<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 21st July 2026

ઉનાના સોંદરડીમાં ચાંદીપુરાનો શંકાસ્‍પદ કેસઃ આરોગ્‍ય ટીમ દ્વારા સર્વે કામગીરી

પાંચ વર્ષના બાળકને સતત ઉલટી અને પેટમાં દુઃખાવો ઉપડયા બાદ સરકારી હોસ્‍પિટલમાં ખસેડાયેલ અને બાળકનો મેડીકલ રિપોર્ટ આવે તે પહેલા બાળકનું મૃત્‍યુ થતાં આરોગ્‍ય તંત્ર હરકતમાં

(નવીન જોષી દ્વારા) ઉના, તા. ર૧: તાલુકાના સોંદરડી ગામના પ વર્ષના બાળકને  વારંવાર ઉલટી અને પેટમાં દુઃખાવો ઉપડયા બાદ ભાવનગર સરકારી હોસ્‍પિટલમાં ખસેડાયેલ અને બાળકના લોહીના રિપોર્ટ લેબોરેટરી ટેસ્‍ટ માટે મોકલ્‍યા હતા. આ રીપોર્ટ આવે તે પહેલા બાળકનું મૃત્‍યું થયેલ. આ કેસમાં ચાંદીપુરા વાયરસની શંકા જતા જિલ્લા આરોગય વિભાગની ૮ ટીમો દ્વારા નાના એવા સોંદરડી ગામમાં સર્વે કામગીરી શરૂ કરાઇ છે. બાળકનો મેડીકલ રીપોર્ટ આવવાનો બાકી છે.

ઊના તાલુકાના નાના એવા સોંદરડી ગામ અઠવાડીયા પહેલા  ધીરુભાઈ ગોહિલ ના પાંચ વરસ ના દિકરા યુવરાજસિંહ ને સખત તાવ આવ્‍યો હતો અને ઉલ્‍ટી થતી હતી અને પેટ માં દુઃખાવો થતો હોય. બેભાન થઈ જતા પ્રથમ ટીંબી ગામે ખાનગી સારવાર લીધી હતી. પરંતુ રાહત ન થતા મહુવા વધુ સારવાર માટે હોસ્‍પિટલ માં દાખલ થયા હતા. ત્‍યાંના તબીબ ને ચાંદી પૂરા વાઈરસ ની શંકા જતા ભાવનગર સર ટી. હોસ્‍પિટલ માં ચિલ્‍ડ્રન વોર્ડ માં સારવાર માટે ખસેડાયા હતા.

આ હોસ્‍પિટલમાં લોહીના નમૂના લઈ તપાસ માટે ગાંધીનગર મોકલી આપી સઘન સારવાર શરૂ કરી હતી. જેમાં તબિયત ખરાબ થતા વેન્‍ટિલેટર ઉપર રાખેલ હતો જે સવારે તેમનું મોત થયું હતું. હજુ સુધી લોહી ના નમૂના નો રિપોર્ટ આવ્‍યો પણ નથી તેથી ચાંદી પૂરા વાઈરસથી મોત થયાનું અનુમાન છે.

બાળકનો મળત દેહ તેમના ઘરે સોંદરડી ગામે લાવવામાં આવતા પરિવાર ભાંગી પડયો હતો. ધીરુભાઈ ગોહિલના પરિવારમાં એક દીકરી મોટી છે અને યુવરાજસિંહ વચલો દીકરો અને એક નાનો દીકરો છે. ધીરુભાઈ ખેત મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. ગીર સોમનાથ જિલ્લાની તેમજ ઊના તાલુકાની કુલ આઠ આરોગ્‍ય ટીમ ડોક્‍ટર સાથે સોંદરડી ગામ માં તમામ ઘરો માં સર્વે કર્યો છે. તેમજ ધીરુભાઈ ગોહિલ પરિવાર ના તમામ સભ્‍યો ના લોહી ના નમૂના લેવા માં આવ્‍યા છે. તેમજ ગામમાં જંતુનાશક દવાનો છંટકાવ કરવામાં આવ્‍યો છે. હજુ સુધી ચાંદી પૂરા વાઈરસ ધરાવતા લક્ષણો વાળો એક પણ દર્દી જોવા મળ્‍યો નથી. ગીર સોમનાથ જિલ્લામાં પ્રથમ ચાંદી પૂરા વાઈરસ થી મોત ની શંકા થી આરોગ્‍ય તંત્ર હરકતમાં આવી ગયું છે.

(11:28 AM IST)