<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 10th September 2026

કોળી સમાજને ટાર્ગેટ કરી બદનામ ના કરોઃ વિનોદ સોલંકી

બોટાદના કથિત રૂા. ૧ કરોડના તોડકાંડ મામલે પ્રેસ કોન્‍ફરન્‍સ યોજી પોલીસ તપાસ પર વિશ્વાસ વ્‍યક્‍ત કર્યોઃ સીસીટીવી ફૂટેજ તપાસવાની માંગ

 

 

(વિજય વસાણી દ્વારા) આટકોટ, તા.૧૦: બોટાદમાં ચર્ચાસ્‍પદ બનેલા કથિત રૂ.૧ કરોડના તોડકાંડ મામલે રાજકીય ગરમાવો વધ્‍યો છે કોળી સમાજના આગેવાન અને રાણપુર તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ વિનોદભાઈ રમેશભાઈ સોલંકીએ પ્રેસ કોન્‍ફરન્‍સ યોજી સમગ્ર મામલે પોતાની પ્રતિક્રિયા આપી જણાવ્‍યુ હતુ કે કોળી સમાજને બદનામ ના કરો.

ગઈ કાલે પ્રેસ કોન્‍ફરન્‍સ કરી વિનોદ સોલંકીએ જણાવ્‍યું હતું કે, છેલ્લા ત્રણ-ચાર દિવસથી સમગ્ર મામલો ચર્ચામાં છે ત્‍યારે ભાજપ દ્વારા સમાજના આગેવાનો સાથે ચર્ચા કરી હકીકત જાણવાનો પ્રયાસ કરવામાં આવ્‍યો છે સમગ્ર મામલે કોળી સમાજને ટાર્ગેટ કરી બદનામ કરવાનો પ્રયાસ થતો હોવાનો તેમણે આક્ષેપ કર્યો હતો.

તેમણે જણાવ્‍યું કે ઘટના ખરેખર બની છે કે નહીં તે પોલીસ તપાસનો વિષય છે ભાજપના કોઈ મહામંત્રી કે આગેવાન કથિત રકમ લેવા ગયા હોવાના આક્ષેપો સાબિત થાય તો જાહેર જીવન છોડવા સુધીની ચેલેન્‍જ સ્‍વીકારવા તૈયાર હોવાનું પણ તેમણે જણાવ્‍યું હતું બોટાદ શહેરમાં અનેક સ્‍થળોએ સી.સી.ટી.વી.કેમેરા ઉપલબ્‍ધ હોવાનું જણાવી તેમણે મીડિયા અને પોલીસ દ્વારા ફૂટેજ સહિતના પુરાવાની યોગ્‍ય તપાસ કરવામાં આવે તો હકીકત બહાર આવી શકે તેમ જણાવ્‍યુ હતુ.

ડી.વાય.એસ.પી.મહર્ષિ રાવલ પર વિશ્વાસ, ‘તપાસ અંત સુધી જશે' : 

આટકોટ, તા.૧૦: કથિત તોડકાંડની તપાસ સ્‍થાનિક પોલીસને સોંપાતા કેટલાક આગેવાનો દ્વારા SITની માગ કરવામાં આવી છે આ અંગે વિનોદ સોલંકીએ બોટાદના DySP મહર્ષિ રાવલ પર સંપૂર્ણ વિશ્વાસ વ્‍યક્‍ત કર્યો હતો.

મહર્ષિ રાવલ ઉચ્‍ચ કક્ષાના અધિકારી છે અને સમગ્ર તપાસને અંત સુધી લઈ જઈ સાચી હકીકત બહાર લાવશે તેવી ખાતરી તેમણે વ્‍યક્‍ત કરી હતી તેમણે વધુમાં જણાવ્‍યું હતુ કે જો કોઈ અન્‍ય શક્‍તિ દ્વારા કોળી સમાજના નામનો ઉપયોગ કરી ભાજપને બદનામ કરવાનો પ્રયાસ થયો હોય તો તેની પણ તપાસ થવી જોઈએ.

જોકે તપાસ પૂર્ણ થાય ત્‍યાં સુધી કોઈ વ્‍યક્‍તિ કે સમાજનું નામ જાહેર કરવું યોગ્‍ય નથી તેમ તેમણે જણાવ્‍યું હતું કથિત રૂ.૧ કરોડના તોડકાંડ મામલે વિનોદ સોલંકીની પ્રેસ કોન્‍ફરન્‍સ બાદ રાજકીય ચર્ચા વધુ તેજ બની છે હવે પોલીસ તપાસમાં સમગ્ર મામલાની હકીકત શું બહાર આવે છે તેના પર સૌની નજર છે.

મયુરભાઈ પટેલ સામેના આક્ષેપો વિનોદ સોલંકીએ ફગાવ્‍યા : 

આટકોટ, તા.૧૦: કથિત મામલામાં બોટાદ જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ પટેલનું નામ જોડાતા વિનોદ સોલંકીએ આક્ષેપોને સ્‍પષ્ટ શબ્‍દોમાં વખોડી કાઢયા હતા તેમણે જણાવ્‍યું હતુ કે મયુરભાઈ પટેલ છેલ્લા ચાર વર્ષથી વધુ સમયથી જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે કામગીરી કરી રહ્યા છે અને તેમના નેતળત્‍વમાં ભાજપે વિવિધ ચૂંટણીઓમાં સફળતા મેળવી છે.

આવનારા સમયમાં પણ તેમના નેતળત્‍વમાં ભાજપ વધુ મજબૂત બનશે અને તેમની સાથે ખભેખભો મિલાવીને કામ કરવાની ખાતરી તેમણે આપી હતી.

(11:45 AM IST)