તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 17th April 2026
સુપેડી ગામ સજ્જડ બંધ: 700 વર્ષ જૂના મુરલી મનોહર મંદિરના વહીવટને લઈ ગ્રામજનોમાં ભારે રોષ, ચૂંટણી બહિષ્કારની ઉગ્ર ચીમકી ઉચ્ચારાઈ
ધોરાજીના સુપેડીમાં કલેક્ટરે નવી કમિટી બનાવી જૂના ટ્રસ્ટ અને મહંત રવિદાસ બાપુને હટાવતા વિવાદ વકર્યો; અન્નક્ષેત્ર-ધ્વજારોહણ બંધ, 35 ગામના લોકોએ ધરણા કરી, રવિદાસ બાપુએ કરી સ્પષ્ટતા

સુપેડી/ધોરાજી, તા.17 : રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના સુપેડી ગામમાં આવેલા 700 વર્ષ પ્રાચીન મુરલી મનોહર મંદિરના વહીવટને લઈને વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મંદિરના સંચાલન માટે નવી કમિટીની રચના કરવામાં આવતા ગ્રામજનો ભારે રોષે ભરાયા છે. આજે સમગ્ર સુપેડી ગામ સ્વયંભૂ સજ્જડ બંધ પાળી વિરોધ નોંધાવ્યો હતો અને આગામી ચૂંટણીના બહિષ્કારની ખુલ્લી ચીમકી ઉચ્ચારી છે.
મુરલી મનોહર મંદિરનું સંચાલન છેલ્લી અનેક પેઢીઓથી મહંત રવિદાસ બાપુ અને તેમનો પરિવાર કરે છે. મંદિરમાં રોજ સેંકડો ભાવિકો માટે નિઃશુલ્ક અન્નક્ષેત્ર ચાલે છે. ધ્વજારોહણ, જન્માષ્ટમી, અન્નકૂટ સહિત વર્ષ દરમિયાન 26 મનોરથનું આયોજન પણ વિનામૂલ્યે કરવામાં આવે છે. તમામ સેવા મંદિર સેવા ટ્રસ્ટ દ્વારા ચાલે છે અને ભક્તોના દાનથી નિભાવ થાય છે.
જોકે હાલમાં જિલ્લા કલેક્ટરે એક હુકમથી મંદિરના વહીવટ માટે નવી કમિટી બનાવી છે. આ કમિટીમાં કલેક્ટરને અધ્યક્ષ અને નાયબ કલેક્ટર, ધારાસભ્ય, તાલુકા પંચાયત પ્રમુખ તથા સુપેડીના સરપંચને સભ્ય તરીકે નિયુક્ત કરાયા છે. આ નવા આદેશમાં જૂના ટ્રસ્ટ અને મહંત રવિદાસ બાપુનું નામ હટાવી દેવામાં આવ્યું છે.
ગ્રામજનોનો આક્ષેપ છે કે નવી કમિટી બનતાની સાથે જ મામલતદારે મંદિરનું અન્નક્ષેત્ર અને ધ્વજારોહણ તાત્કાલિક અસરથી બંધ કરાવી દીધા છે. આનાથી લોકોની ધાર્મિક લાગણીને ઠેસ પહોંચી છે. આ મુદ્દે સુપેડી ઉપરાંત આસપાસના 35 ગામના લગભગ 500 ગ્રામજનો અને સાધુ-સંતો ધોરાજી નાયબ કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા. ત્યાં ધરણા કરી આવેદનપત્ર આપી ઉગ્ર રજૂઆત કરી હતી. ગ્રામજનોએ વહીવટી તંત્રને પાંચ દિવસમાં આદેશ પરત ખેંચવા અલ્ટિમેટમ આપ્યું છે. જો માંગ નહીં સ્વીકારાય તો ઉગ્ર આંદોલન અને આગામી ચૂંટણીના સંપૂર્ણ બહિષ્કારની ચેતવણી આપી છે.
આ સમગ્ર વિવાદ પર મહંત રવિદાસ બાપુએ સ્પષ્ટતા કરતા જણાવ્યું કે તેમની પેઢીઓથી મંદિરમાં પ્રભુ સેવા ચાલે છે. મંદિરમાં જે પણ સેવા-પૂજા, અન્નક્ષેત્ર, ધ્વજારોહણ સહિત 26 મનોરથ થાય છે તે સંપૂર્ણપણે નિઃશુલ્ક છે. કોઈપણ ભક્ત પાસેથી એક રૂપિયો પણ લેવામાં આવતો નથી. તેમણે કહ્યું કે વહીવટી તંત્રનો આ નિર્ણય લોકોની આસ્થા સાથે રમત સમાન છે.
ભાજપના પૂર્વ જિલ્લા પંચાયત ઉપપ્રમુખ સુભાષ મંકડીયાએ પણ ટેકો આપતા કહ્યું કે મંદિર સેવા ટ્રસ્ટ દ્વારા વર્ષોથી મફત અન્નક્ષેત્ર અને ધ્વજારોહણ ચાલતું હતું. વહીવટી તંત્રના હસ્તક્ષેપથી આ સેવા બંધ થતા લોકોમાં ભારે નારાજગી છે. ગ્રામજનોની માંગ છે કે મંદિરનો વહીવટ પહેલાની જેમ મહંત રવિદાસ બાપુ અને ટ્રસ્ટને જ સોંપવામાં આવે.
(4:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
