News of Thursday, 5th November 2026
સાવરકુંડલામાં હંગામી ફટાકડા લાયસન્સ મામલેઃ ૩૨ અરજીઓનું સ્થળ ઇન્સ્પેકશન

(ઇકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલા, તા.૫: દિવાળીના તહેવારોને અનુલક્ષીને સાવરકુંડલા શહેરમાં ફટાકડાના વેચાણ માટે માંગવામાં આવેલી હંગામી પરવાનગીઓ મામલે વહીવટી તંત્ર અને ફાયર વિભાગ સક્રિય બન્યું છે. પ્રાંત કચેરી, સાવરકુંડલાની સૂચના મુજબ ફાયર વિભાગ દ્વારા શહેરમાં આવેલી ૩૨ અરજીઓનું સ્થળ ઇન્સ્પેક્શન હાથ ધરવામાં આવ્યું છે.
આ અંગે અમરેલી જિલ્લા ઇન્ચાર્જ ફાયર ઓફિસર એચ. પી. સરતેજા એ જણાવ્યું હતું કે, પ્રાંત અધિકારી સાવરકુંડલાની સૂચના અનુસાર હંગામી ફટાકડા લાયસન્સના ઇન્સ્પેક્શન અર્થે ટીમ સાવરકુંડલા પહોંચી હતી. ફટાકડા સ્ટોલધારકો દ્વારા કરવામાં આવેલી અરજીઓના આધારે સ્થળ તપાસ કરવામાં આવી છે. સ્થળ પર આગ સામે સુરક્ષા માટે કયા કયા ફાયર સેફ્ટીના સાધનો હોવા જરૂરી છે અને કઈ કઈ બાબતોની પૂર્તતા કરવી અનિવાર્ય છે, તેનું નિરીક્ષણ કરવામાં આવ્યું છે.
૩૨ અરજીઓ પર આધારિત રિપોર્ટ પ્રાંત કચેરીને સોંપાશે.
ઇન્ચાર્જ ફાયર ઓફિસરે વધુમાં જણાવ્યું કે, સાવરકુંડલા સીટીમાંથી હંગામી લાયસન્સ મેળવવા માટે કુલ ૩૨ જેટલી અરજીઓ પ્રાપ્ત થઈ છે. જે પૈકી ૨૦ સ્ટોલ માટે એક જ ચોક્કસ સ્થળ નિયત કરવામાં આવ્યું છે, જ્યારે બાકીની ૧૨ જેટલી અરજીઓ છૂટક અને અન્ય વિસ્તારોની છે. આ તમામ સ્થળોનું ઇન્સ્પેક્શન પૂર્ણ કરી લેવામાં આવ્યું છે.
ફાયર સેફ્ટીના નિયમો અને ધોરણોનું પાલન થાય છે કે નહીં તે અંગેનો વિગતવાર અભિપ્રાય અહેવાલ હવે પ્રાંત અધિકારી સાવરકુંડલા સમક્ષ રજૂ કરવામાં આવશે. ફાયર વિભાગના આ અભિપ્રાય રિપોર્ટ બાદ જ નિયમ મુજબ લાયસન્સ આપવાની આગળની સત્તાવાર કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
(10:48 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
