<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 19th September 2026

ધોરાજી નજીક પેટ્રોલ પંપમાં કર્મીની ઉંઘનો લાભ લઇ રૂા. ૩૮ હજારની ચોરી

માત્ર અડધો કલાકમાં ચોરી કરી ગઠીયો ફરાર : સીસીટીવી કેમેરામાં એક ગઠીયો કેદ થતા ધોરાજી તાલુકા પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી

રાજકોટ તા. ૧૯ : ધોરાજી નજીક ભુતવડના પાટીયા પાસે પોરબંદર હાઇવે પર આવેલા ભકિત ફયુલ પંપમાં સુતેલા કર્મચારી કરણભાઇ સવજીભાઇ રાઠોડ (ઉ.૩ર) ની ઉંઘનો લાભ લઇ તસ્‍કરો ટેબલના ખાનામાં રાખેલી રોકડ અને તેનો ફોન મળી રૂા. ૩૮ હજારની મત્તા ચોરી ગયાની ધોરાજી તાલુકા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઇ છે.

ઉપલેટાના ખાખીજાળીયા રોડ પર રઘુંવશી સોસાયટીમાં રહેતાં અને પેટ્રોલ પંપમાં ફિલરમેન તરીકે નોકરી કરતાં કરણભાઇ સવજીભાઇ રાઠોડ (ઉ.વ.૩ર) એ આ મામલે નોંધાવેલી ફરીયાદમાં જણાવ્‍યું કે, ગઇ તા. ૧૭ ના તે નોકરી પર હતા તેની પાસે વેપારનાં ર૭૭ર૦ રૂપિયા હતા. જે તે પેન્‍ટના ખીસ્‍સામાં રાખી ડિસ્‍પેન્‍શર મશીન પાસે ટેબલ પર સુઇ ગયા હતાં. મોડી રાત્રે  ત્રણેક વાગ્‍યા આસપાસ એક રીક્ષા ગેસ ભરાવવા આવતાં તેને રૂા. ૩૪૦ નો ગેસ નાખી બધા રૂપિયા ટેબલના ખાનામાં રાખી ફોન ઓશીકા પાસે રાખી ફરી ટેબલ પર સૂઇ ગયો હતો.

એકાદ કલાક બાદ સવારે ચારેક વાગ્‍યા બાદ છોટાહાથી સીએનજી નખાવવા આવતા ચાલકે તેને ઉઠાડયો હતો. ટેબલના ખાનામાં જોતા રૂપિયા કે તેનો ઓશીકા પાસે રાખેલ ફોન જોવા નહી મળતા ચોરીથી થયાની જાણ થઇ હતી. સીસીટીવી કેમેરા ચેક કરતા સાડા ત્રણેક વાગ્‍યે અજાણ્‍યો શખ્‍સ ચોરી કરતો કેદ થતા ફરીયાદ નોંધાવી હતી.

 

(11:04 AM IST)