<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 17th October 2026

વાગડમાં ખનિજ માફિયાઓ પર તંત્રની સર્જિકલ સ્ટ્રાઈક: રાપર અને ભચાઉમાં દરોડા પાડી ₹૮ કરોડનો મુદ્દામાલ જપ્ત

કલેક્ટરની સૂચનાથી તંત્રની સંયુક્ત ટીમનો રાપર-ભચાઉમાં ધામા; હિટાચી મશીનો અને ૧૬થી વધુ વાહનો જપ્ત કરાતાં માફિયાઓમાં ફફડાટ

ભુજ : કચ્છના સરહદી વાગડ વિસ્તારમાં બેકાબૂ બનેલી ગેરકાયદે ખનિજચોરી અને ભૂમાફિયાઓ સામે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા લાલ આંખ કરીને અત્યાર સુધીની સૌથી મોટી કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જિલ્લા કલેક્ટર અનિલ રાણાવસિયાની સીધી સૂચના બાદ રાપર અને ભચાઉ તાલુકામાં તંત્રની સંયુક્ત ટીમે ઓચિંતી રેડ પાડીને ગેરકાયદે ખનન અને પરિવહન કરતા વાહનોનો તોતિંગ કાફલો ઝડપી પાડ્યો છે. આ મેગા ઓપરેશન દરમિયાન અધિકારીઓએ અંદાજે રૂપિયા આઠ કરોડની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરીને કાયદેસરની દંડાત્મક તથા કાનૂની કાર્યવાહી શરૂ કરી છે.

સૂત્રો દ્વારા મળતી સત્તાવાર જાણકારી પ્રમાણે, ભચાઉના મદદનીશ કલેક્ટર અભિષેક ટાલે, ભચાઉ મામલતદાર એમ.કે. રાજપૂત, રાપર મામલતદાર એચ.બી. વાઘેલા તેમજ ખાણ-ખનિજ વિભાગના અધિકારીઓની સંયુક્ત ટીમે વાગડ પંથકમાં આ સઘન તપાસ ઝુંબેશ ચલાવી હતી. આ સંયુક્ત તપાસ દરમિયાન રાપર તાલુકાના લોદ્રાણી ગામે અંદાજે બે એકર જેટલી વિશાળ જમીન પર કોઈ પણ જાતની પરવાનગી વગર ચાલી રહેલી ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિનો પર્દાફાશ થયો હતો.

દરોડા દરમિયાન અધિકારીઓએ સ્થળ પરથી ખનન કાર્યમાં વપરાતા ૨ ભારે હિટાચી મશીન અને ૩ ટ્રક સ્થળ પરથી જ જપ્ત કરી લીધા હતા. આ ઉપરાંત રાપર પંથકના વિવિધ માર્ગો પરથી ગેરકાયદે ખનિજ ભરીને વહન કરી રહેલી અન્ય ૧૩ ટ્રકોને પણ ઝડપી પાડવામાં આવી હતી. બીજી તરફ જાટાવાડા ખાતે આવેલી ખનન સાઈટ પર ત્રાટકીને ટીમે એક ટ્રેક્ટર કમ લોડર પણ કબજે કર્યું હતું.

તંત્ર દ્વારા લોદ્રાણી ખાતે ગેરકાયદે ખનન કરનાર તમામ શખ્સો સામે આગળની કાનૂની અને ભારે દંડકીય કાર્યવાહી કરવા માટે ખાણ-ખનિજ વિભાગને વિશેષ આદેશો આપવામાં આવ્યા છે. જપ્ત કરાયેલા તમામ ૧૬થી વધુ વાહનો અને મશીનરીને સુરક્ષિત રાખવા માટે નજીકના પોલીસ સ્ટેશનના સુપ્રત કરી દેવામાં આવ્યા છે. તંત્રની આ અચાનક અને કડક કાર્યવાહીથી સમગ્ર વાગડ પંથકના ખનિજચોરોમાં ભારે નાસભાગ અને ફફડાટ વ્યાપી ગયો છે.

આ ઘટનાની પૃષ્ઠભૂમિ જોતાં, અગાઉ પણ ભચાઉ પ્રાંત અધિકારી દ્વારા ગેરકાયદે રેતીનો વોશિંગ પ્લાન્ટ સીલ કરીને કડક કાર્યવાહી કરવામાં આવી હતી. ભૂતકાળની ફરિયાદો અને હાલની પ્રવૃત્તિઓને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા આ ઉપરાઉપરી ધડાકો કરવામાં આવ્યો છે, જેનાથી ગેરકાયદે ખનન સિન્ડિકેટને મોટો આંચકો લાગ્યો છે.

હાલમાં ખાણ-ખનિજ વિભાગ દ્વારા જપ્ત કરાયેલા માલસામાનની ચોક્કસ માપણી અને રોયલ્ટી ચોરીનો આંકડો નક્કી કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. વહીવટીતંત્રના અધિકારીઓએ સ્પષ્ટ ચીમકી આપી છે કે આગામી દિવસોમાં પણ વાગડ સહિત સમગ્ર કચ્છ જિલ્લામાં ખનિજ ચોરી સામે આવી જ કડક ઝુંબેશ ચાલુ રહેશે અને દોષિતો સામે કોઈ પણ છૂટછાટ વગર દંડાત્મક પગલાં ભરાશે.

(6:58 PM IST)