<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 16th April 2026

સુરેન્દ્રનગર : ધાંગધ્રા – માલવણ હાઇવે પર પૂઠા ભરેલી ટ્રક ભડભડ સળગી : ડ્રાઇવરની સમયસૂચકતાથી બે લોકોના જીવ બચ્યા : જુઓ વિડિયો

હરીપર બ્રિજ પાસે ચાલુ ટ્રકમાં આગ લાગતા અફરાતફરી મચી : રોડ સેફટી ટીમ અને ફાયર બ્રિગેડની કામગીરીથી આગ પર મેળવાયો કાબૂ

સુરેન્દ્રનગર:સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા–માલવણ હાઇવે પર આજે એક ભયાનક આગની ઘટના સામે આવી છે. અમદાવાદથી કચ્છ તરફ પૂઠા ભરીને જઈ રહેલી એક ટ્રકમાં હરીપર બ્રિજ પાસે અચાનક આગ ફાટી નીકળતા હાઇવે પર દોડધામ મચી ગઈ હતી. જોકે, આ ગંભીર અકસ્માતમાં ડ્રાઇવરે સમયસૂચકતા વાપરતા ટ્રકમાં સવાર બે લોકોનો આબાદ બચાવ થયો છે.

ઘટનાની વિગત અને બચાવ કામગીરી:પ્રાપ્ત વિગતો અનુસાર, પૂઠાના જથ્થા સાથે કચ્છ તરફ જતી ટ્રકમાં હરીપર બ્રિજ નજીક એકાએક આગ લાગી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા પૂઠાનો જથ્થો અને આખી ટ્રક આગની લપેટમાં આવી ગયા હતા. હાઇવે પરથી પસાર થતા અન્ય વાહનચાલકો અને સ્થાનિક પોલીસ તુરંત મદદે દોડી આવ્યા હતા અને આગ ઓલવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. આ દરમિયાન હાઇવે પર વાહનોની અવરજવર વચ્ચે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

તંત્રની કામગીરી:ઘટનાની જાણ થતા જ રોડ સેફટી ટીમના વિજયસિંહ જાડેજાએ તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરી હતી. સંદેશ મળતાની સાથે જ ધાંગધ્રા નગરપાલિકાની ફાયર ટીમ અગ્નિશામક વાહનો સાથે ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયર ફાઇટરોએ ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો.

જાનહાનિ ટળી પણ આર્થિક નુકસાન:સદનસીબે આ ભીષણ આગમાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી, જે રાહતના સમાચાર છે. પરંતુ ટ્રકમાં રહેલો પૂઠાનો તમામ જથ્થો બળીને ખાખ થઈ ગયો છે અને ટ્રકને પણ ભારે નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે. હાઇવે પર લાગેલી આ આગને જોવા માટે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને પોલીસે વાહન વ્યવહાર પૂર્વવત કરવા કાર્યવાહી હાથ ધરી હતી.

(12:56 PM IST)