ કરનાર ડૉ. તનવીર નાસીરભાઈ ભોર તથા એડવોકેટ ઉમિલ વાય. બ્લોચનું પણ વિશેષ સન્માન:પીર -એ-તરીકત સૈયદ અહેમદબાપુ કાદરી ફાતમી, પદ્મશ્રી હાજી રમકડું, સાવરકુંડલા સંકુલનાં કુરેશી સાહેબ સહિતના સમાજ શ્રેષ્ઠીઓની ઉપસ્થિતિ

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર :વિસાવદર મુસ્લિમ એજ્યુકેશન ફાઉન્ડેશનની યાદીમાં જણાવ્યા અનુસાર વિસાવદર ખાતે મુસ્લિમ એજ્યુકેશન ફાઉન્ડેશન દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા અને શિક્ષણ પ્રત્યે જાગૃતિ લાવવાના ઉદ્દેશ્યથી ભવ્ય વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમમાં પીર-એ-તરીકત સૈયદ અહેમદબાપુ કાદરી ફાતમીની પવિત્ર ઉપસ્થિતિ રહી હતી. તેમણે વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે વિશેષ દુઆ કરી હતી અને સમાજમાં શિક્ષણનું મહત્વ સમજાવી વિદ્યાર્થીઓને જ્ઞાન પ્રાપ્ત કરીને સમાજ અને રાષ્ટ્રની સેવા કરવા પ્રેરિત કર્યા હતા.
કાર્યક્રમમાં મુખ્ય વક્તા કુરેશી સાહેબ (કેમ્પસ ડાયરેક્ટર, એસ.એમ.જી.કે. સંકુલ, સાવરકુંડલા)એ વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ, કારકિર્દી આયોજન અને સફળતાના વિવિધ પાસાઓ અંગે પ્રેરણાદાયી માર્ગદર્શન આપ્યું હતું.
અતિથિ વિશેષ તરીકે પદ્મશ્રી હાજી કાસમભાઈ મીર (ઉર્ફે હાજી રમકડું) ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત ડૉ. મંઝરખાન (કૅન્સર સર્જન) અને ડૉ. સબાઅલીખાન (ગાયનેકોલોજિસ્ટ, જનાના હોસ્પિટલ)ની ઉપસ્થિતિ રહી હતી. આ પ્રસંગે ધોરણ 10ના 15 તથા ધોરણ 12ના 21, એમ કુલ 36 તેજસ્વી વિદ્યાર્થીઓનું પ્રમાણપત્ર અને સન્માનચિહ્ન અર્પણ કરીને સન્માન કરવામાં આવ્યું હતું. સાથે જ તાજેતરમાં MBBS પૂર્ણ કરનાર ડૉ. તનવીર નાસીરભાઈ ભોર તથા એડવોકેટ ઉમિલ વાય. બ્લોચનું પણ વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં સમાજના આગેવાનો, વાલીગણ, વિદ્યાર્થીઓ અને મોટી સંખ્યામાં સમાજજનો ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોએ શિક્ષણને સમાજના વિકાસનો પાયો ગણાવી વિદ્યાર્થીઓને સતત મહેનત અને ઉચ્ચ શિક્ષણ તરફ આગળ વધવા પ્રેરણા આપી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે મુસ્લિમ એજ્યુકેશન ફાઉન્ડેશનના સભ્યો શહેજાદ હમીરકા, સમીર બ્લોચ, શકીલ સરકી, એડવોકેટ શાહિદ મડકિયા, યાસીન સરકી, નૌશાદ મોદી અને જાવેદ મલેક સહિત તમામ હોદ્દેદારો, કાર્યકરો અને સહયોગીઓએ ભારે જહેમત ઉઠાવી હતી.
આ કાર્યક્રમ દરમિયાન મુસ્લિમ એજ્યુકેશન ફાઉન્ડેશન, વિસાવદર દ્વારા મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી હતી કે, આર્થિક મુશ્કેલીને કારણે કોઈપણ હોશિયાર અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીનું શિક્ષણ અધૂરું નહીં રહે. જો કોઈ વિદ્યાર્થી પાસે અભ્યાસની ફી ભરવાની ક્ષમતા ન હોય, તો ફાઉન્ડેશન દ્વારા યોગ્ય તપાસ બાદ શક્ય તેટલી આર્થિક સહાય પૂરી પાડવામાં આવશે, જેથી તે પોતાનું શિક્ષણ અવિરત ચાલુ રાખી શકે અને જીવનમાં આગળ વધી શકે.
સંસ્થાએ સમાજના તમામ વિદ્યાર્થીઓને નિર્ભયપણે સંપર્ક કરવા અપીલ કરી હતી અને જણાવ્યું હતું કે શિક્ષણના માર્ગમાં આર્થિક મુશ્કેલી કોઈપણ વિદ્યાર્થી માટે અવરોધ ન બને, તે માટે મુસ્લિમ એજ્યુકેશન ફાઉન્ડેશન હંમેશા તેમની સાથે ખભેખભા મિલાવીને ઉભું રહેશે. અંતે તમામ મહેમાનો, દાતાશ્રીઓ, વાલીગણ, વિદ્યાર્થીઓ તથા ઉપસ્થિત સમાજજનોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. મુસ્લિમ એજ્યુકેશન ફાઉન્ડેશન દ્વારા ભવિષ્યમાં પણ શિક્ષણ, કારકિર્દી માર્ગદર્શન અને સમાજહિતના વિવિધ કાર્યક્રમો સતત યોજવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી તેમ વિસાવદર મુસ્લિમ એજ્યુકેશન ફાઉન્ડેશનની યાદીમાં જણાવાયું છે.
(12:08 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
