<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd November 2026

વિદેશમાં વસતા કચ્છી દાતાઓનો માનવજ્યોતના વસ્ત્રદાનના સેવાયજ્ઞમાં સહયોગ: જરૂરિયાતમંદ પરિવારોની દિવાળી બનશે ખુશહાલ !

ભુજ સહિત આસપાસના વિસ્તારોમાં ઝૂંપડાં, ભૂંગા અને કાચાં મકાનોમાં રહેતા પરિવારોને નવાં વસ્ત્રોનું વિતરણ શરૂ; સ્થાનિક દાતાઓ સાથે લંડન સ્થિત કચ્છી દાતાઓએ પણ કપડાં એકત્ર કરી ભુજ મોકલ્યાં

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૩ :  દીપાવલી એટલે પ્રકાશ, આનંદ અને ખુશીઓનો પર્વ. આ પર્વ દરેકના જીવનમાં ઉત્સાહ અને ઉમંગ લઈને આવે છે, પરંતુ સમાજના અનેક જરૂરિયાતમંદ પરિવારો માટે તહેવારની ખુશીઓ સાથે નવા વસ્ત્રો પહેરવાનું સપનું પણ ક્યારેક અધૂરું રહી જાય છે. આવા પરિવારોના ચહેરા પર દિવાળીના પર્વે સ્મિત રેલાય અને તેઓ પણ નવા વસ્ત્રો પહેરી તહેવારની ઉજવણી કરી શકે તેવા ઉમદા માનવીય અભિગમ સાથે ભુજની માનવજ્યોત સંસ્થા દ્વારા કપડાં વિતરણનો સેવાયજ્ઞ શરૂ કરવામાં આવ્યો છે. માનવજ્યોત સંસ્થા દ્વારા ભુજ શહેર તથા આસપાસના વિસ્તારોની ચારેય દિશામાં આવેલા ભૂંગા, ઝૂંપડાં અને કાચાં મકાનોમાં વસતા જરૂરિયાતમંદ પરિવારો સુધી વસ્ત્રો પહોંચાડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ અભિયાન અંતર્ગત ભુજ અને આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં કપડાં એકત્ર કરવામાં આવ્યાં છે. સંસ્થાના આ સેવાકાર્યમાં વિદેશમાં વસતા કચ્છી દાતાઓએ પણ હૃદયપૂર્વક સહયોગ આપ્યો છે.

ખાસ કરીને કેરા-કચ્છના વતની અને લંડનમાં વસતા જેન્તીભાઈ પટેલ તેમજ બળદિયા-કચ્છના વતની અને લંડનમાં વસતા શાંતાબેન ગરારા દ્વારા લંડનમાં પણ કપડાં એકત્રિત કરવામાં આવ્યાં હતાં અને તે ભુજ ખાતે માનવજ્યોત સંસ્થાને મોકલવામાં આવ્યાં છે. આમ, વતનથી દૂર વિદેશમાં વસતા કચ્છીઓએ પણ પોતાની માટી સાથેનો નાતો જાળવી રાખી જરૂરિયાતમંદ પરિવારોની દિવાળી ખુશહાલ બને તે માટે સેવાભાવનાનો પરિચય કરાવ્યો છે.

*વસ્ત્રો સાથે વહેંચાશે ખુશીઓ અને આત્મીયતાનો અહેસાસ*

માનવજ્યોત સંસ્થાનો આ પ્રયાસ માત્ર કપડાં વિતરણ પૂરતો સીમિત નથી, પરંતુ સમાજના છેવાડે વસતા પરિવારોને પણ તહેવારની ખુશીઓમાં સહભાગી બનાવવાનો ભાવનાત્મક પ્રયાસ છે. દિવાળીના પર્વે દરેક પરિવારના બાળકો અને વડીલો નવા વસ્ત્રો પહેરી શકે, તેમના ઘરમાં પણ તહેવારનો આનંદ છવાય અને કોઈ પરિવાર પોતાને ઉપેક્ષિત ન અનુભવે તેવા હેતુથી આ કામગીરી શરૂ કરવામાં આવી છે. તહેવારની સાચી ખુશી ત્યારે જ સાર્થક બને છે, જ્યારે આપણા આનંદમાં સમાજના જરૂરિયાતમંદ લોકો પણ સહભાગી બને. માનવજ્યોત સંસ્થાનો આ સેવાયજ્ઞ એ જ માનવીય સંવેદના અને સામાજિક જવાબદારીનું સુંદર ઉદાહરણ પૂરું પાડે છે.

*સેવાભાવી કાર્યકરો સંભાળી રહ્યા છે વિતરણની જવાબદારી*

કપડાંના વિતરણની સમગ્ર વ્યવસ્થા પ્રબોધ મુનવર, પૃથ્વીરાજસિંહ જાડેજા, સહદેવસિંહ જાડેજા, આનંદ રાયસોની, દીપેશ શાહ, રફીક બાવા, રાજુ જોગી, હિતેશ ગોસ્વામી, રસિક જોગી, ઇરફાન લાખા, મુસ્તાક ખલીફા, આદિત્ય જોગી, આરતી જોષી અને વિક્રમ રાઠી સહિતના સેવાભાવી કાર્યકરો સંભાળી રહ્યા છે. આમ, ભુજની માનવજ્યોત સંસ્થા દ્વારા સ્થાનિક દાતાઓ અને વિદેશમાં વસતા કચ્છી સમાજના સહયોગથી હાથ ધરાયેલો આ વસ્ત્રદાનનો સેવાયજ્ઞ દીપાવલીના પર્વે માનવતાની સાચી જ્યોત પ્રગટાવી રહ્યો છે.

(9:37 AM IST)