તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 26th June 2026
દલખાણીયા રેન્જમાંથી ફરી એકવાર સિંહનું શંકાસ્પદ મોત : મંદિરની પાછળથી નર એશિયાટિક સિંહનો મૃતદેહ મળ્યો
સિંહના મૃતદેહની જાણ થતાં વન વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી અને સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને તપાસ શરૂ કરી

અમરેલી જિલ્લાના ગીર પૂર્વ ડિવિઝન હેઠળ આવેલી દલખાણીયા રેન્જમાંથી ફરી એકવાર સિંહના શંકાસ્પદ મોતના સમાચાર સામે આવ્યા છે. દલખાણીયા ગામના રેવન્યુ વિસ્તારમાં આવેલા એક મંદિરની પાછળ પૂર્ણ વિકસિત નર એશિયાટિક સિંહનો મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. આ ઘટનાએ વન્યજીવ પ્રેમીઓમાં ચિંતા વધારી છે. કારણ કે છેલ્લા કેટલાક સમયથી ગીર વિસ્તારમાં સિંહોના શંકાસ્પદ મોતના બનાવો સતત સામે આવી રહ્યા છે. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ સિંહનો મૃતદેહ મળી આવ્યા બાદ પણ સંબંધિત રેન્જ ફોરેસ્ટ ઓફિસર (RFO) અને વન વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચવામાં મોડું થયું હતું. જેના કારણે વન વિભાગની કામગીરી અને તાત્કાલિક પ્રતિસાદ અંગે અનેક સવાલો ઉભા થયા છે.
સિંહના મૃતદેહની જાણ થતાં આખરે વન વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને તપાસ શરૂ કરી હતી. પ્રાથમિક તપાસમાં મૃત સિંહ પૂર્ણ વિકસિત નર હોવાનું સામે આવ્યું છે. અધિકારીઓએ સિંહના નખ, દાંત અને અન્ય અંગોની ઝીણવટભરી તપાસ કરી તેમજ સ્થળ પરથી જરૂરી પુરાવાઓ એકત્ર કર્યા હતા. ત્યારબાદ મૃતદેહને કબજે લઈને પોસ્ટમોર્ટમ માટે એનિમલ કેર સેન્ટર ખસેડવામાં આવ્યો હતો. વન વિભાગનું કહેવું છે કે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ સિંહના મોતનું ચોક્કસ કારણ જાણી શકાશે. હાલમાં કુદરતી મૃત્યુ, ગંભીર બીમારી, અન્ય સિંહ સાથેની લડાઈ અથવા કોઈ અન્ય શંકાસ્પદ કારણ જેવી તમામ શક્યતાઓને ધ્યાનમાં રાખીને તપાસ ચાલી રહી છે.
ગીર પૂર્વ ડિવિઝનમાં અગાઉ જસાધાર સહિતના વિસ્તારોમાં પણ સિંહોના શંકાસ્પદ મોતના બનાવો નોંધાયા હતા. જોકે, તે ઘટનાઓને એક મહિનાથી વધુ સમય વીતી ગયો હોવા છતાં પોસ્ટમોર્ટમ અને તપાસના સંપૂર્ણ અહેવાલો હજુ સુધી જાહેર કરવામાં આવ્યા નથી. હવે દલખાણીયા રેન્જમાં વધુ એક નર સિંહના શંકાસ્પદ મોતથી વન વિભાગની કામગીરી અને સિંહોની સુરક્ષા વ્યવસ્થાને લઈને ફરી ચર્ચા શરૂ થઈ છે. વન્યજીવ નિષ્ણાતોનું માનવું છે કે સિંહોના સતત થઈ રહેલા મોતના કારણો અંગે પારદર્શક તપાસ અને સમયસર અહેવાલ જાહેર કરવો જરૂરી છે જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓ અટકાવવા માટે યોગ્ય પગલાં લઈ શકાય. હાલ સમગ્ર મામલે વન વિભાગ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે અને પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોવાઈ રહી છે.
(7:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
