<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 18th April 2026

જામનગર મહાનગરપાલિકાની ચૂંટણી માટે તંત્ર સજ્જ: ૨૬૦ ઉમેદવારો મેદાનમાં : ૪.૪૨ લાખ મતદારો કરશે મતદાન

શહેરના ૧૬ વોર્ડમાં ૪૧૪ મતદાન મથકો તૈયાર: વોર્ડ ૧૧-૧૨માં સૌથી વધુ મતદારો, વોર્ડ ૧૫-૧૬માં ૩૯ મતદાન મથકો; સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસનો ખાસ બંદોબસ્ત

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર, તા.૧૮ : જામનગર મહાનગરપાલિકાની આવનારી ચૂંટણીને લઈ ચૂંટણી તંત્ર દ્વારા તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. શહેરમાં શાંતિપૂર્ણ અને નિષ્પક્ષ મતદાન સુનિશ્ચિત કરવા માટે વિવિધ સ્તરે આયોજન હાથ ધરવામાં આવ્યું છે.

 

આ ચૂંટણીમાં કુલ ૨૬૦ ઉમેદવારો વિવિધ વોર્ડમાંથી મેદાનમાં ઉતર્યા છે. શહેરના ૧૬ વોર્ડમાં ફેલાયેલા કુલ ૪૧૪ મતદાન મથકો પર મતદાન યોજાશે. જામનગર શહેરના કુલ ૪,૪૨,૮૪૧ મતદારો પોતાનો મતાધિકાર ઉપયોગ કરશે.

 

*વોર્ડવાર મહત્વની વિગતો*

વોર્ડ નં. ૧માં ૨૦ ઉમેદવારો અને ૩૦ મતદાન મથકો સાથે ૩૧,૭૧૪ મતદારો છે. વોર્ડ નં. ૨માં ૮ ઉમેદવારો અને ૨૩ મતદાન મથકો છે. વોર્ડ નં. ૪માં ૧૨ ઉમેદવારો અને ૨૬ મતદાન મથકો સાથે ૨૫,૪૯૩ મતદારો નોંધાયા છે.

 

શહેરમાં વોર્ડ નં. ૧૧ અને ૧૨માં સૌથી વધુ મતદારો અનુક્રમે ૩૪,૬૩૦ અને ૩૫,૭૪૦ નોંધાયા છે. જ્યારે વોર્ડ નં. ૧૫ અને ૧૬માં ૩૯-૩૯ મતદાન મથકો ગોઠવવામાં આવ્યા છે, જે સૌથી વધુ છે.

 

ચૂંટણી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ તંત્ર દ્વારા પણ ખાસ બંદોબસ્ત ગોઠવવામાં આવી રહ્યો છે. સંવેદનશીલ વિસ્તારોમાં વિશેષ નજર રાખવામાં આવશે.

 

ચૂંટણી તંત્ર દ્વારા તમામ મતદારોને અપીલ કરવામાં આવી છે કે તેઓ પોતાના મતાધિકારનો જાગૃતપણે ઉપયોગ કરે અને લોકશાહી પ્રક્રિયામાં સક્રિય ભાગ ભજવે.

(1:18 PM IST)