<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 9th May 2026

ધ્રોલમાં તિજોરી રીપેર કરવાના બહાને ચોરી કરનાર ઝડપાયોઃ ૪.૫૭ લાખનો મુદામાલ જપ્‍ત

મધ્‍યપ્રદેશના શખ્‍સને જામનગર એલસીબી પોલીસ ટીમે ઝડપી લીધો

(સંજય ડાંગર- મુકુંદ બદિયાણી દ્વારા) ધ્રોલ-જામનગર તા.૯: રાજકોટ વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી નિર્લિપ્ત રાય અને જામનગર જિલ્લા પોલીસ વડા ડો. રવિ મોહન સૈની દ્વારા મિલકત વિરોધી ગુનાઓ શોધી કાઢવાની મળેલી સૂચના અન્‍વયે જામનગર એલ.સી.બી. પોલીસે ધ્રોલ ટાઉનમાં થયેલી મોટી ચોરીનો ભેદ ઉકેલવામાં સફળતા મેળવી છે. તાળા-ચાવી રિપેર કરવાના બહાને ઘરમાં ઘૂસી સોના-ચાંદીના દાગીનાની ચોરી કરનાર મૂળ મધ્‍યપ્રદેશના એક શખ્‍સને પોલીસે મુદ્દામાલ સાથે ઝડપી પાડયો છે.

ઘટનાની વિગત મુજબ, ગત તા. ૨૪/૦૪/૨૦૨૬ ના રોજ ધ્રોલના પડધરી નાકા પાસે વાણીયા ચોકમાં રહેતા જાનીબેન ભુડીયાના રહેણાક મકાનમાં ચોરીનો બનાવ બન્‍યો હતો. ફરિયાદીના કબાટની તિજોરીનું લોક ખરાબ થઈ ગયું હોય, મકાન પાસે શેરીમાં નીકળેલા એક અજાણ્‍યા સરદારજીને લોક રિપેર કરવા માટે બોલાવ્‍યા હતા. લોક રિપેર કરતી વખતે આ શખ્‍સે ફરિયાદીને તેલ લેવા મોકલી, નજર ચૂકવી તિજોરીમાં રાખેલ ઈં ૩.૫૦ લાખનો સોનાનો હાર, રૂ.૪૦ હજારનું સોનાનું પેન્‍ડલ અને ચાંદીના સાંકળા-કડુ મળી કુલ રૂ.૪,૩૬,૦૦૦ ના દાગીનાની ચોરી કરી નાસી છૂટયો હતો.

આ વણશોધાયેલા ગુના સંદર્ભે એલ.સી.બી. પી.આઈ. વી.બી. ચૌધરીના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ. એમ.વી. ભાટીયા તથા સ્‍ટાફના માણસોએ અલગ-અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી. સીસીટીવી ફૂટેજ અને બાતમીદારોની મદદથી જાણવા મળ્‍યું હતું કે આ ચોરીમાં નાનકસિંગ ઇંદરસિંગ ચાવલા (રહે. રાજગઢ, મધ્‍યપ્રદેશ) નામનો શખ્‍સ સંડોવાયેલ છે. બાતમીના આધારે પોલીસે ધ્રોલ લતીપુર રોડ, વાગુળીયા પુલ પાસેથી આરોપીને દબોચી લીધો હતો.

પોલીસે આરોપી પાસેથી ચોરી ગયેલ સોનાનો હાર, સોનાનું પેન્‍ડલ, ચાંદીના સાંકળા, કંદોરો, કડુ અને એક મોબાઈલ ફોન મળી કુલ રૂા.૪,૫૭,૦૦૦નો મુદ્દામાલ કબ્‍જે કર્યો છે. પકડાયેલ આરોપી નાનકસિંગ અગાઉ મધ્‍યપ્રદેશના રતલામ, ખરગોન અને જાંબવા જિલ્લાના પોલીસ મથકોમાં પણ ચોરીના ગુનામાં નોંધાઈ ચૂકયો છે. હાલ પોલીસે આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી તેને ધ્રોલ પોલીસને સોંપવા તજવીજ હાથ ધરી છે. એલ.સી.બી.ની આ કામગીરીથી સ્‍થાનિક વિસ્‍તારમાં પોલીસની સતર્કતાની સરાહના થઈ રહી છે.

(11:17 AM IST)