<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 21st September 2026

આપઘાત અને અકસ્‍માતોને અટકાવવા માટે મોરબીમાં બની રહેલ સ્‍વામિનારાયણ મંદિર દ્વારા નવતર પ્રયોગઃ ‘ભગવાન મારી સાથે છે, અને મારૂ સારૂ જ થશે' તેવી શીખ આપવા સાથે સંદેશ

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી, તા. ૨૧: મોરબી શહેરમાં મચ્‍છુ નદીના કાંઠે  બીએપીએસ સ્‍વામિનારાયણ સંસ્‍થાનું સ્‍વામિનારાયણ મંદિર બનાવવા માટેની કામગીરી ચાલી રહી છે અને આ નિર્માણાધીન મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્‍સવ હવે આગામી એકાદ મહિનાની અંદર જ યોજવાનો છે ત્‍યારે મંદિરના પ્રતિષ્ઠા મહોત્‍સવ અને સામાજિક જવાબદારીના ભાગરૂપે સ્‍વામીના સંપ્રદાયના સંતો દ્વારા આપઘાત અટકાવવા માટે એક નવતર પ્રયોગ હાથ ધરવામાં આવેલ હતો અને મોરબીના રામચોક, ઉમિયા સર્કલ, જયદીપ હાઉસ ચોક તથા સ્‍વાગત ચોકડી પાસે સ્‍વામીના સંપ્રદાય સાથે જોડાયેલા યુવક અને યુવતીઓ હાથમાં બેનર્સ અને પ્‍લે કાર્ડ લઈને ઊભા રહ્યા હતા અને ઝડપની મજાનાં લીધે થતાં અકસ્‍માતો અટકાવવા માટે લોકોને જાગળત કર્યા હતા.

સાથોસાથ વર્તમાન સમયમાં સૌથી મોટો અને ગંભીર પ્રશ્ન આપઘાતનો છે દેશ અને દુનિયામાં દરરોજ લાખો લોકો કોઈને કોઈ કારણોસર આપઘાત કરે છે જેથી કરીને ઘણા પરિવારના માળા વેરવિખેર થઈ જતાં હોય છે. જેથી આપઘાતના બનાવો અટકાવવા માટે મોરબીમાં લોકોને સમજુત કરવામાં આવ્‍યા હતા આ તકે બહેનો દ્વારા રસ્‍તા ઉપરથી વાહનો લઈને પસાર થતા લોકોને સમજાવીને કોઈપણ ક્ષણે આપઘાત કરવાનો વિચાર આવે ત્‍યારે ‘ભગવાન મારી સાથે છે અને મારું સારું જ થશે' આવી વાત તેઓને સમજાવવામાં આવી હતી અને આપઘાત કરવાના બદલે પરિવારજન, મિત્ર કે કોઈપણ વ્‍યક્‍તિની સાથે સંવાદ કરવામાં આવે તો ક્ષણિક આવેલા આવેગનમાં જે આપઘાતના બનાવો બને છે તેને અટકાવી શકાય છે તેવી વાત લોકોને સમજાવવામાં આવી હતી.

વધુમાં એવું પણ સમજાવ્‍યું હતું કે કોઈ પણ વ્‍યક્‍તિ જ્‍યારે આપઘાત કરે છે ત્‍યારે તે પોતાનું અહિત કરે છે તેની સાથેના પરિવારના સભ્‍યોને પણ અનેક પ્રકારની મુશ્‍કેલીઓનો સામનો કરવો પડતો હોય છે ત્‍યારે આપઘાત અટકે અને આપઘાત મુક્‍ત મોરબી બને તેના ભાગરૂપે મોરબીમાં લોકોને જાગળત કરવા માટેનો કાર્યક્રમ બીએપીએસ સ્‍વામિનારાયણ સંસ્‍થા દ્વારા કરવામાં આવ્‍યો હતો જેમાં મોરબી બીએપીએસ સ્‍વામિનારાયણ સંસ્‍થાના સ્‍વામી હરિસ્‍મરણદાસજી, સ્‍વરૂપનિષ્ઠ સ્‍વામી તથા અન્‍ય સંતો પણ જોડાયા હતા.

(12:55 PM IST)