<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th November 2026

વ્‍યાજખોરોથી ડરી ગામ છોડી ગયેલા થાનના શખ્‍સ ઉપર ટંકારા ગામે ઉઘરાણી કરી હૂમલો

(ફઝલ ચોૈહાણ દ્વારા) વઢવાણ તા.૨૫: થાનગઢના રહેવાસી અને હાલ ટંકારા તાલુકાના સજનપર (ઘુનડા) ગામે પોતાના મામાના ઘરે રહેતા ધવલભાઈ સવાડીયા પર ૧૭ લાખની ઉઘરાણી મામલે ચાર શખ્‍સોએ હુમલો કર્યાની ઘટના બની છે.

બીજી તરફ, આરોપીઓ દ્વારા મામા દેવજીભાઈ અંદોદરીયા પાસે ૧૫થી ૧૭ લાખની ઉઘરાણી કરી ફોન પર સતત ધમકીઓ આપવામાં આવતા લાગી આવવાથી મામાએ વાડીમાં ઝેરી દવા પી લેતા હોસ્‍પિટલમાં ખસેડાયા છે.

થાનગઢના ધવલભાઈ સવાડિયા સજનપર ખાતે પોતાના મામા દેવજીભાઈ અંદોદરીયાના ઘરે હતા ત્‍યારે દિલીપભાઈ ગીડા, પળથુભાઈ ગીડા સહિત ચાર શખ્‍સો ઈનોવા કારના પૈસાની ઉઘરાણી કરવા આવ્‍યા હતા. ધવલભાઈએ પોતે કાર લીધી ન હોવાનું કહેતા ઉશ્‍કેરાયેલા શખ્‍સોએ લાફા માર્યા અને લાકડી-કુહાડી જેવા હથિયારો બતાવી મારી નાખવાની ધમકી આપી હતી. વચ્‍ચે પડેલા સવિતાબેનને પણ ધક્કો માર્યો હતો. ઘટના બાદ મામા દેવજીભાઈને ફોન પર ધમકીઓ મળતા તેમણે હાર્દિકભાઈ પટેલની વાડીમાં ઝેરી દવા પી લીધી હતી.

થાનગઢમાં આશરે એક માસ પહેલાં જ અંદાજે ૨૫ કરોડના વ્‍યાજ અને દેવાના ચક્કરમાં પ્રજાપતિ સમાજના એક યુવા ઉદ્યોગપતિએ પોતાના કારખાનામાં જ આપઘાત કરી લીધો હતો. જ્‍યારે ૧૫ દિવસના ટૂંકા ગાળામાં જ સમાજના અન્‍ય એક કારખાનેદારે પણ અમદાવાદ ખાતે જીવન ટૂંકાવ્‍યું હતું.

પીડિત ધવલ સવાડીયા સાથેની વાતચીતમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે, તેનો અગાઉનો ભાગીદાર શ્રેયસ વાંઝા રહે. થાનગઢ ઉદ્યોગપતિના આપઘાત બાદ ગામ મૂકીને ફરાર થઈ ગયો છે. ઈનોવા કાર અને નાણાંનો તમામ વ્‍યવહાર ભાગીદાર શ્રેયસ અને મળતક ઉદ્યોગપતિના પિતરાઈ ભાઈઓ વચ્‍ચે હતો.

પરંતુ ભાગીદાર ભૂગર્ભમાં ઉતરી જતાં ઉઘરાણી કરનારા શખ્‍સોએ કોઈ લેવાદેવા ન હોવા છતાં ધવલના માથે નાણાં ચડાવી દઈ ઉઘરાણી શરૂ કરી હતી. વ્‍યાજખોરો અને ઉઘરાણી કરનારાઓના સતત ત્રાસ અને ધમકીઓથી ડરીને ધવલ એક મહિના પહેલા જ થાનગઢ છોડીને ટંકારા ખાતે પોતાના મામાના ઘરે રહેવા જતો રહ્યો હતો, છતાં માથાભારે શખ્‍સોએ ત્‍યાં પહોંચીને પણ હુમલો કર્યો હતો

(1:54 PM IST)