તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 24th September 2026
સુરેન્દ્રનગરઃ દિવ્યાંગ બાળકોના સ્ક્રિનિંગની કામગીરી વર્ગ શિક્ષકો પર નાખતા આચાર્યોમાં રોષ
પ્રશસ્ત એપમાં એક બાળક દીઠ ૬૦ પ્રશ્નોના જવાબ આપવાની કામગીરી સ્પેશિયલ શિક્ષકો ટાળતા હોવાનો આક્ષેપ, જિલ્લા આચાર્ય સંઘે કરી રજૂઆત

(ફઝલ ચોૈહાણ દ્વારા) વઢવાણ તા.૨૪: જિલ્લાની શાળાઓમાં અભ્યાસ કરતા દિવ્યાંગ બાળકો માટે પ્રશસ્ત એપ બનાવવામાં આવી છે અને આ માટે સ્પેશિયલ ડિગ્રી ધરાવતા શિક્ષકો પણ ફાળવવામાં આવ્યા છે. તેમ છતાં દરેક બાળકનું સ્ક્રિનિંગ કરવાની અને એક બાળક દીઠ ૬૦ પ્રશ્નોના ઓનલાઈન જવાબ આપવાની કામગીરી શાળાના વર્ગ શિક્ષકો માથે નાખવામાં આવી છે. જેને લઈને જિલ્લાના શિક્ષકો અને આચાર્યોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
આક્ષેપ છે કે સ્પેશિયલ શિક્ષકો પોતાની જવાબદારીમાંથી છટકીને આ કાર્યક્રમમાં કોઈ રસ લીધા વગર સમગ્ર કામગીરી શાળાના વિષય શિક્ષકો પર ઢોળી રહ્યા છે. આ બાબતે જિલ્લા આચાર્ય સંઘે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી, સર્વ શિક્ષા અભિયાન, પ્રાથમિક શિક્ષણાધિકારી અને જિલ્લા શિક્ષણાધિકારીને લેખિત રજૂઆત કરી છે. રજૂઆતમાં જણાવાયું છે કે તાલીમ પામેલા સ્પેશિયલ શિક્ષકો દ્વારા જ બાળકોનું સ્ક્રિનિંગ થવું જોઈએ તો જ તેની દિવ્યાંગતાનો સાચો ખ્યાલ આવે. શાળાના અન્ય વિષય શિક્ષકો પાસે આ બાબતની કોઈ સ્પેશિયલ ડિગ્રી હોતી નથી. સ્પેશિયલ ડિગ્રી ધરાવતા શિક્ષકો જિલ્લામાં સ્પેશિયલ સુવિધાઓ ભોગવી રહ્યા હોય તેવું વાતાવરણ ઉભું થયું છે.
હાલ દરેક વિદ્યાર્થીનું ઓનલાઈન સ્ક્રિનિંગ કરવાની સંપૂર્ણ જવાબદારી વિષય શિક્ષકો પર ઢોળી દેવાતા અને સ્પેશિયલ શિક્ષકો નામ માત્રની ફરજ બજાવતા હોવાથી શિક્ષણ કાર્યને અસર થઈ રહી છે. જો કોઈ બાળકના સ્ક્રિનિંગમાં ખામી રહેશે કે અન્યાય થશે તો તેની જવાબદારી સ્પેશિયલ શિક્ષકોની રહેશે તેવી પણ આચાર્ય સંઘે રજૂઆતમાં સ્પષ્ટતા કરી છે.
(1:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
