તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 28th July 2026
શિક્ષકના શબ્દો આહુતિ, વિદ્યાર્થીઓમાં શીખવાની ભૂખનો અગ્નિ પ્રગટ થવો જોઈએઃ પૂ.ભાઈશ્રી રમેશભાઈ ઓઝા
પોરબંદર સાંદીપનિ ગુરુકુળ માટે દર વર્ષની પરંપરા પ્રમાણે આ વર્ષે પણ ગુરુપૂર્ણિમા અંતર્ગત ગુરુજનોના અનુભવો સાથે શિક્ષણ પરિસંવાદઃ એવોર્ડ વિતરણઃ સૌએ માપનું અને ખપનું ગ્રહણ કરવું જોઈએ. ટીકા અને પ્રસંશા તમામ વસ્તુમાંથી શીખી શકાય છેઃ પદ્મશ્રી ડો. રતિલાલ બોરીસાગર

(વિનુ જોશી દ્વારા)જુનાગઢ તા.૨૮: ગુરૂપૂર્ણિમા એટલે ગુરૂપર્વ! શિક્ષણના સત્રની શરૂઆત સામાન્ય રીતે અષાઢ માસની બીજ અખાત્રીજથી થાય. અને તેના બે અઠવાડિયામાં આવે ગુરૂપૂર્ણિમા. આશ્રમમાં રહેલાં જૂના શિષ્યો ગુરુ વંદનની પરંપરાને નવા શિષ્યોમાં પ્રસ્થાપિત કરે તે ઉત્સવ એટલે ગુરુ પૂર્ણિમા.
પોરબંદર એટલે કેટલાંય શિષ્યોની ગુરુભૂમિ અને સાંદીપનિ ગુરુકુળ એ સૌનું ગુરુધામ. પૂ.ભાઈશ્રીરમેશભાઈ ઓઝાની પ્રેરણાથી છેલ્લા ૧૫ વર્ષથી રાજ્યના પસંદ કરેલાં ગુરુજનોનું ભાવપૂજન કરવામાં આવે છે. દર વર્ષની પરંપરા પ્રમાણે આ વર્ષે પણ ગુરુપૂર્ણિમાની પૂર્વ સંધ્યાએ સૌ ગુરુજનોના અનુભવોને પૂજ્ય ભાઇશ્રી રમેશભાઈ ઓઝા
સહિત સૌએ ખૂબ સન્માન પૂર્વક સાંભળ્યા હતા. આજના શિક્ષણ પરિસંવાદનો ઉપક્રમ બે ભાગમાં યોજવામાં આવ્યો હતો.
સવારના પ્રથમ સત્રમાં રાજ્યના ૩૫ જેટલાં શિક્ષકો આચાર્ય દ્વારા અનુભવોની જ્ઞાન નદી સૌને મનમાં શિક્ષણની એક સંતુષ્ટિ અર્પી ગઈ. રાજ્યની એવી સરકારી શાળાઓનો પરિચય થયો કે જ્યાં મર્સિડીઝ કાર લઈને વાલીઓ પોતના બાળકોના પ્રવેશ મેળવવા માટે આવે છે. શાળાના ૧૦૦ કરતાં પણ વધુ શિક્ષકગણના તમામ શિક્ષકોના બાળકો સરકારી પ્રાથમિક શાળામાં ભણે તે એક અદભૂત ઘટનાની સાક્ષી આજે સાંદીપનીની ધરા બની. ડાંગના છેવડાંના આદિવાસી વસ્તી ધરાવતા ગામ બિલીઆંબાની છોકરી જ્યારે ભારતની ટીમની સભ્ય બની આંતરરાષ્ટ્રીય ખેલાડી બને તે વાત પણ આજે ગુરુપૂર્ણિમાના દિવસે ગૌરવવંત બની રહી હતી.
શિક્ષકોના અનુભવો જાણે એક સુંદર મોતી હતા. જેમાં કોઈ શિક્ષક ગામના મોભીની ભૂમિકામાં હતા. જેઓનું કામ એવું હોય કે જેમાં ગ્રામજનો આપને એક મોભી તરીકે સ્વીકારતા થયાં હોય, ગામના પ્રશ્નોમાં પણ શાળાની અને શિક્ષકોની ભૂમિકા હોય. આ શિક્ષક ત્યારે જ ગામના મોભી બને જ્યારે તે શાળની ચાર દીવાલની પેલેપાર જાય અને શિક્ષણને સમાજ સુધી લઈ જાય. આવું તો જ થઈ શકે કે જો શિક્ષક સપનું જુએ. અને આ સપનામાં શિક્ષણ કામ ગામના વિકાસ સાથે એકાકાર થાય. આવું થાય તો ગામ માટે શાળા એ સૌથી પહેલાં આવે. જેમ શાળા ગામના ગણેશજી હોય. રાજ્યના તમામ જિલ્લાના શિક્ષકોની વાતને જાણીને શિક્ષકોની સમર્પીતતા જાણવા મળી હતી.
સાંદીપનિ ગુરુકુળ દ્વારા દરવર્ષે શિક્ષણ ક્ષેત્રે આજીવન શિક્ષણ સાધન કારનારનું લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડથી સન્માન કરવામાં આવે છે. આ ઉપરાંત, શ્રેષ્ઠ ગુરુ ગૌરવ એવોર્ડ, ઉત્તમ વિદ્યામંદિર એવોર્ડ એમ કુલ ત્રણ એવોર્ડ ઉપરાંત સંસ્કૃત ક્ષેત્રે ઉત્તમ પ્રદાન કરનાર અને શિક્ષણ-પ્રશિક્ષણમાં ઉત્તમ કાર્ય કરનાર મહાનુભવનું શિક્ષણ-પ્રશિક્ષણ સારસ્વત સન્માન એક પાંચ સન્માનનો ઉપક્રમ હોય છે. બપોર પછીના સત્રમાં આ સન્માન પામનાર મહાનુભાવોના કાર્યના અનુભવોનું રસપાન થયું હતું.
સારસ્વત સન્માનિત અને સુરેન્દ્રનગર જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના આચાર્ય ડો. છગનભાઇ ટુંડિયા એ પોતાના તાલીમ ભાવનને શિક્ષણની ઉપાસનાનું સ્થળ બનાવ્યું છે. તાલીમ ભવન એ માત્ર કચેરી નહીં પણ શિક્ષકોમાં રહેલી જે શક્તિ છે તેણે યોગ્ય મંચ મળી રહે તેવો મંચ છે. તેઓએ પોતાના ગુરુને યાદ કરતાં કહ્યું કે સમરસતા એ સનાતન ધર્મની ઓળખ છે અને તે હંમેશા તેમનો અનુભવ રહ્યો છે.
શ્રેષ્ઠ ગુરુ ગૌરવ એવોર્ડના ચયનીત મહાનુભાવ ડો. વિજય સેવકે તેઓની આગવી શૈલીમાં થિયેટર ઇન એડ્યુકેશનનો પરિચય કરાવ્યો. તેઓ પોતે શિક્ષણ-પ્રશિક્ષણની આ પદ્ધતિના વાહક છે તેનો પરિચય પ્રવૃત્તિઓ કારવાયો. તેઓએ શ્રોતાગણ વચ્ચે જઈને નાના-નાના પ્રયોગ કર્યા અને શિક્ષણ પ્રશિક્ષણની સમગ્ર પ્રક્રિયામાંથી સૌને રસતરબોળ કર્યા હતા.
પદ્મશ્રી પુરસ્કૃત ડો. રતિલાલ બોરીસાગરએ કહ્યું કે સૌએ માપનું અને ખપનું ગ્રહણ કરવું જોઈએ. ટીકા અને પ્રસંશા તમામ વસ્તુમાંથી શીખી શકાય છે. કોઈ એવું માનતું હોય શિક્ષણ રસાતળ ગયું છે એવું કહેનારે સવારનું સત્ર માણવું જોઈએ.
કાર્યક્રમના અંતમાં આઇઆઇએમના ખ્યાતનામ અધ્યાપક અને પદ્મશ્રીથી પુરસ્કૃત ડો. અનિલ ગુપ્તાએ પોતાના વક્તવ્યમાં કહ્યું કે આજે શિક્ષકોમાં એક અદભૂત સંવેદનના દર્શન થાય. તેઓએ તેઓની શોધયાત્રાની વાત કરતાં કહ્યું કે પ્રકૃતિમાં કશું જ જરૂરિયાત કરતાં વધારે હોતું નથી. સમસ્યાની સાથે જીવવા કરતાં તેના ઉકેલ વિશે વિચારવું તે નવીન્યતા. તેનો સ્વભાવ બનાવો જોઈએ.તેઓએ કહ્યું કે દરેક શિક્ષકોને એવાં વિદ્યાર્થીઓ મળવા જ જોઈએ કે જેની પાસેથી આપણે કશું શીખવા મળે. આપણે બેચેનીના બીજ રોપવા જોઈએ.
કાર્યક્રમના અંતમાં પૂજ્ય ભાઇશ્રીએ કાર્યક્રમના સમાપનમાં કહ્યું કે, શિક્ષણની પરિસ્થિતિ જોઈને નિરાશા આવે ત્યારે જે રસી છે તે આ સારસ્વત મિત્રો છે. તેઓ સૌ નવી આશા જન્મવાનાર છે. દ્વિજ છે. શિક્ષક કભી સાધારણ નહીં હોતા એવું કહીએ છીએ પણ તે માટે આપણે અસાધારણ થવું પડે. વિદ્યાર્થીઓને રસ પડે તે જરૂરી છે. શિક્ષકના શબ્દો આહુતિ છે જેનાથી વિદ્યાર્થીઓમાં શીખવાની ભૂખનો અગ્નિ પ્રગટ થવો જોઈએ.
આ પ્રસંગે એવોર્ડ ચયન સમિતિના સભ્ય તેમજ ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીના વાઇસ ચાલન્સેલર ડો. ટી. એસ. જોશી તથા પાર્થેશભાઈ પંડ્યા તથા સમિતિના અધ્યક્ષ શિક્ષણવિદ્ ગિજુભાઈ ભરાડ તથા આ પ્રસંગે ઉપસ્થિત રહ્યાં હતા. કાર્યક્રમનું સંચાલન સાબરમતી આશ્રમ અમદાવાદના નિયામકશ્રી અતુલભાઈ પંડયાએ કરેલું હતું. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે સાંદીપનિ પરિવાર દ્વારા ખૂબ જ જહેમત ઉઠાવવામાં આવી હતી.(તસ્વીરઃ મુકેશ વાધેલા-જુનાગઢ)
(10:05 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
