તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 5th June 2026
જસદણમાં ક્રિકેટ માટે સત્તાવાર મેદાન નથીઃ યુવાનોના શોખ પર બ્રેક
‘ભાજપે કરોડોના વિકાસકામ કર્યા પણ ક્રિકેટનું મેદાન ઘટે છે' : નગરસેવક ગભરુભાઈ ધાધલ

(હિતેશ ગોસાઈ-હુસામુદીન કપાસી દ્વારા) જસદણ, તા.૫: જસદણ શહેરમાં હજારો ક્રિકેટ રસિકો હોવા છતાં ક્રિકેટ રમવા માટે એક પણ સત્તાવાર મેદાન ઉપલબ્ધ ન હોવાથી યુવાનો અને ખેલાડીઓને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. આ મુદ્દે નગરપાલિકાના વોર્ડ નંબર ૩ના સદસ્ય ગભરુભાઈ ઉનડભાઈ ધાધલે તંત્ર સમક્ષ સત્તાવાર ક્રિકેટ મેદાન ફાળવવાની માંગણી કરી છે.
ગભરુભાઈ ધાધલે જણાવ્યું કે જસદણમાં ભારતીય જનતા પાર્ટીએ કરોડો રૂપિયાના વિકાસકામો કર્યા છે, પરંતુ શહેર માટે એક સત્તાવાર ક્રિકેટનું મેદાન હજુ ઘટે છે. શહેરમાં ખાનગી અને સરકારી મેદાનો તો છે, પણ એક પણ મેદાન ક્રિકેટ માટે સત્તાવાર રીતે ફાળવવામાં આવ્યું નથી. જેના કારણે ક્રિકેટરસિકોને કાં તો ખાનગી મેદાનમાં રમવા માટે પૈસાનો બગાડ કરવો પડે છે અથવા તો યોગ્ય મેદાન માટે ભટકવું પડે છે.
તેમણે વધુમાં ઉમેર્યું કે જસદણમાં ક્રિકેટ સાથે સંકળાયેલા હજારો નાગરિકો છે. ભૂતકાળમાં અહીંના ક્રિકેટરોએ રાજ્ય કક્ષાએ રમી જસદણનું નામ રોશન કર્યું છે. હાલ પણ અનેક યુવાનોને ક્રિકેટ સાથે લગાવ છે, પરંતુ સત્તાવાર મેદાનના અભાવે તેમના ક્રિકેટ રમવાના શોખ પર બ્રેક લાગી રહી છે. જવાબદાર તંત્રવાહકો આ બાબતને ગંભીરતાથી લઈ જસદણના યુવાનો માટે કોઈ સત્તાવાર મેદાન તાત્કાલિક ફાળવે તેવી માંગ ગભરુભાઈ ધાધલે કરી છે.
અત્રે નોંધનીય છે કે ગભરુભાઈ ધાધલ શહેરના સાતેય વોર્ડના નાગરિકોમાં ખાસ્સા લોકપ્રિય છે. પ્રજાની કોઈ પણ સમસ્યા કે પ્રશ્ન હોય તો તેની ગંભીરતાપૂર્વક નોંધ લઈ જે તે વિભાગ સાથે સંકલન કરી નાગરિકોના કામ કરી આપવા માટે તેઓ જાણીતા છે.
(10:41 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
