News of Saturday, 17th October 2026
કચ્છના રાપર ભચાઉમાં ગેરકાયદે ખનન કરનારાઓ સામે તંત્રનો સપાટો: સ્થળ રૂ. ૮ કરોડના વાહનો સીઝ કરી સ્થળ પર રૂ. ૩.૬૦ લાખનો દંડ ફટકારાયો
જોકે, સરકારી તિજોરીને કરોડોનો ચૂનો લગાવનાર મૂળ ખનીજ માફિયાઓ કોણ? અગાઉ ઝડપાયેલ બોક્સાઈટ સહિતની ખનીજ ચોરી પાછળ કોણ? તંત્ર મૂળ ઉપર ઘા કરે તો જ ગેરકાયદે ખનન ઉપર અંકુશ આવે

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૧૭ : કચ્છ જિલ્લામાં ગેરકાયદેસર રેતી અને ખનિજના ખનન તથા પરિવહન સામે વહીવટી તંત્ર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જિલ્લા મેજિસ્ટ્રેટ અને કલેક્ટર અનિલભાઈ રાણાવસિયાની સૂચનાના પગલે મદદનીશ કલેક્ટર અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ અભિષેક ટાલે (IAS)ના માર્ગદર્શન હેઠળ ભચાઉ અને રાપર તાલુકામાં સંયુક્ત ટીમોએ દરોડા પાડી અંદાજે રૂ. ૮ કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ ઉપરાંત ઓવરલોડ વાહનો સામે સ્થળ પર જ રૂ. ૩.૬૦ લાખના દંડની કાર્યવાહી કરવામાં આવી હતી. મદદનીશ કલેક્ટર અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ અભિષેક ટાલે, ભચાઉના મામલતદાર એમ.કે. રાજપૂત, રાપરના મામલતદાર એચ.બી. વાઘેલા તથા ખાણ-ખનિજ વિભાગની સંયુક્ત ટીમ દ્વારા ગેરકાયદેસર ખનન અને ખનિજના પરિવહન સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
આ કાર્યવાહી દરમિયાન રાપર તાલુકાના લોદ્રાણી ખાતે આશરે બે એકર વિસ્તારમાં ખનન કરવામાં આવતું હોવાનું સામે આવતાં બે હિટાચી અને ત્રણ ટ્રક જપ્ત કરવામાં આવ્યાં હતાં. રાપર ખાતેથી ગેરકાયદેસર ખનિજનું વહન કરતા કુલ ૧૩ ટ્રકો ઝડપી લેવામાં આવ્યાં હતાં. જાટાવાડા ખાતે ખનન સાઇટ પરથી એક ટ્રેક્ટર કમ લોડર જપ્ત કરવામાં આવ્યું હતું. બીજી તરફ, સુરજબારી ટોલ પ્લાઝા ખાતેથી રોયલ્ટી વગરના ખનિજનું વહન કરતી ચાર ટ્રકો તથા ઓવરલોડ ૧૫ ટ્રકો સામે કાર્યવાહી કરવામાં આવી હતી. જ્યારે ભચાઉ તાલુકાના આઘોઈ ખાતેથી એક હિટાચી સીઝ કરવામાં આવી હતી. ઓવરલોડ વાહનો સામે આર.ટી.ઓ.ની ટીમને સાથે રાખીને સ્થળ પર જ દંડની કાર્યવાહી કરવામાં આવી હતી, જેમાં કુલ રૂ. ૩,૬૦,૦૦૦નો દંડ વસૂલવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
લોદ્રાણી ખાતે ગેરકાયદેસર ખનન થયેલી જગ્યા અંગે આગળની કાર્યવાહી કરવા માટે ખાણ-ખનિજ વિભાગની ટીમને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. સમગ્ર કાર્યવાહી દરમિયાન અંદાજે રૂ. ૮ કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. પકડાયેલાં વાહનો સામે ગુજરાત મિનરલ્સ (પ્રિવેન્શન ઑફ ઇલીગલ માઇનિંગ, ટ્રાન્સપોર્ટેશન એન્ડ સ્ટોરેજ) રૂલ્સ, ૨૦૧૭ મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. દંડની કાર્યવાહી માટે વાહનોનો કબજો નજીકના પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો હતો. ગેરકાયદેસર ખનન અને ખનિજના બિનઅધિકૃત પરિવહન સામે વહીવટી તંત્રની આ કાર્યવાહીને પગલે ખનન પ્રવૃત્તિ સાથે સંકળાયેલાં તત્ત્વોમાં ફફડાટ ફેલાયો છે. (તસ્વીર: મુકેશ રાજગોર, રાપર)
(9:20 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
