<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd November 2026

મોરબીમાં શંકાસ્‍પદ વી-ઓઇલનો જથ્‍થો ઝડપાયો

ફૂડ એન્‍ડ ડ્રગ્‍સ વિભાગ અને એસઓજીનું ચેકીંગ : ૧૪૯ કિલો ઓઇલ અને રપ કિલો ઘી સીઝ કરાયું

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી, તા ૩: મોરબીમાં ફૂડ એન્‍ડ ડ્રગ્‍સ અને SOGનું ચેકીંગ : શંકાસ્‍પદ ઘી અને ઓઈલનો મોટો જથ્‍થો પકડાયો. આબીદ એચ. અંદાણીની દુકાનેથી પણ ઘીના નમૂના લેવાયા.

મોરબીમાં ફૂડ એન્‍ડ ડ્રગ્‍સ વિભાગ તથા એસઓજીની ટીમે સંયુક્‍ત રીતે દરોડા પાડીને મોટા પ્રમાણમાં શંકાસ્‍પદ ખાદ્યપદાર્થોનો જથ્‍થો જપ્ત કર્યો છે. આ કાર્યવાહી દરમિયાન દીવાબત્તી માટે વપરાતા ઓઈલને ડબ્‍બામાંથી કાઢી લુઝ ઘી તરીકે વેચવામાં આવતું હોવાની પણ શંકા ઉઠી છે. લોકોના સ્‍વાસ્‍થ્‍યને ધ્‍યાનમાં રાખીને તંત્ર દ્વારા આ આકસ્‍મિક તપાસ હાથ ધરવામાં આવી હતી. આ ઉપરાંત જિલ્લાના અન્‍ય વિસ્‍તારોમાં પણ મીઠાઈ અને ફરસાણના વેપારીઓને ત્‍યાં સઘન ચેકિંગ કરવામાં આવ્‍યું છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, મોરબી ફૂડ વિભાગના ઇન્‍સ્‍પેક્‍ટર હિરેન વડુકર અને એસઓજીની ટીમ દ્વારા નહેરુ ગેઈટ પાસે આવેલા પાયલ સિંગ સેન્‍ટર અને આબીદ એચ. અંદાણીને ત્‍યાં બપોરના સમયે ચેકિંગ હાથ ધરવામાં આવ્‍યું હતું. આ તપાસ દરમિયાન પાયલ સિંગ સેન્‍ટરમાંથી ૧૫ કિલોના પ્રીમિયમ ઓઈલના ૧૦ ડબ્‍બા એટલે કે કુલ ૧૪૯ કિલો જથ્‍થો સીઝ કરવામાં આવ્‍યો છે. આ ઉપરાંત ત્‍યાંથી ૨૫ કિલો છૂટક ઘી જેવો શંકાસ્‍પદ જથ્‍થો પણ જપ્ત કરાયો છે. અહીં પ્રીમિયમ ઓઈલના ડબ્‍બામાંથી જથ્‍થો કાઢીને તેને બરણીમાં ભરીને લુઝ ઘી તરીકે વેચવામાં આવતો હોવાની શંકા સેવાઈ રહી છે. પેકિંગ પર આ જથ્‍થો માત્ર દીવાબત્તી માટે વપરાતું હોવાનું લખેલું હતું, તેમ છતાં તેનો ઉપયોગ છૂટક ઘી તરીકે વેચાણ માટે થતો હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.

આ જ કાર્યવાહીના ભાગરૂપે ફૂડ વિભાગ દ્વારા આબીદ એચ. અંદાણીની દુકાનેથી પણ ઘીના નમૂના લઈને લેબોરેટરીમાં તપાસ માટે મોકલવામાં આવ્‍યા છે. મોરબી ઉપરાંત વાંકાનેર શહેરમાં પણ તંત્ર દ્વારા મીઠાઈ અને ફરસાણનું વેચાણ કરતી ૧૦ જેટલી દુકાનોમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્‍યું હતું. આ તપાસ દરમિયાન દુકાનદારોને ખાદ્યપદાર્થોની શુદ્ધતા અને સ્‍વચ્‍છતા જાળવવા માટે જરૂરી સૂચનો પણ આપવામાં આવ્‍યા હતા. સ્‍વાસ્‍થ્‍ય સાથે ચેડાં કરનારા તત્‍વો સામે ફૂડ વિભાગ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવતા ભેળસેળિયા તત્‍વોમાં ફફડાટ વ્‍યાપી ગયો છે.

(12:22 PM IST)