<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th November 2026

મોરબીમાં થાર ચાલકે હેન્ડીકેપ વૃદ્ધને હડફેટે લીધા, ગંભીર ઈજાઓ પહોંચાડી ચાલક ફરાર.

રાત્રિના સમયે વાતચીત કરતા બેઠેલા વૃદ્ધને અડફેટે લઈ કાર ચાલક નાસી છૂટ્યો, વૃદ્ધને રાજકોટ સારવાર અર્થે ખસેડાયા.

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી શહેરના જૂના બસ સ્ટેન્ડ પાછળના વિસ્તારમાં મોડી રાત્રે એક સફેદ કલરની થાર ગાડીના ચાલકે પૂરપાટ ઝડપે આવીને એક હેન્ડીકેપ (દિવ્યાંગ) વૃદ્ધને હડફેટે લેતા તેઓને ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માત બાદ કાર ચાલક પોતાની કાર લઈને ફરાર થઈ ગયો હતો, જે મામલે ભોગ બનનાર વૃદ્ધે મોરબી સિટી એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

પોલીસ ફરિયાદમાં જણાવ્યા અનુસાર, મોરબીના જૂના બસ સ્ટેન્ડ પાસે મસ્તાનબાવાની દરગાહ પાછળ રહેતા અને મજૂરીકામ કરતા બસીરભાઈ કાસમભાઈ ભટ્ટી (ઉ.વ. 65) નામનાં વૃદ્ધ ગત તા. 07/11/2026 ના રોજ રાત્રીના આશરે બે વાગ્યાના સુમારે રફીકભાઈના થળા પાસે જાહેર રસ્તાની કિનારી પર પોતાની હેન્ડીકેપ સાયકલ લઈને બેઠા હતા. તેવામાં અચાનક એક સફેદ કલરની થાર ગાડીનો ચાલક પોતાની ગાડી ફૂલ સ્પીડમાં અને ગફલતભરી રીતે હંકારીને આવ્યો હતો. કારની સ્પીડ જોઈને અન્યો તો ખસી ગયા, પરંતુ બસીરભાઈ દિવ્યાંગ હોવાથી ખસી શક્યા નહીં. થાર ચાલકે બસીરભાઈને તેમની હેન્ડીકેપ સાયકલ સાથે જોરદાર ટક્કર મારી દીધી હતી, જેનાથી તેઓ નીચે પટકાયા હતા. અકસ્માત સર્જ્યો બાદ કાર ચાલક ત્યાં રોકાવાને બદલે ફરાર થઈ ગયો હતો.

આ અકસ્માતમાં બસીરભાઈને નાકના ભાગે, કપાળ પર અને જમણા હાથના બાવડાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. તેમને તાત્કાલિક મોરબીની ખાનગી હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર અર્થે રાજકોટ સિવિલ અને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

બસીરભાઈએ થાર ગાડીના અજાણ્યા ચાલક વિરુદ્ધ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ મથકમાં BNS કલમ-281, 125(A), 125(B) અને MV એક્ટની કલમ-177, 184, 134 હેઠળ ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ આસીસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટર વાલભા ચાવડાને સોંપી છે.

(11:10 PM IST)