તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 26th August 2026
તેરસ, ચૌદસ અને અમાસના દિવસો દરમિયાન ભૂચર મોરીના મેદાનમાં આ ભવ્ય લોકમેળો યોજાશે
ધ્રોલ પાલિકાનો માસ્ટરસ્ટ્રોકઃ ભૂચર મોરી મેળાની હરાજીથી તિજોરીમાં રૂા.૨૫.૧૦ લાખની જંગી આવક, મોરબીની અમર એન્ટરપ્રાઈઝ સંભાળશે સંચાલન

(સંજય ડાંગર હસમુખરાય કંસારા દ્વારા) ધ્રોલ તા.૨૬: ધ્રોલના સુપ્રસિદ્ધ અને ઐતિહાસિક ભૂચર મોરીના મેદાન ખાતે વર્ષોથી પરંપરાગત રીતે યોજાતા ત્રણ દિવસીય ભવ્ય લોકમેળાના આયોજન માટે ધ્રોલ નગરપાલિકા દ્વારા જાહેર હરાજી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ વખતે પાલિકા દ્વારા મેળાના સમગ્ર લેઆઉટ મુજબ મુખ્ય આયોજક-સંચાલકની નિમણૂંક કરવા માટે ખાસ ફોર્મ્યુલા આધારિત હરાજી રાખવામાં આવી હતી, જેમાં મોરબીની એજન્સીએ સૌથી ઊંચી બોલી લગાવીને સંચાલનનો ઈજારો મેળવ્યો છે.
ભૂચર મોરી ના મેદાન ખાતે યોજાયેલી આ જાહેર હરાજીમાં કુલ ૪ અનુભવી આયોજકોએ ભાગ લીધો હતો. ચારેય પક્ષકારો વચ્ચે થયેલી તંદુરસ્ત સ્પર્ધાના અંતે સૌથી ઊંચો ભાવ બોલનાર મોરબીની જાણીતી પેઢી અમર એન્ટરપ્રાઈઝને લોકમેળાના સંચાલક તરીકે જાહેર કરવામાં આવી હતી. આ સફળ હરાજીથી ધ્રોલ નગરપાલિકાની તિજોરીમાં રૂા.૨૫.૧૦ લાખની વિક્રમજનક આવક જમા થશે.
હરાજીના નિયમો અને શરતો મુજબ, મેળાના સમગ્ર આયોજન, મનોરંજન સાધનો, સ્ટોલ્સ અને સંચાલનનો તમામ ખર્ચ સંબંધિત એજન્સીએ કરવાનો રહેશે. જ્યારે મેળામાં ઉમટી પડતી હજારો લોકોની જનમેદનીને કોઈ અસુવિધા ન થાય તે માટે પીવાના શુદ્ધ પાણીની વ્યવસ્થા અને સમગ્ર મેળા ગ્રાઉન્ડની સફાઈ વ્યવસ્થા ધ્રોલ નગરપાલિકા પોતાના હસ્તક રાખશે..
તેરસ, ચૌદસ અને અમાસના દિવસોમાં જામશે લોકસંસ્કૃતિનો મેળાવડો ભૂચર મોરીના ઐતિહાસિક રણમેદાનમાં આગામી તા.૯ થી ૧૧ સોમવારના તેરસ, ચૌદસ અને અમાસ એમ ત્રણ દિવસ સુધી આ લોકમેળો ધામધૂમથી ઉજવાશે.
આ હરાજી પ્રક્રિયા દરમિયાન ધ્રોલ નગરપાલિકાના પ્રમુખ વિનુભાઈ વાઘેલા, ચીફ ઓફિસર ગીરીશભાઈ સરૈયા, પાલિકાના ચૂંટાયેલા સભ્યો, પદાધિકારીઓ તેમજ નગરપાલિકાનો કર્મચારીગણ ઉપસ્થિત રહ્યા હતા. આ સમગ્ર પ્રક્રિયા શાંતિપૂર્ણ અને પારદર્શક રીતે પૂર્ણ કરવાં મા આવી હતી.
(9:56 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
