News of Tuesday, 27th October 2026
જામનગરમાં ‘સ્વદેશી મેળા-શોપિંગ ફેસ્ટિવલ 2026’નો પ્રારંભ : જુઓ વિડિઓ
વોકલ ફોર લોકલ’ના સંદેશ સાથે સ્થાનિક ઉત્પાદનોને મળશે બજાર, નાના વેપારીઓ અને કારીગરોને પ્રોત્સાહન

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર : જામનગરમાં સ્વદેશી ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા અને ‘વોકલ ફોર લોકલ’ના સંદેશને જન-જન સુધી પહોંચાડવાના હેતુથી ‘સ્વદેશી મેળા-શોપિંગ ફેસ્ટિવલ 2026’નો પ્રારંભ થયો છે. શહેરના સાત રસ્તા સામે આવેલા પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા આ મેળામાં સ્થાનિક ઉત્પાદકો, નાના વેપારીઓ, કારીગરો, સ્વસહાય જૂથો અને નાના ઉદ્યોગસાહસિકોને પોતાના ઉત્પાદનોના પ્રદર્શન તથા વેચાણ માટે એક ઉત્તમ મંચ ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે.
જામનગર મહાનગરપાલિકા, શહેરી વિકાસ અને શહેરી આવાસ નિર્માણ વિભાગ તથા ગુજરાત શહેરી આજીવિકા મિશન (GULM)ના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ શોપિંગ ફેસ્ટિવલ તા. 26 ઓક્ટોબરથી 6 નવેમ્બર, 2026 સુધી ચાલશે. મેળો દરરોજ સવારે 10 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી નાગરિકો માટે ખુલ્લો રહેશે.
આ મેળાનો મુખ્ય ઉદ્દેશ સ્થાનિક સ્તરે ઉત્પાદિત વસ્તુઓને બજાર પૂરું પાડવા, નાના વેપારીઓ અને કારીગરોની આવક વધારવા તથા સ્વરોજગારની તકોને પ્રોત્સાહન આપવાનો છે. આવા આયોજનોના માધ્યમથી સ્થાનિક ઉત્પાદકોને ગ્રાહકો સુધી સીધા પહોંચવાની તક મળે છે, જ્યારે નાગરિકોને પણ વિવિધ સ્વદેશી ઉત્પાદનોની ખરીદી કરવાની તક ઉપલબ્ધ બને છે.
‘વોકલ ફોર લોકલ’ની ભાવનાને સાકાર કરવા માટે સ્વદેશી વસ્તુઓની ખરીદી, સ્થાનિક વ્યવસાયોને સહકાર અને નાના ઉદ્યોગસાહસિકોને પ્રોત્સાહન આપવું સમયની જરૂરિયાત છે. આ મેળો સ્થાનિક કારીગરોની કળા અને ઉત્પાદનોને નવી ઓળખ અપાવવાની સાથે શહેરના વેપાર-ધંધાને વેગ આપવા માટે પણ મહત્વપૂર્ણ બની શકે છે.
જામનગરના નાગરિકો આ સ્વદેશી મેળાની મુલાકાત લઈને સ્થાનિક વેપારીઓ, કારીગરો અને સ્વસહાય જૂથો દ્વારા તૈયાર કરવામાં આવેલી વસ્તુઓની ખરીદી કરે અને સ્થાનિક અર્થતંત્રને મજબૂત બનાવવામાં સહભાગી બને, તેવો આ આયોજન પાછળનો મુખ્ય આશય છે.
(12:21 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
