તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 24th May 2026
પશ્ચિમ કચ્છના દરિયાકાંઠેથી ફરી મળ્યા શંકાસ્પદ પેકેટો, BSFએ જખૌ નજીકથી 11 બિનવારસી પેકેટ જપ્ત કર્યા: ચરસ હોવાની આશંકા, FSL તપાસ માટે મોકલાયા
પાકિસ્તાન બોર્ડરને અડીને આવેલા કચ્છના સંવેદનશીલ ક્રીક વિસ્તારમાં ડ્રગ્સની ભરતી યથાવત: સ્મગલરો પકડાઈ જવાની બીકે દરિયામાં ફેંકે છે માલ, ભરતી સાથે કિનારે તણાઈ આવે છે પેકેટો. BSF, મરીન પોલીસ અને SOG દ્વારા સઘન સર્ચ ઓપરેશન શરૂ

ભુજ : પશ્ચિમ કચ્છના દરિયાકાંઠેથી ફરી એકવાર શંકાસ્પદ પેકેટો મળી આવ્યા છે. બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF)એ અબડાસા તાલુકાના જખૌ નજીકના દરિયાકાંઠાના વિસ્તારમાંથી 11 બિનવારસી પેકેટ જપ્ત કર્યા છે. પ્રાથમિક તપાસમાં આ પેકેટોમાં ચરસ હોવાની આશંકા સેવાઈ રહી છે.
BSFની ટુકડી રૂટિન પેટ્રોલિંગમાં હતી ત્યારે સૈયદ સુલેમાન ટાપુ પાસે દરિયાકાંઠે શંકાસ્પદ વસ્તુઓ નજરે પડી હતી. તપાસ કરતા ત્યાંથી 11 પેકેટ મળી આવ્યા હતા. BSFએ તાત્કાલિક આ જથ્થો કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે. તમામ પેકેટને FSL પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે જેથી કેફી દ્રવ્યની ચોક્કસ ગુણવત્તા અને કિંમતનો અંદાજ મેળવી શકાય.
પાકિસ્તાનને અડીને આવેલો કચ્છ જિલ્લો આંતરરાષ્ટ્રીય જળ અને જમીન સરહદ ધરાવતો હોવાથી રાષ્ટ્રીય સુરક્ષાની દ્રષ્ટિએ અત્યંત સંવેદનશીલ છે. છેલ્લા ઘણા સમયથી કચ્છના ક્રીક વિસ્તાર અને દરિયાકાંઠેથી સમયાંતરે ચરસના પેકેટો મળી રહ્યા છે.
સુરક્ષા એજન્સીઓના જણાવ્યા મુજબ સામાન્ય રીતે આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ માફિયાઓ દ્વારા દરિયાઈ માર્ગે ભારતમાં નશીલા પદાર્થો ઘુસાડવાનો પ્રયાસ થાય છે. સ્મગલરો કોસ્ટ ગાર્ડ કે BSFની પેટ્રોલિંગ ટીમને જોઈને પકડાઈ જવાની બીકે નશાનો જથ્થો દરિયામાં ફેંકી દે છે. ભરતીના પાણી સાથે આ પેકેટો કિનારે તણાઈ આવે છે.
થોડા દિવસો પહેલા જ અબડાસાના ખુડા ગામ નજીકથી કોઠારા પોલીસ અને SOGની ટીમને ચરસના 10 બિનવારસી પેકેટ મળ્યા હતા. જખૌ મરીન પોલીસ, IB અને SOGના સંયુક્ત ઓપરેશનમાં પણ 10 પેકેટ મળ્યા હતા.
સતત મળી રહેલા ડ્રગ્સના પેકેટો પાછળ કયું મોટું નેટવર્ક સક્રિય છે તેની સુરક્ષા એજન્સીઓ ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે. હાલ સમગ્ર અબડાસા અને જખૌના દરિયાકાંઠે BSF, જખૌ મરીન પોલીસ, SOG અને IB દ્વારા સઘન સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. વિવિધ ટાપુઓ પર પણ અન્ય કોઈ જથ્થો છુપાયેલો છે કે કેમ તે જાણવા માટે સર્ચ કામગીરી જારી છે.
કચ્છ ઉપરાંત દ્વારકાના દરિયાકાંઠેથી પણ સતત ચરસ ઝડપાઈ રહ્યું છે, જે દર્શાવે છે કે ગુજરાતનો દરિયો ડ્રગ્સ સ્મગલિંગનું સોફ્ટ ટાર્ગેટ બન્યો છે.
(3:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
