તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 18th June 2026
જામનગરમાં ધોરણ 10-12ની પૂરક પરીક્ષા શાંતિપૂર્ણ રીતે સંપન્ન : હિન્દી-સંસ્કૃત-કોમ્પ્યુટર પરિચયના પેપરમાં એક પણ કોપી કેસ નોંધાયો નહીં
ધોરણ 10માં હિન્દી અને સંસ્કૃત તથા ધોરણ 12માં કોમ્પ્યુટર પરિચયના પેપરમાં વિદ્યાર્થીઓની હાજરી સંતોષકારક : ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષા શિસ્તબદ્ધ રીતે પૂર્ણ

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા. 18 : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાઈ રહેલી ધોરણ 10 અને 12ની પૂરક પરીક્ષાઓ જામનગર જિલ્લામાં આજે પણ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી. પરીક્ષા કેન્દ્રો પર ચુસ્ત બંદોબસ્ત અને દેખરેખના કારણે ગેરરીતિનો એક પણ કેસ નોંધાયો ન હતો.
આજે ધોરણ 10માં હિન્દી અને સંસ્કૃત વિષયના પેપર લેવાયા હતા. હિન્દીના પેપરમાં કુલ 387 નોંધાયેલા વિદ્યાર્થીઓ પૈકી 263 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા જ્યારે 124 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. સંસ્કૃતના પેપરમાં કુલ 141 વિદ્યાર્થીઓ પૈકી 99 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી અને 42 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા.
ધોરણ 12 સાયન્સ/જનરલ સ્ટ્રીમમાં કોમ્પ્યુટર પરિચયના પેપરમાં કુલ 51 નોંધાયેલા વિદ્યાર્થીઓ પૈકી 46 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા અને માત્ર 5 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા.
શિક્ષણ બોર્ડના અધિકારીઓના જણાવ્યા અનુસાર આજે લેવાયેલા તમામ પેપર દરમિયાન પરીક્ષા કેન્દ્રો પર સંપૂર્ણ શિસ્ત જળવાઈ હતી અને ગેરરીતિ કે કોપીનો એક પણ કેસ નોંધાયો નથી. પૂરક પરીક્ષાઓ બોર્ડ દ્વારા નિયત સમયપત્રક મુજબ શાંતિપૂર્ણ રીતે આગળ ધપી રહી છે.
(3:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
