<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 23rd October 2026

ગુજરાતમાં લંગડા ઘોડાઓને રેસના ઘોડા બનાવવા માટે સૂરજેવાલાએ પ્રયાસ તો શરૂ કર્યા પણ આગામી સમય જ બતાવશે કે આ ઘોડાએ રેસ જીતે છે કે હારે છે

નવી દિલ્‍હી તા.૨૩: મોરબીની ધરતી પરથી કોંગ્રેસે ખેડૂતોના આક્રોશને વાચા આપવાના બહાને ૨૦૨૭ની વિધાનસભા ચૂંટણીનું મોરચો ખોલી દીધો છે! રાજપર રોડ પર યોજાયેલી આ વિશાળ સભામાં પ્રદેશ કોંગ્રેસના હોદ્દેદારો, વર્તમાન ધારાસભ્‍યો, પૂર્વ ધારાસભ્‍યો સહિત મોટી સંખ્‍યામાં ખેડૂતો હાજર રહ્યા હતા. રણદીપ સૂરજેવાલા કોંગ્રેસના પ્રભારી બન્‍યા બાદ કોંગ્રેસ એક્‍ટિવ બની છે. નેતાઓ એક મંચ પર દેખાઈ રહ્યાં છે.

રાહુલ ગાંધીએ થોડા સમય પહેલાં જ ૨૦૨૭માં ગુજરાતમાં ભાજપને હરાવીશું એવો દાવો કરી ભાજપને પડકાર ફેંકયો હતો. હવે જોવાનું એ રહે છે કે રાહુલ ખુદ ગુજરાતમાં મેદાને ઉતરે છે કે ૨૦૨૨ની ચૂંટણીની જેમ ગુજરાતથી અળઘા રહેશે. હાલમાં ગુજરાતમાં ધીમેધીમે ચૂંટણીનો માહોલ જામતો જાય છે. ગુજરાતમાં લંગડા ઘોડાઓને રેસના ઘોડા બનાવવા માટે સૂરજેવાલાએ પ્રયાસ તો શરૂ કર્યા છે પણ આગામી સમય જ બતાવશે કે આ ઘોડાએ રેસ જીતે છે કે હારે છે.

કોંગ્રેસ પણ સારી રીતે જાણે છે કે ભાજપને ગુજરાતમાં હરાવવી એ લોઢાના ચણા ચાવવા સમાન છે પણ જે સીટ પર કોંગ્રેસનું હજુ વર્ચસ્‍વ ધરાવે છે એ સીટો પર વધારે ફોક્‍સ કરી રહી છે. કોંગ્રેસ શહેરી સીટોની અવગણના પણ કરી શકે છે પણ ગ્રામ્‍ય સ્‍તરે ટક્કર આપવાનો નિર્ણય લેવાયો છે. જ્‍યાં કોંગ્રેસ ઓછા માર્જિન સાથે હારે છે એ સીટો પર સૂરજેવાલાની ટીમ કામ કરી રહી છે.

સૂરજેવાલાના પ્રભારી બન્‍યા બાદ કોંગ્રેસ એક્‍ટિવ તો થઈ છે પણ ક્‍યાં સુધી નેતાઓ એક્‍ટિવ રહે છે એ સૌથી મોટો સવાલ છે કારણ કે ગુજરાત ભાજપના પ્રદેશ અધ્‍યક્ષ પણ ટોણો મારી ચૂક્‍યા છે કે અમે મૌસમી દેડકાઓ નથી કે ચૂંટણી સમયે જ દેખાઈએ... 

ગુજરાતમાં આદીવાસી અને ખેડૂતો આ ચૂંટણીમાં હોટ ટોપિક રહે તેવી સંભાવના છે. કોંગ્રેસને શહેરી મતદારો પાસે વોટની અપેક્ષા નથી કારણ કે આ ભાજપની કમીટેડ વોંટબેંક છે પણ શહેરોનો વિકાસ ગામડાઓ સુધી પહોંચ્‍યો ન હોવાનો ફાયદો કોંગ્રેસ લેવા માગે છે.

કોંગ્રેસે ફૂંક્‍યું ચૂંટણીનું રણશિગું!  ખેડૂતોના મુદ્દે કોંગ્રેસનું શક્‍તિપ્રદર્શન! મોરબીથી ૨૦૨૭ના ચૂંટણી જંગની તૈયારી? કોંગ્રેસે ખેડૂતો માટે ઉઠાવ્‍યા મુદ્દા મુખ્‍ય માગ ચોમાસાને કારણે સૌરાષ્ટ્ર અને કચ્‍છને તાત્‍કાલિક અસરથી દુષ્‍કાળગ્રસ્‍ત જાહેર કરો ખેતરોમાંથી પસાર થતા વીજપોલ સામે ખેડૂતોને યોગ્‍ય અને પૂરતું વળતર આપવું.

શિયાળુ પાક માટે સિચાઈનું પાણી અને પીવાના પાણીની ગંભીર સમસ્‍યાઓ હલ કરો ચોમાસાના છૂટાછવાયા વરસાદ બાદ પાક નિષ્‍ફળ જતાં અને હવે શિયાળુ વાવેતર માટે પણ સિચાઈનું પાણી કે વીજળી ન મળતા ખેડૂતોમાં સરકારની નીતિઓ સામે ભારોભાર રોષ જોવા મળ્‍યો, હવે સવાલ એ થાય છે કે કોંગ્રેસે ૨૦૨૭ના ચૂંટણી સમીકરણો માટે મોરબી અને સૌરાષ્ટ્રની જ પસંદગી કેમ કરી?

રાજકીય પંડિતોનું માનવું છે કે મોરબી અને સૌરાષ્ટ્ર હંમેશાંથી ખેડૂત આંદોલનો અને રાજકીય પરિવર્તનનું કેન્‍દ્ર રહ્યા છે. ૨૦૨૭ની વિધાનસભા ચૂંટણીઓ જીતવા માટે કોંગ્રેસે અત્‍યારથી જ ખેડૂતોના મુદ્દાઓને ઢાલ બનાવીને પ્રચારનો પાયો નાખી દીધો છે. ખેડૂતોની હાડમારી, પાણીની અછત અને વીજપોલના વળતર જેવા સંવેદનશીલ મુદ્દાઓને આગળ ધરીને કોંગ્રેસ ગ્રામીણ મતદારોને પોતાની તરફ આકર્ષવાનો મોટો દાવ ખેલી નાંખ્‍યો છે.

એક તરફ કોંગ્રેસ ખેડૂતોના પ્રશ્નોને હથિયાર બનાવીને ભાજપ સરકારને ઘેરવાનો પ્રયાસ કરી રહી છે, તો બીજી તરફ ભાજપ તેને કોંગ્રેસનો રાજકીય સ્‍ટંટ ગણાવી રહી છે. પરંતુ એટલું ચોક્કસ છે કે મોરબીની આ સભાથી ૨૦૨૭ની રાજકીય ગરમાગર્મીનો પ્રારંભ થઈ ચૂક્‍યો છે. હવે જોવું એ રહેશે કે કોંગ્રેસનો આ ખેડૂત દાવ ૨૦૨૭માં તેમને કેટલો રાજકીય ફાયદો અપાવે છે.

મોરબીમાં યોજાયેલી કોંગ્રેસની આક્રોશ સભામાં રણદીપ સૂરજેવાલાએ કહ્યું હતું કે, ખેડૂતોના દુશ્‍મન બીજા કોઈ નથી પરંતુ જેને વોટ આપીને અમદાવાદ અને દિલ્‍હીમાં સરકારમાં બેસાડ્‍યા છે તે છે. આપણે જેમને વોટ આપ્‍યાં એ આપણું શોષણ કરી રહ્યાં છે. ૨૦૨૨ માં ખેડૂતની આવક બમણી કરવાની વાત કરી હતી પણ આજે દેશનો ખેડૂત એક દિવસે ૨૭ રૂપિયા કમાય છે.

ઓછા વરસાદથી મગફળી, કપાસ વિગેરે પાકમાં નુકશાન થયું છે, અને સરકારી ગોડાઉનમાં વારંવાર આગ લાગે અને મગફળી બળી જાય છે પછી કમિશન બેસાડે છે પણ કોઈને વળતર આપવામાં આવતું નથી. સરકાર ખેડૂતોના ખેતરમાં વીજ થાંભલા ભલે નાખે, પણ વીજળી ઉત્‍પાદનના નફામાં ખેડૂતોને પણ ભાગીદાર બનાવે.

ગુજરાતના પ્રભારી રણદીપ સુરજેવાલાના સૌરાષ્ટ્ર પ્રવાસ દરમિયાન નર્મદાના પાણી મુદ્દે કરાયેલા નિવેદન સામે ભાજપે વળતો પ્રહાર કર્યો હતો. નર્મદાના પાણી મુદ્દે બોલતા પહેલાં કોંગ્રેસના નેતાઓએ ગુજરાતનો ઇતિહાસ અને ભૂગોળ સમજવો જોઈએ. એક સમયે સૌરાષ્ટ્ર અને કચ્‍છના લોકો પાણી માટે તરસતા હતા.

નર્મદા ડેમની ઊંચાઈ વધારી ગુજરાતના તરસ્‍યા વિસ્‍તારો સુધી પાણી પહોંચાડવાનું કામ નરેન્‍દ્ર મોદી અને ભાજપ સરકારે કર્યું છે. કોંગ્રેસના શાસનકાળમાં સૌરાષ્ટ્ર અને કચ્‍છમાં પાણીની અછતની સ્‍થિતિ હતી. નર્મદા યોજનાના કારણે સૌરાષ્ટ્ર અને કચ્‍છના વિસ્‍તારોમાં પાણી પહોંચ્‍યું છે. (સાભારઃ જીન્‍યુઝ)

(3:07 PM IST)