<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 28th October 2026

કચ્છમાં બેફામ બનેલા ખનિજ માફિયાઓ ઉપર અંતે તંત્રનો સપાટો: ચાર અલગ-અલગ દરોડામાં રેતી-સાદીમાટીના ગેરકાયદે ખનનનો

તાજેતરમાં ભુજ પાસે માફિયાઓ દ્વારા અધિકારીઓ ઉપર હુમલાના પ્રયાસનો બનાવ, જોકે, પ્રતિબંધિત બોક્સાઈટ સહિતની ચોરીઓમાં માત્ર ઉપરછલ્લી તપાસ, અસલ ખનન માફિયાઓ સુધી પહોંચવામાં તંત્ર સંપૂર્ણ નિષ્ફળ

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૨૮ : કચ્છમાં બેફામ બની ગેરકાયદે ખનન અને ખનિજની હેરાફેરી કરતા ખનિજ માફિયાઓ સામે અંતે ખાણખનિજ વિભાગ તથા પોલીસ દ્વારા અલગ-અલગ સ્થળોએ દરોડાઓ પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. એક જ દિવસમાં ચાર સ્થળે કરાયેલી કાર્યવાહીમાં સાદી રેતી અને સાદીમાટીના ગેરકાયદે ખનન, વહન તથા સંગ્રહના કિસ્સા સામે આવ્યા છે. તંત્ર દ્વારા વાહનો અને ખનનનાં સાધનો જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

*વરસામેડીમાં રૂ. ૭૦ લાખનો મુદ્દામાલ જપ્ત*

કલેક્ટર કચ્છના માર્ગદર્શન હેઠળ મદદનીશ નિયામક, ફ્લાઈંગ સ્ક્વોડ, ભુજની ટીમે તા. ૨૭/૧૦/૨૦૨૬ના રોજ મોડી રાત્રે અંજાર તાલુકાના વરસામેડી ગામની સીમમાં તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન સાદીમાટીના ગેરકાયદે ખનન અને વહન માટે ઉપયોગમાં લેવાતું એક એક્સકેવેટર અને એક ડમ્પર મળી આવતાં કુલ રૂ. ૭૦ લાખનો મુદ્દામાલ જપ્ત કરી વાહનો સીઝ કરાયાં હતાં.

વિંઝાણ નદીપટમાં રાત્રિ દરમિયાન વોચ

અબડાસાના વિંઝાણ નદીપટ વિસ્તારમાં ગેરકાયદે સાદી રેતીના ખનન અને વહન સામે જિલ્લા કલેક્ટર અનિલ રાણાવાસિયા તથા ભૂસ્તરશાસ્ત્રી ડી.એસ. બારિયાના માર્ગદર્શન હેઠળ ખાણખનિજ વિભાગે કાર્યવાહી કરી હતી. ટીમે આશરે ત્રણ કલાક સુધી વોચ રાખ્યા બાદ એક લોડર અને એક ડમ્પર જપ્ત કર્યાં હતાં.

માધાપરમાં ૪૦ ટન રેતીનો જથ્થો ઝડપાયો

પશ્ચિમ કચ્છ એલસીબીની ટીમે બાતમીના આધારે ભુજ નજીક માધાપરમાં જોગમાયા હોટલ પાછળ દરોડો પાડ્યો હતો. અહીં ખનિજની હેરાફેરી માટે અનધિકૃત રીતે સંગ્રહ કરાયેલ આશરે ૪૦ ટન રેતીનો જથ્થો મળી આવ્યો હતો. ગેરકાયદે ખનન અને ખનિજચોરી સામે કડક કાર્યવાહી કરવા પોલીસ દ્વારા સૂચનાઓ આપવામાં આવી છે.

મુન્દ્રા-રાઘા વિસ્તારમાં સાદીમાટીના ખનન સામે કાર્યવાહી

મુન્દ્રા તાલુકાના રાઘા ગામની સીમમાં સાદીમાટી (મોરમ)ના ગેરકાયદે ખનન અને વહનનો મામલો પણ સામે આવ્યો હતો. તપાસ દરમિયાન રોયલ્ટી અને કાંટાપાવતી વગર સાદીમાટીનો જથ્થો હાઇવા વાહનમાં ભરેલો મળી આવ્યો હતો. સ્થળેથી હીટાચી મશીન પણ મળી આવતાં સંબંધિત વાહનો અને મશીન સામે ખાણખનિજ કાયદા હેઠળ કાર્યવાહી કરી ડિટેઇન કરવામાં આવ્યાં હતાં. આ પ્રકરણમાં વાહનચાલક વિજયસિંહ ગુમાનસિંહ રાઠોડ (રહે. પત્રી) તથા મશીનચાલક રજનીશ મીઠાઇલાલ પાલ (મૂળ રહે. સુરજગઢ, ઉત્તર પ્રદેશ; હાલ રહે. રાઘા, તા. મુન્દ્રા)નાં નામ સામે આવ્યાં છે.

માત્ર વાહનો જપ્ત કરવાથી નહીં, સમગ્ર નેટવર્કની તપાસ પણ જરૂરી

ખાણખનિજ વિભાગ અને પોલીસની આ કાર્યવાહીઓથી ગેરકાયદે ખનન કરનારાં તત્ત્વોમાં ફફડાટ ફેલાયો છે. જોકે, જપ્ત કરાયેલા ખનિજનો જથ્થો ક્યાં લઈ જવાનો હતો, તેનો ઉપયોગ ક્યાં થવાનો હતો અને આવી પ્રવૃત્તિ કેટલા સમયથી ચાલતી હતી તેવા પ્રશ્નો પણ મહત્ત્વના છે. આ પ્રવૃત્તિઓમાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તેની તપાસ થાય તો ગેરકાયદે ખનનના નેટવર્ક પર વધુ અસરકારક અંકુશ લાવી શકાય. હાલના ચારેય બનાવોમાં તંત્ર દ્વારા આગળની કાર્યવાહી માટેની તજવીજ હાથ ધરાઈ છે.

(9:22 AM IST)