News of Sunday, 2nd August 2026
જસદણમાં ભાદર નદીકાંઠે ફસાયેલા શ્રમિક પરિવારોનું સફળ રેસ્ક્યુ, તંત્ર દ્વારા ભોજન અને આવાસની સુંદર વ્યવસ્થા
ભારે વરસાદને કારણે મુશ્કેલીમાં મુકાયેલા સેંકડો શ્રમિકોને નગરપાલિકા દ્વારા સુરક્ષિત સ્થળે ખસેડીને માનવતા મહેકાવતી કામગીરી કરાઈ છે.

જસદણ : જસદણ શહેરમાં ભારે વરસાદના કારણે ભાદર નદીના કાંઠે ઝુંપડા બાંધીને વસવાટ કરતા શ્રમિક પરિવારોની હાલત અત્યંત કફોડી બની જતાં, તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરીને સેંકડો શ્રમિકોના સ્ત્રી-પુરુષો અને બાળકોને સુરક્ષિત રીતે સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. નગરપાલિકા અને સ્થાનિક આગેવાનોની સમયસૂચકતાને કારણે આ તમામ પરિવારોને જૂના માર્કેટ યાર્ડ ખાતે આશરો આપવામાં આવ્યો છે, જ્યાં તેમના માટે નાસ્તા અને બંને સમયના ભોજન સહિત રહેવાની ઉત્તમ વ્યવસ્થા કરવામાં આવતા શ્રમિકોએ ભારે રાહત અનુભવી છે.
ઘટનાની વિગતવાર માહિતી મુજબ, નદીના વધતા જળસ્તરને ધ્યાનમાં રાખીને જસદણ શહેર ભાજપ પ્રમુખ વિજયભાઈ રાઠોડ, નગરપાલિકાના પ્રમુખ જીતેન્દ્રભાઈ છાયાણી, ચીફ ઓફિસર ડો. મેહુલ જોધપુરા, કારોબારી ચેરમેન કાજલબેન ઘોડકીયા, નગરસેવક ગભરુભાઈ ધાધલ તેમજ પાલિકાના હેડ ક્લાર્ક પ્રતાપભાઈ સોલંકી, રણજીતભાઈ ગીડા અને સુરેશભાઈ ખાચર સહિતની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. તંત્ર દ્વારા જીવના જોખમે નદીકાંઠે ફસાયેલા શ્રમિકોને હેમખેમ બહાર કાઢીને તાત્કાલિક ધોરણે આશ્રયસ્થાન ખાતે પહોંચાડવામાં આવ્યા હતા.
આ સરાહનીય કામગીરી અંગે સત્તાવાર સૂત્રો અને સ્થાનિક આગેવાનોએ જણાવ્યું હતું કે આપત્તિના આ સમયે શ્રમિકોની સુરક્ષા અને સુખાકારી અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા હતી. પાલિકા દ્વારા આશ્રયસ્થાન પર શ્રમિકો માટે પૂરતા પ્રમાણમાં અનાજ, ભોજન, પીવાનું પાણી અને આરામ કરવાની સુવિધાઓ સુનિશ્ચિત કરવામાં આવી છે. અચાનક આવેલી આ મુશ્કેલીમાં વહીવટી તંત્ર અને નેતાઓની સક્રિયતા જોઈને શ્રમિક પરિવારો ભાવુક થઈ ગયા હતા અને તંત્રનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.
ચોમાસાની વર્તમાન સિઝનમાં અગાઉ પણ ભારે વરસાદને કારણે નદી કિનારાના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યાઓ સર્જાતી રહી છે. હાલની સ્થિતિને જોતા તંત્ર દ્વારા પંથકમાં સતત મોનિટરિંગ રાખવામાં આવી રહ્યું છે અને વરસાદી માહોલ યથાવત રહે ત્યાં સુધી નદી કિનારાના વિસ્તારોમાં સાવચેતીના ભાગરૂપે વોચ રાખવામાં આવશે તથા જરૂર પડ્યે અન્ય લોકોને પણ સુરક્ષિત ખસેડવાની તકેદારી રખાશે.
(10:36 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
